સૌરાષ્ટ્ર યુનિ.માં કવિ સંમેલનમાં વહી લાગણી સંવેદનાઓની ઉર્મી

માતૃભાષા સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજયભરનાં યુવા કવિઓએ છલકાવી પ્રતિભા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી ભવનમાં ‘માતૃભાષા સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત કવિ સંમેલનનું આયોજન કરાયું હતુ જેમાં સમગ્ર ગુજરાતમાંથી યુવા કવિઓએ હાજર રહી વિદ્યાર્થીઓને અત્યારની કવિતાઓની ભાષા લાગણી અને સંવેદનાઓથી પરિચિત કર્યા હતા. વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષાના જ્ઞાનને વધારવા અમદાવાદથી અનિલ ચાવડા, સુરતથી ગૌરાંગ ઠાકર, બગસરાથી સ્નેહી પરમાર, અમરેલીથી પારૂલ ખખ્ખર, રાજકોટથી ભાર્ગવ ઠાકર, સુ.નગરથી દર્શક આચાર્ય, રાજકોટથી નરેશ સોલંકી તથા કુલદીપ કારીયા સહિતના કવિઓએ પોતાની આગવી શૈલીમાં ગુજરાતી ભાષાનાં સાહિત્યને પીરસ્યું હતુ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી ભવનના નિતિનભાઈ વડગામાએ જણાવ્યું હતુ કે વિશ્ર્વ માતૃભાષા દિનની ઉજવણી અંતર્ગત ગુજરાતી ભવનમાં માતૃભાષા સપ્તાહ ઉજવામાં આવે છે. ગુજરાતી ભાષાનાં ગૌરવને વધારવા તેમજ વિદ્યાર્થીઓમાં ખાસ કરીને ગુજરાતી ભાષા કેવી રીતે લખવી અને કેમ બોલવી તેની માહિતી પુરીપાડવા ઉપરાંત વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાનીઆજની કવિતાઓથી વાકેફ થાય તે માટે ગુજરાતી ભાષાના ઉતમ કવિઓનું એક સંમેલન યોજાયું હતુ આ કવિ સંમેલનમાં સમગ્ર ગુજરાતભરમાંથી યુવા કવિઓએ હાલના કાવ્યોના રૂપરંગ કેવા છે, કાવ્યની અભિવ્યકિત અને કાવ્યોમાં જોવા મળતી સંવેદનાઓથી વિદ્યાર્થીઓને પરીચીત કરાવ્યા હતા. વધુમાં નિતિન વડગામાએ જણાવ્યું હતુ કે ગરવી ગુજરાતી ભાષામાં આજે કેવું લખાય છે. તે માટે ‘માતૃભાષા સપ્તાહ’ની ઉજવણી કરાય છે. સમગ્ર વિશ્ર્વમાં ‘વિશ્ર્વમાતૃભાષા દિવસ’ની ઔપચારીક ઉજવણી થાય છે. જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકમાત્ર ગુજરાતમાં માતૃભાષા સપ્તાહની ઉજવણી કરે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે પાશ્ર્ચાત્ય સંસ્કૃતિના આક્રમણનો ભોગ આજની યુવાપેઢી બની રહી છે ત્યારે અંગ્રેજી માધ્યમમાં ભણવાનો મોહ ઓછો કરવાની જરૂર છે.