- અલગ અલગ કચેરીઓમાં ચેકીંગ ઝુંબેશ દરમિયાન ફક્ત દોઢ કલાકમાં 231 કર્મચારીઓ અને અરજદારો પાસેથી રૂ.1.18 લાખનો દંડ વસુલાયો
રાજ્યના ડીજીપીએ સરકારી કચેરીના કર્મચારીઓને હેલમેટ પહેરવા અપીલ કરી હતી અને પોલીસને આ બાબતની અમલવારી કરવા ટકોર કરી હતી. જે ટકોર બાદ આજ સવારથી જ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ સરકારી કચેરીઓ બહાર ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે ઝુંબેશના ભાગરૂપે કુલ 231 કર્મચારીઓ અને અરજદારો પાસેથી રૂ. 1.18 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.
ડીજીપી વિકાસ સહાયની સુયના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી ટ્રાફિક જે બી ગઢવીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારથી જ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી દેવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર આજે શહેરની પોલીસ કમિશ્નર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન, વિવિધ પોલીસ સ્ટેશન, કલેકટર કચેરી સહીતની કચેરીઓમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સવારે 10:30 થી 12:00 સુધી ચેકીંગ ઝુંબેશ હાથ ધરી કુલ 231 સરકારી કર્મચારીઓ અને અરજદારોને દંડિત કરવામાં આવ્યા હતા. દોઢ કલાકમાં ટ્રાફિક પોલીસે રૂ. 1,18,500નો દંડ વસુલ્યો હતો. આ ડ્રાઇવ હજુ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું ટ્રાફિક પોલીસની યાદીમાં જણાવાયું છે.