ગણેશ ઉત્સવ અંગે માગદર્શીકા જાહેર કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

જાહેર પંડાલમાં ચાર ફુટના અને ઘરમાં ગણેશજીની ર ફુટની પ્રતિમાનું સ્થાપન કરી શકાશે: ગણેશજીના સામૈયા અને વિસર્જનમાં ૧પ થી વધુ વ્યકિત એકઠા થવા પર પ્રતિબંધ

 

અબતક, રાજકોટ

દેશભરમાં કોરોના વાયરસ મહામારી ફેલાયેલ હોય જેથી ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી ભારતમાં ફેલાતી અટકે તે માટે વખતો વખત ઘણી અલગ-અલગ માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવેલ છે. આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવતો હોય સરકાર દ્વારા ગણેશ ઉત્સવ અંગે ગાઈડલાઇન બહાર પાડેલ છે જેને અનુલક્ષી પોલીસ કમિશ્નર   દ્વારા જાહેરનામું બહાર પાડી ગણેશ ઉત્સવ દરમિયાન નીચે મુજબના નિયમો બહાર પાડવામાં આવેલ છે. ગણેશ ઉત્સવ દરમિયાનની ગાઈડલાઇન સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૦૪ ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ ૦૨ ફૂટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે.સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલામંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે. આયોજકો દ્વારા પંડાલમંડપમાં સોશીયલ ડીસ્ટન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળાં કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે.

સાર્વજનિક ગણેશ મહોત્સવમાં માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ ૧૫ વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત ગણેશ સ્થાપન અને વિસર્જન કરી શકાશે. વિસર્જન કરતી વખતે સરઘસ કાઢવું નહી.

ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તે વધારે હિતાવહ રહેશે. ધાર્મિક તથા સામાજીક પ્રસંગોમાં બેન્ડ વાજા(ડી.જે) વગાડવા માટે કોરોના ગાઈડલાઇનનું પાલનતથા વ્યક્તિની મર્યાદા જળવાઈ રહે તે નિયમોને આધીન નજીકના પોલીસ સ્ટેશનમાથી મંજૂરી લેવાની રહેશે પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાત્રીના ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી.

સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે.કૃત્રિમ કુંડ વિસર્જન કરતી વખતે ભીડ એકઠી કરવી નહીં.ગણેશ મહોત્સવના તહેવાર સદર્ભે તા.૦૯/૦૯/૨૦૨૧ થી તા.૧૯/૦૯/૨૦૨૧ દરમિયાન રાત્રિ કરફ્યુ રાત્રિના ૨૪/૦૦ વાગ્યાથી લાગુ થશે. જ્યારે ગણેશ પંડાલમંડપમાં રાત્રિના ૨૩/૦૦ સુધી જ દર્શન ચાલુ રાખી શકાશે. શહેર પોલીસ દ્વારા દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવેલ છે અને રૂટને કલર કોડ આપવામાં આવેલ છે. આ કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે.

આયોજકોને સરકાર ની ગાઈડલાઇનનું પાલન કરવા માટે સમજ કરવામાં આવેલ છે. ગણેશ ઉત્સવના આયોજકોએ પણ તમામ નિયમો પાળવા બાબતેની સંમતી દર્શાવેલ છે, કોરોના વાઇરસનો ચેપ ફરીથી  શહેરમાં ફેલાય નહી તે માટે પોલીસની પ્રાથમિક્તા રહેલ છે પોલીસ કમિશ્નર દ્વારા  શહેરની જનતાને ગણેશ ઉત્સવ દરમિયાન નિયમોનું પાલન કરવા તેમજ કોરોના વાઇરસનો ચેપ ઓછો ફેલાય તે બાબતે સચેત પગલાં લેવા માટે અપીલ કરવામાં આવેલ છે.