- કઠલાલ પાલિકાના કારોબારી ચેરમેન જીજ્ઞેશ ભાવસારે ગૃહ
- મંત્રીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરતા વિપક્ષના પ્રહારો
ભાજપ શાસિત કઠલાલ નગરપાલિકામાં કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ભાવસાર દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને તેમના ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને પોલીસે દારૂનો વ્યવસાય કરે છે તેવા જાહેરમાં આરોપો કર્યા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ભાજપ શાસિત કઠલાલ નગરપાલિકામાં કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ભાવસાર દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને તેમના ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને પોલીસે દારૂનો વ્યવસાય કરે છે તેવા જાહેરમાં આરોપો કર્યા. એમણે કોમેન્ટમાં કહ્યું કે “અમારા કઠલાલ શહેરમા ખુલ્લેઆમ દારુ તથા નશીલા પદાર્થનુ પોલીસ કર્મચારી ડી સ્ટાફ જમાદાર મુરજીભાઈ રબારી હપ્તા લઈ વેચાણ કરાવી રહ્યા છે તો એ સદંતર બંધ કરાવો ..હુ કઠલાલ નગરપાલિકામા ભાજપ શાસિત નગરપાલિકામા કારોબારી ચેરમેન પદ ઉપર છુ. મારા કઠલાલ શહેરનુ યુવાધન બરબાદ થઈ રહ્યુ છે .આ ડી સ્ટાફ જમાદાર હપ્તા લઈ ખુલ્લેઆમ વેચાણ કરવા દે છે..એની બદલી કરો .એવી આપને નમ્ર વિનંતી છે.
હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી એક તરફ ભારતીય ન્યાય સહિતા કાયદા ગુજરાતમાં લાગુ કરવાની ગુલબાંગો વિધાનસભામાં મારી રહ્યા છે અને બીજી તરફ તેમના જ નેતાઓ ગુજરાતમાં દારૂનો ખુલ્લેઆમ વેપલો થાય છે તેવા આરોપો પોલીસ પર કરી રહ્યા છે અને વેચાણ કરવા માટે હપ્તા લેવાઈ રહ્યા છે તેવું પણ જ્યારે કહી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ જ પ્રમાણે દારૂના હપ્તાનું વ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલું છે અને ગાંધીનગર સુધી ભાગ બટાઈ પહોંચે છે તેવા આરોપો પણ લોકમૂખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે ચમરબંધીઓને પણ છોડીશું નહીં તેવી ડંફાસો મારતા ગૃહ મંત્રીએ શરમથી ડૂબીને ગુજરાતની જનતાને માફી માગવી જોઈએ અને તાત્કાલિક રાજીનામું આપીને પોતાની નિષ્ફળતાનું પ્રાયશ્ચિત કરવું જોઈએ.