Abtak Media Google News

કનકનગરની નિ:સહાય, લાચાર અને મજબુર યુવતીની વ્હારે આવતા પાડોશી

જન્મ સમયે જ માતાની મમતાથી વંચિત યુવતીએ કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવી

નિરાધાર બનેલી યુવતીનો સહારો બનવાના બદલે મોટા બાપુ સહિતના પરિવારે ગુજાર્યો અત્યાચાર

ધગધગતા ચીપયાથી હોઠ પર ડામ દઇ ઘરમાં જ ગોંધી રાખી: ભુખ અને તરસથી રિબાતી યુવતીએ છ માસથી મુંગા મોઢે દુ:ખ અને ત્રાસ સહન કર્યા

અબતક,રાજકોટ

શહેરના કનકનગર વિસ્તારની નિસહાય, લાચાર અને મજબુર યુવતીને પરિવારના જ મોભીએ અત્યાર ગુજાર્યાની ઘટના સામે આવતા સભ્ય સમાજ શરમ અનુભવે તેવી હીચકારી ઘટના પોલીસમાં નોંધાઇ છે. જન્મ સમયે જ માતાની મમતાથી વંચિત યુવતીએ છ માસ પહેલાં જ કોરો થવાથી પિતાની છત્રછાયા ગુમાવતા નિરાધાર બની મોટા બાપુનો આશરે જીવતી યુવતીને પરિવારના મોભીએ લાડ કોડ પુરા કરવાના બદલે સિતમ ગુજારી બેરહેમીથી માર મારતા યાતના ભોગવતી યુવતીની મદદે પોલીસ આવી છે. જીવતા નર્ક સમાન યાતના વેઢતી યુવતીના મોટા બાપુ, તેની પત્ની અને પુત્રીની પોલીસે અટકાયત કરી છે.

સામાકાંઠા વિસ્તારમાં આવેલા કનકનગર શેરી નંબર 7માં રહેતી યુવતીને પરિવાર દ્વારા જ મારકૂટ કરવામાં આવતી હોવાનું અને જમાવાનું ન આપી ગોંધી રાખવામાં આવતી હોવા અંગેની મહિલા હેલ્પ લાઇનમાં આવેલા કોલના આધારે પોલીસ સ્ટાફ કનકનગરમાં દોડી ગયો હતો.

શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં હેમાંગી રાજેશભાઇ ગરાચ નામની 24 વર્ષની યુવતીની પૂછપરછ કરતા પોતાના પરિવાર દ્વારા ગુજારાતા અત્યાચાર અંગેની આપવિતી વર્ણતા પોલીસ સ્ટાફ પણ ચોકી ગયો હતો. હેમાંગીના જન્મ સમયે જ માતા ભેદી રીતે લાપતા બની હતી અને કોરોનાના કારણે પિતા રાજેશભાઇ ગરાચનું અવસાન થતાં હેમાંગી ગરાચ નિરાધાર બની મોટા બાપુ અશ્ર્વિન ગરાચનો આશરો લેવો પડયો છે.

માતા અને પિતા વિહોણી હેમાંગી ગરાચના લાડ કોડ પુરા કરવાના બદલે મોટા બાપુ અશ્ર્વિન ગરાચએ છેલ્લા છ માસથી મારકૂટ કરવાનું અને પુરતુ જમવાનું ન આપી દુ:ખ-ત્રાસ દેવાનું શરૂ કર્યુ હતું. અશ્ર્વિનભાઇની સાથે તેની પત્ની અને પુત્રી પણ હેમાંગીને બેરહેમી પુર્વક માર મારતા હતા. પરિવારથી પિડીત હેમાંગી ગરાચ મારથી બચવા મોટા અવાજ સાથે ચીસો પાડતી હોવાનું આજુ બાજુના રહીસો સાંભળી કંપી ઉઠતા અને અશ્ર્વિન ગરાચની જાણ બહાર બાલ્કનીમાંથી જમવાનું ફેંકીને મદદ કરતા હતા.

ગઇકાલે હેમાંગી ગરાચને અશ્ર્વિન ગરાચ સહિતના પરિવારે અતિશય માર મારી ગરમ ચીપીયાથી હોઠ પર ડામ દીધા હોવાથી હેમાંગીએ બુમાબુમ કરી હતી અને બાલ્કનીમાં જઇ પાડોશીઓને પોતાની મદદે આવવા અને બચાવવા આજીજી કરી હતી. અતિયશ યાતના વેઠતી હેમાંગીના કરૂણ કલ્પાતથી પાડોશી કાજલબેનનું હૃદય દ્રવી ઉઠયું હતું અને મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી હેમાંગીને અત્યાચારમાંથી મુક્ત કરાવવા રજૂઆત કરી હતી.

મહિલા હેલ્પ લાઇનની ટીમ કનકનગરમાં હેમાંગીને મળ્યા ત્યારે પોતાના મોટા બાપુની હાજરીમાં કંઇ ન થયું હોવાનું જણાવ્યું હતુ પરંતુ તેણીને થોરાળા પોલીસ મથકે લઇ જઇ હિમ્મત આપી સધિયારો આપવાની પોલીસે ખાતરી આપતા હેમાંગીએ પોતાના પર થતા અત્યાચાર અંગે આપવિતી વર્ણવતા પોલીસ સ્ટાફ પણ ચોકી ઉઠયો હતો. અશ્ર્વિન ગરાચ, તેની પત્ની અને પુત્રીની અટકાયત કરી છે.

રૂવાડા ઉભા કરી દે તેવી ચીસો સાંભળી લત્તાવાસીઓનું હૃદય કંપી ઉઠયું

લતાવાસીઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી સતત હેમાંગી પર તેના મોટાબાપુ અશ્વિન ગરાચ અને તેના પરિવારજનો અત્યાચાર ગુજારી રહ્યા છે. દરરોજ યુવતીને બેફામ માર મારવામાં આવે છે, ગરમ તાવીથો, ચિપીયો, તાવડીથી ડામ દેવાય છે અને તે સમયે હેમાંગીની ચીસો સાંભળી લતાવાસીઓના પણ રુવાડા ઉભા થઇ જતા હતા. લતાવાસીઓએ જણાવ્યું હતું કે, હેમાંગીને તેના પરિવારજનો દરરોજ બેફામ માર મારતા હતા તેમજ દિવસો સુધી ભોજન પણ આપતા ન હતા  જેથી મજબૂર હેમાંગી છત પર આવીને ઈશારાથી અમારી પાસે કંઈક જમવાનું આપવા આજીજી કરતી હતી. લતાવાસીઓ પ્લાસ્ટિકમાં રોટલી કે બિસ્કિટ રાખીને છત પર ફેંકતા તો હેમાંગી શૌચાલયમાં જઈને ખાઈ લેતી હતી. લતાવાસીઓનું કહેવું છે કે, આ રાક્ષસો લાચાર હેમાંગીને ઘરમાં જ ગોંધી રાખતા હતા અને આખા ઘરનું કામ તેની પાસે કરાવતા હતા.

પોલીસને ફોન કરો નહીંતર આ લોકો મને મારી નાખશે: ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીનો કલ્પાંત

આજે સવારથી જ પરિવારજનો દ્વારા હેમાંગી પર અસહ્ય ત્રાસ વર્તાવાઈ રહ્યો હતો જેની જાણ લતાવાસીઓને હેમાંગીના દર્દસભર ચીસો પરથી થઈ ગઈ હતી. ત્યારે હેમાંગીએ છત પર આવીને લતામાં રહેતા એક બહેનને કહ્યું હતું કે, તમે પોલીસને ફોન કરો નહીંતર આજે તો આ લોકો મને મારી જ નાખશે. આ વાત સાંભળતા જ લતાવાસીઓએ તરત જ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. એક બહેને જણાવ્યું હતું કે, જ્યારે હેમાંગી છત પર આવી ત્યારે તેના હોઠના ભાગેથી લોહીનો સ્ત્રાવ થઈ રહ્યો હતો. ઘટનાને પગલે અભયમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘરે જ પ્રાથમિક કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું અને ત્યારબાદ હેમાંગીને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જવાઇ હતી.

હેમાંગી ઘરમાંથી ભાગવા જતા લપસી જવાથી ઇજાગ્રસ્ત થઈ: રાક્ષસનો લુલો બચાવ

સમગ્ર ઘટનાને પગલે થોરાળા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે રાક્ષસ સમાન મોટા બાપુ અશ્વિન ગરાચ અને બે મહિલાઓ સહિત 3ના અટકાયતી પગલાં લીધાનું જાણવા મળી રહ્યું હતું. મળતી માહિતી મુજબ રાક્ષસ અશ્વિન ગરાચે પોલીસ સમક્ષ લુલો બચાવ કરતા કહ્યું છે કે, આજે સવારે હેમાંગી ઘરમાંથી ચોરી કરી કરીને ભાગવા જતા લપસી ગઈ હતી જેના પગલે તેને હોઠના ભાગે ઇજા પહોંચી હતી. જો કે, પોલીસ હાલ હેમાંગીના નિવેદન પરથી સખ્તાઈથી પગલાં લઈ રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.