Abtak Media Google News

15 લાખ કોને આપવાના હતા અને, 7 લાખ કોણ આપી ગયુ અને બંધક બનેલા પેઢીના માલિકનો થયેલો છુટકારો પોલીસના ગળે ઉતરતો નથી

ગોંડલ રોડ પરની બાલાજી કુરિયર અને કાર્ગોની બાજુમાં અન્ય ત્રણ દુકાનદારો લૂંટની ઘટનાથી સાવ અજાણ!

ગોંડલ રોડ પર આવેલા બાલાજી કુરિયર અને કાર્ગોમાં ગઇકાલે સમી સાંજે થયેલી 22 લાખની દિલ ધડક લૂંટની ઘટનાના પગલે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી કરેલી તપાસમાં કેટલીક શંકાસ્પદ બાબત સામે આવી છે. 15 લાખ કોને આપવાના હતા તેમજ 7 લાખ કોણ આપી ગયું અને પેઢી માલિકને લૂંટારાઓએ બંધક બનાવ્યો છે તો કંઇ રીતે મુક્ત થયો તે અંગેને શંકા ઉભી થાય તેમ હોવાથી પોલીસે સમગ્ર ઘટનામાં ઘરના જ ઘાતકી હોવાની શંકા સાથે તપાસ શરૂ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પોરબંદરના વતની અને હાલ કાંગશીયાળી પાસે કલ્પવન સોસાયટી પાસે રહેતા હરજીભાઇ ગોવાભાઇ ભોગાયતા નામના 36 વર્ષના યુવાને ગોંડલ રોડ પર રાજેશ્રી ઓટો સામે બાલાજી કુરિયર અને કાર્ગો સર્વિસ નામની પેઢી એકાદ માસ પહેલાં શરૂ કરી છે. તેઓ ગઇકાલે સાંજે પોતાની પેઢીએ હતા ત્યારે ભાવનગર ઇલેકટ્રીક મોટર મોકલવા અંગે પૂછવા માટે એક શખ્સ આવ્યો હતો તેને આજે ડીલીવરી નહી થાય બીજા દિવસે ડીલીવરી થશે તેમ જણાવતા જતો રહ્યો હતો થોડીવાર બાદ તે શખ્સની સાથે અન્ય એક શખ્સ એટલે કે બે શખ્સો ઇલેકટ્રીક મોટર કાલે મોકલશું તેમ કહેવા આવી વાતચીત કરતા હતા ત્યારે અન્ય એક ત્રીજો શખ્સ છરી સાથે ઘસી આવ્યો હતો અને પેઢીનું શટર બંધ કરી ગળુ પકડી રાખ્યું હતું. ત્યારે પ્રથમ આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે પણ છરી કાઢી હતી અને હરજીભાઇ ભોગાયતાના ખિસ્સામાંથી પાકીટ કાઢી લઇ ખુરશીમાં દોરીથી બાંધી દીધા હતા.

પેઢીના પાછળના ભાગે 15 લાખ અને અન્ય એક 7 લાખ ભરેલા થેલા હતા તે ત્રણેય શખ્સોએ લૂંટ ચલાવી ભાગી ગયા અંગેની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને માલવીયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે પેઢીના માલિક હરજીભાઇ ભોગાયતાને બંધક બનાવ્યા હતા તેઓનો છુટકારો કંઇ રીતે થયો તે અંગે કરેલી પૂછપરછમાં પોતે ઢસડાતા ઢસડાતા કાઉન્ટર સુધી પહોચી ત્યાં કટરની મદદથી દોરી કાપી નાખ્યાનું જણાવ્યું હતું. આ ઉપરાંત 15 લાખ પોતાના ભાઇએ બે દિવસ પહેલાં મોકલ્યાનું હરજીભાઇ ભોગાયતા જણાવી રહ્યા છે તો તેઓએ કોને આપવાના હતા અને બે દિવસ સુધી કેમ ન આપ્યા તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.

આ ઉપરાંત 7 લાખ પોતાની બહેનનું મકાનનું વેચાણ થતા આવ્યા હતા તે કોણ આપી ગયું, કયારે આપી ગયું અને પોતાની બહેનને 7 લાખ કેમ ન પહોચાડયા તે અંગે પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. 15 લાખ અને 7 લાખની રોકડમાં 2 હજારના દરની નોટ હતી કે 500ના દરની નોટ હતી તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક માસ પહેલાં જ શરૂ થયેલા બાલાજી કુરિયર અને કાર્ગોમાં સીસીટીવી કેમેરા ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસે આજુ બાજુની દુકાનોના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા પરંતુ કોઇ ફળદાયક વિગતો પોલીસને મળી ન હતી. 22 લાખની લૂંટમાં ઘરના જ ઘાતકી અથવા જાણભેદુ હોવાની શંકા સાથે પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા શિવ જવેલર્સમાં તાજેતરમાં જ 85 લાખની થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો નથી ત્યાં 22 લાખની લૂંટની ઘટના પોલીસમાં નોંધાતા પોલીસમાં દોડધામ થઇ ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.