પોલીસ કર્મીઓ ગ્રેડ પે વધારાની માંગ સાથે સોશિયલ મીડિયા મારફતે આંદોલનના માર્ગે

શિસ્તના હિમાયતી અને જાનમાલનું રક્ષણ કરતા

એસ.ટી. અને ગ્રામ પંચાયતના કર્મચારી બાદ નવી સરકાર સામે પડતર માંગને લઈ વધુ એક આંદોલનના મંડાણ

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માગંની વિચારણા કરી જરૂરી બદલાવ કરાશે

તાજેતરમાં ST વિભાગના કર્મચારીઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ ગ્રામ પંચાયતમાં કામ કરતા કર્મચારીઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી હવે ગ્રેડ પે વધારવાની માંગને લઈને પોલીસ કર્મીઓ પણ આંદોલનના માર્ગે વળ્યાં છે. શિસ્તના હિમાયતી ગણાતા પોલીસ કર્મીઓએ સોશ્યલ મીડિયા પર આંદોલન શરૂ કર્યું છે.

રાજયમાં ભુપેન્દ્ર પટેલની સરકાર સામે જૂની માંગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ત્યારે રાજ્યના પોલીસકર્મીઓ દ્વારા ગ્રેડ-પેને લઇને સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલન મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. તેવામાં આચારસહિંતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા ક્મારે એક પરિપત્ર જાહેર કરીને સોશિયલ મીડિયા પર આચારસહિંતાના ભંગ થતી ટીપ્પણી ન કરવા સુચના આપી છે.

મહત્ત્વની વાત છે કે સરકારના અલગ-અલગ વિભાગના કર્મચારીઓના દબાણ કારણે સરકાર કર્મચારીઓના ગ્રેડ-પેના ભથ્થામાં સુધારા કરી રહી છે. તેથી ગ્રેડ-પેમાં સુધારો કરવામાં આવે તેવી માગણી પોલીસકર્મીઓ પણ કરી રહ્યા છે. પોલીસકર્મીઓ દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલને જે ગ્રેડ-પે આપવામાં આવે છે તેમાં વધારો કરીને એએસઆઇને 4200, હેડ કોન્સ્ટેબલને 3600 અને કોન્સ્ટેબલને 2800 ગ્રેડ-પે આપવામાં આવે અને પોલીસ કર્મચારીઓને વર્ષોથી આપવામાં આવતા ભથ્થામાં પણ વધારો કરવામાં આવે.

તો કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે, ગુજરાત પોલીસનો ગ્રેડ-પે ઓછામાં ઓછો કેમ? ગુજરાત ભારતમાં જીડીપી માં 5 માં ક્રમ પર આવે છે અને માથાદીઠ આવકમાં 10 માં ક્રમે આવે છે. ગુજરાતનો જીડીપી 16.48 લાખ કરોડ છે. ગુજરાતથી ઓછો જીડીપીહોય હોય તે રાજ્યમાં સૌથી નીચી કક્ષાના પોલીસ કર્મચારીને 39530 રૂપિયા પગાર આવે છે.

પણ ગુજરાત આટલું તો ગરબ નથી કે તેના મહત્ત્વના ખાતાના કર્મચારીને આટલો ઓછો પગાર શા માટે આપે છે? ગુજરાતના પોલીસ કર્મચારીઓની સાથે આટલો અન્યાય કેમ?આ બાબતે વડોદરામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ બાબતે ચોક્કસ વિચારણા કરવામાં આવશે. માગણી યોગ્ય લાગશે તો જરૂરી બદલાવ પણ કરીશું. આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે.

આ અગાઉ યુથ કોંગ્રેસના સેક્રેટરી સુભાન સૈયદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી કર્મચારીઓના ગ્રેડ પે અને ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની સૌની જવાદારી છે. ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં અમે માગણી કરીએ છીએ.

પોલીસ જવાનો એકઠા થયા, સમર્થન સાથે વિપક્ષ નેતા ધાનાણી દોડી ગયા

પોલીસ  કર્મચારીઓ ગ્રેડ પે ને લઈને સોશ્યલ મિડિયામાં  આંદોલનના મંડાણને  પગલે ગાંધીનગર સેકટર 28 ખાતે એલ.સી.બી. કચેરીમાં  600 જેટલા પોલીસ કર્મીઓ પડતર માંગ સ્વીકારવાની માટે એકઠા થતા જેને પગલે વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પહોચ્યા હતા. તેમજ આ મામલે  હાર્દિક પંડયાની અટકાયત કરી મોડીરાત્રે છૂટકારો થતા ફરજ પર હાજર થઈ સરકારને સેલ્યુટ કરૂ છું અને પગાર વધારા માટે વિરોધ છે બીજો કોઈ વિરોધ નથી.