બાયોડીઝલ પર પોલીસ ધોંસ બીજા દિવસે 158 દરોડા : 1.31 કરોડનો મુદામાલ જપ્ત

રાજયભરમાં ઠેર ઠેર શરૂ થયેલા બાયો ડિઝલના પંપ પર દરોડા પાડવા રાજયના પોલીસ વડા દ્વારા અપાયેલી સુચનાના પગલે રાજકોટ રેન્જ ડીઆઇજી સંદિપસિંહે પોલીસની 131 સ્પેશ્ય ટીમ બનાવી રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં 158 સ્થળે દરોડા પાડી આઠ શખ્સોને રૂા.1.31 કરોડના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેન્જ ડીઆઇજી સંદિપસિંહે રાજકોટ રૂરલ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજીની 131 ટીમ બનાવી બાયો ડિઝલના ધંધાર્થી પર દરોડા પાડવા આપેલી સુચનાના પગલે જામનગર એલસીબીએ જામનગર જિલ્લાના મેઘપર ખાતે બાયો ડિઝલ અંગે દરોડો પાડી રૂા.99 હજારની કિંમતના 1800 લિટર બાયો ડિઝલ સાથે જામનગરના સાગર શ્રવણ તિરવા નામના શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી કુલ રૂા.12.49 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.રાજકોટ એલસીબી સ્ટાફે ગોંડલ તાલુકાના રૂા.72 હજારની કિંમતનું 12 લિટર બાયો ડિઝલ સાથે ગોંડલના સાહિલ સુલેમાન લાખાની ધરપકડ કરી તેની પાસેથી કુલ રૂા.2.43 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામે બાયો ડિઝલ અંગે પોલીસે દરોડો પાડી રૂા.26,800ની કિંમતનું 400 લિટર બાયો ડિઝલ સાથે ધજાળાના ઘનશ્યામ ટીગા સરવૈયાની ધરપકડ કરી તેની પાસેથી કુલ રૂા.27,500નો મુદામાલ કબ્જે કર્યો છે.લીંબડી ખાતે પોલીસે દરોડો પાડી રૂા.8.40 લાખની કિંમતના 1200 લિટર બાયો ડિઝલ સાથે પીપળીયાના ગોપાલ માલદે અસ્વાર નામના શખ્સની ધરપકડ કરી કુલ રૂા.9.92 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.

ટંકારા ખાતે રૂા.45.15 લાખની કિંમતના 60,200 લિટર બાયો ડિઝલ સાથે ટંકારાના અરવિંદ ભીમજી રાજકોટીયાની ધરપકડ કરી છે.પોલીસે બાયો ડિઝલ અંગે આઠ શખ્સોની ધરપકડ કરી રૂા.1.31 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં ગઇકાલે 128 પોલીસની ટીમ દ્વારા 163 સ્થળે બાયો ડિઝલ અંગે દરોડા પાડી નવ શખ્સોની ધરપકડ કરી હતી. છેલ્લા બે દિવસમાં કુલ 17 શખ્સો સામે આવશ્યક ચિજ વસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી રૂા.1.55 કરોડનો મુદામાલ કબ્જે કરાયો છે.