કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવવાની ફેકટરી પર પોલીસનો દરોડો : 800 લીટર નકલી દૂધનો નાશ

દૂધનો પાવડર,વનસ્પતિ ઘી સહિત રૂ.5.34 લાખનો મુદામાલ સીઝ,નમૂના લેબોરેટરીમાં મોકલાયા

જામનગર જિલ્લાના કાલાવડના હરિપર ગામેથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરી એસઓજીએ દરોડો પાડી પકડી પાડી છે. જેમાં બનતું દૂધ મોટાભાગનું રાજકોટ શહેરમાં સપ્લાય થતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી દૂધના નમૂના લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે.અને પોલીસે 800 લીટર બનાવટી દૂધનો નાશ કરી વે શખ્સોની ધરપકડ કરી છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પી.આઇ. આર.વી. વીંછી તથા તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને દૂધનો વ્યવસાય કરતા રાજુભાઈ બટુકભાઈ ભારાઈ અને તેમના જ એક સાગરીત ભલાભાઇ રમેશભાઈ મકવાણા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં માનવ જિંદગીની તંદુરસ્તી જોખમાય, તે રીતે દૂધમાં પાવડર, વનસ્પતિ ઘી સહિતની વસ્તુઓનું મિશ્રણ કરીને અખાધ્ય દૂધ બનાવવામાં આવે છે, અને તેનું વેચાણ કરી નખાય છે.

જે ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ આજે બપોરે કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ફુડ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને પણ સાથે રાખવામાં આવ્યા હતા.

જ્યાં ચેકિંગ કરતાં ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી અખાધ્ય દૂધ બનાવવા માટેના પાવડર ના મોટા 17 નંગ બાચકા મળી આવ્યા હતા. ઉપરાંત 42 નંગ વનસ્પતિ ઘી ના ડબ્બા, અને તેને લગતી અન્ય સાધન સામગ્રી મળી આવી હતી કુલ 5,34,025 ની સામગ્રી સીઝ કરી લેવામાં આવી છે.

તેના સેમ્પલો લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. એસ.ઓ.જી.ની પૂછપરછ દરમિયાન મકાન માલિક રાજુભાઈ અને તેનો સાગરીત ભલાભાઇ કે જે બંને છેલ્લા દોઢ વર્ષ થયા નકલી દૂધ બનાવવાની મીની ફેક્ટરી ચલાવતા હતા. ઓરીજનલ દૂધની સાથે સાથે વનસ્પતિ ઘી, દૂધ નો પાવડર, તથા અન્ય સામગ્રી ભેળવીને મશીનના માધ્યમથી મિશ્રણ તૈયાર કરતા હતા. જેના આધારે નકલી દૂધ તૈયાર હતું થતું હતું.