- ખેડૂતની 9 વિઘા જમીન અમરેલી પોલીસે ત્રણ દિવસમાં પરત અપાવી
- વ્યાજખોરે 12 લાખ ચુકવાવ્યા પછી પણ, 800 મણ કપાસ અને ખેતીના સાધનો બળજબરીથી લઈ લીધા
વ્યાજના દલદલમાંથી બહાર નીકળવું અઘરું છે. તેમજ વ્યાજે પૈસા આપવા ગેરકાયદેસર છે, તો બીજી તરફ વ્યાજે લીધેલા પૈસા જ્યારે લોકો ચૂકવી ન શકે ત્યારે દેણાના દબાણ નીચે આવી જતાં હોય છે. અને આવા સંજોગોમાં પૈસા ચૂકવી શકવાની અસમર્થતાના કારણે વ્યાજખોરો માનસિક ત્રાસ આપતા હોય છે. અને આ ત્રાસમાં ઘણા લોકો આ*ત્મ*હ*ત્યા જેવા પગલાં પણ ભરી લેતા હોય છે. વ્યાજખોરીને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા હરહંમેશ પગલાં લેવામાં આવે છે.
અમરેલી જિલ્લામાં વ્યાજખોરી સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યાં છે. લાપાળીયા ગામે વ્યાજખોરના શિકાર બનેલા ખેડૂત કનુ લુણાગરિયાની 9 વિઘા જમીન અમરેલી પોલીસે ત્રણ દિવસમાં પરત અપાવી દીધી છે. માહિતી મુજબ, ચાર વર્ષ પહેલાં કનુભાઈના દીકરાએ વ્યાજે માત્ર 3 લાખ રૂપિયા બાબુ તેરૈયા પાસેથી લીધા હતા. સમય જતાં વ્યાજખોરે કુલ 12 લાખ રૂપિયા ચુકવાવ્યા પછી પણ, 7 લાખનો 800 મણ કપાસ અને ખેતીના સાધનો પણ બળજબરીથી લઈ લીધા હતા. વાત અહીં અટકી નહીં જમીન પણ કબજે કરી ધમકી આપી બાનાખત કરાવી લીધા હતા. અંતે, અમરેલી એસ.પી. સંજય ખરાતને હકીકત રજૂ કરાતા પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ખેડૂતની જમીન પરત અપાવી છે.
શું હતી સમગ્ર ઘટના ?
ચાર વર્ષ પહેલા કનુ લુણાગરિયાના દીકરાએ બાબુ તેરૈયા પાસેથી ત્રણ લાખ વ્યાજે લીધા હતા જેના બે વર્ષના અંતે વ્યાજ સહિત 12 લાખ રૂપિયા જેવી તોતિંગ રકમ ચૂકવી દીધી હોવાનું જણાવ્યું હતું અને કનુભાઇએ તે 12 લાખ રૂપિયા લોન લઈ અને આપી દીધા હતા. વધુ રૂપિયા આપવાની પરિસ્થિતિ નહીં હોવાથી હવે વ્યાજખોરે ફરિયાદોનો 7 લાખની કિંમતનો 800 મણ કપાસ પણ બળજબરી પૂર્વક વહેંચી રૂપિયા પચાવી પાડ્યા હતા. તેમજ ખેતીના સાધનો પણ ભંગારમાં વહેંચી નાખ્યા હતા. આમ ત્રણ લાખના 20 લાખ રૂપિયા પચાવી પાડી હોવા છતાં જમીન ઉપર કબજો કરી ધાક ધમકી આપી બાનાખત કરાવી લીધા હતા, અંતે અમરેલી એસપી સંજય ખરાતને સમગ્ર હકીકત જણાવતા તાલુકા PI ઓમદેવસિંહ જાડેજા અને સમગ્ર પોલીસ ટીમ દ્વારા ત્રણ દિવસમાં પીડિત ખેડૂત કનુ લુણાગરિયાની 9 વિઘા જમીન પરત અપાવી હતી. જેને લઇ પીડિતે અમરેલી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રદીપ ઠાકર