Abtak Media Google News

તાજેતરમાં રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સ્ટાફે યુવતીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના જામનગર રેલવે સ્ટેશન પરની છે જ્યાં એક યુવતી દ્વારા ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મહિલા મુસાફરને પ્લેટફોર્મ પર પડતી જોઈને ઝડપથી તેને ખેંચીને ટ્રેન નીચે આવતી અટકાવીને તેનો જીવ RPF સ્ટાફે બચાવ્યો હતો.

વધુ વિગતો આપતા, રાજકોટ ડિવિઝનના સિનિયર DM અભિનવ જેફે જણાવ્યું કે 27 એપ્રિલ, 2022ના રોજ નીતા રબારી (ઉંમર 36 વર્ષ) નામની મહિલા મુસાફર તેના પરિવાર સાથે ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલના D-2 કોચમાં વિરમગામ થી દ્વારકા જવા માટે મુસાફરી કરી રહી હતી. આ મહિલા મુસાફર પાણી લેવા માટે જામનગર રેલવે સ્ટેશન પર ઉતરી હતી, જે દરમિયાન ટ્રેન સ્ટેશનથી ઉપડવા લાગી હતી.

મહિલા મુસાફર ઉતાવળે બીજા કોચમાં ચડી ગયી અને પછી ચાલતી ટ્રેનમાંથી ઉતરતી વખતે તે નીચે પડી અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપની નજીક ખતરનાક રીતે આવી ગઈ. આ દરમિયાન ગુના નિવારણ ફરજમાં જામનગર પોસ્ટ પર તૈનાત RPFના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહે તત્પરતા દાખવી મહિલા મુસાફરને ખેંચીને તેણીને ટ્રેનની નીચે આવતા અટકાવીને તેનો જીવ બચાવ્યો હતો. મહિલા મુસાફરને પડતા જોઈ તેના પતિએ ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા મુસાફરનો જીવ બચી ગયો હતો અને તેને કોઈ ઈજા થઈ ન હતી. બાદમાં તેઓ રોડ માર્ગે પોતાના ગંતવ્ય માટે રવાના થયા હતા.

આ રીતે પોતાની હોશિયારી, તત્પરતા અને બહાદુરી વડે મહિલા મુસાફરનો જીવ બચાવનાર હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ના કામ ની રાજકોટ ડિવિઝન ના  ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર પવનકુમાર વાસ્તવે ભરપૂર પ્રશંસા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.