લાલપુરમાં એક વર્ષથી પોલીસ સ્ટેશન બિલ્ડીંગ તૈયાર: લોકાર્પણ કરાતુ નથી

પોલીસ સ્ટેશનનું તાકીદે લોકાર્પણ કરવા ઉઠતી માંગ

જામનગર જિલ્લાના લાલપૂર ગામનું નવુ પોલીસ સ્ટેશન બિલ્ડીંગ બની ગયાને વર્ષ થવા છતા લોકાર્પણ થતુ નથી સરકાર ખોટુ ભાડુ ભરે છે ને લોકોને ગામથી દૂર આવેલ પોલીસ સ્ટેશને રજૂઆત માટે જવું પડે છે. તેમ ગ્રહમંત્રીને તાલૂકા પંચાયતના પૂર્વ સદસ્ય હીરજીભાઈ ચાવડાએ રજૂઆત કરી છે.

હીરજીભાઈ ચાવડાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર પાઠવી જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા અને પૂર્વ કેબીનેટ મંત્રી ચિમનભાઈ સાપરીયાની રજૂઆતને લીધે લાલપુરમાં નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવેલું છે. છેલ્લા એક વર્ષથી નવું પોલીસ સ્ટેશન બની ગયું છે. માત્રને માત્ર લોકાપર્ણને લીધે નવું પોલીસ સ્ટેશન હાલ કાર્યરત થયેલ નથી.

હાલનું પોલીસ સ્ટેશન લાલપુર ગામથી બારોબાર આવેલ હોય અને હાલ આ પોલીસ સ્ટેશન ભાડેથી રાખવામાં આવેલુ હોય અને હાલ અંદાજીત અઢી લાખ રૂપીયા જેટલુ ભાડુ સરકારને ખોટી રીતે ચુકવવું પડે છે.

માત્રને માત્ર આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ન થવાના કારણે એક વર્ષનું ભાડુ સરકારે ચૂકવેલુ છે. લોકોને કોઈપણ રજૂઆત કરવી હોય તો ગામથી દૂર આવેલ પોલીસ સ્ટેશને જવું પડે છે.

લાલપુર તાલુની જનતાની માંગણી છે કે, મંત્રી પ્રદિપસિંહ જાડેજા હસ્તક નવું બનાવવામાં આવેલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાવવામાં આવે છે.