સાયબર ક્રાઇમના ભોરીંગને નાથવા દેશભરના પોલીસ સ્ટેશનોની “નેટ ગુંથાણી

દિવસેને દિવસે સાયબર ક્રાઇમના બનાવો સમગ્ર ગુજરાતમાં વધતા જાય છે. સાઇબર ક્રાઇમને નાથવા રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને દેશના સીમાડાના તમામ પોલીસ સ્ટેશનો સાથે લિંકઅપ કરવામાં આવ્યા છે. દેશના તમામ પોલીસ સ્ટેશનો ગુજરાતના પોલીસ સ્ટેશન સાથે લિંકઅપ થવાથી સાયબર ક્રાઇમ ઉકેલવા મહદંશે ઘણો જ ફાયદો થશે. લોકોમાં અવેરનેસના અભાવને કારણે સાયબર ક્રાઇમના બનાવો સામે આવે છે. વર્તમાન સમયમાં કોમ્પ્યુટર નો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે સાથોસાથ તેને લગતા ગુનાઓની સંખ્યા માં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ સાઇબર ક્રાઇમને લગતી અનેક અરજીઓ સાઇબર પોલીસ સ્ટેશનમાં મળી છે. વધુ પડતા એકાઉન્ટ હેકિંગ, ફેક આઈડી તેમજ નાણાકીય ફ્રોડ ની અરજીઓ નું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. સાયબર હેકર્સને આપણા પર હાવી ન થવા દેવા માટે આપણે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની છે લોકોને અજાણ્યા નંબરમાંથી ફોન કરીને “હું આરબીઆઈ માંથી મેનેજર બોલું છું અથવા તો હું એટીએમ કાર્ડ સેન્ટર માં થી બોલું છું તમારું એટીએમ કાર્ડ લોક થઈ ગયેલ છે તમારો કાર્ડ નો પીન નંબર જણાવો સાથે જ મારા ફોન પર એક ઓટીપી આવશે તે આંકડો અમને લખાવો તમારું કાર્ડ લોક થઈ ગયું છે તે એક્ટીવ થઈ જશે. જે લોકો નેટ બેન્કિંગનો સૌથી વધુ ઉપયોગ કરે છે તેઓ જો આવા ફેક કોલ થી ફસાઈ અને બેન્કિંગ ડિટેલ આપી દે તો તે નાણાકીય ફ્રોડનો શિકાર બને છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામે દેશભરમાં પોલીસ લીંકઅપ કર્યું છે. જેનાથી આગામી દિવસોમાં અનેકવિધ ફાયદો પોલીસને થશે.

સૌથી વધુ લોકો આ મુદ્દાઓની લાલચમાં સાયબર ક્રાઇમનો શિકાર બને છે…

(૧) કસ્ટમર કેર ફ્રોડ (૨) ફ્રોડ જોબ ઓફર્સ (૩) ઇન્સ્યુરન્સ ક્લેમ (૪) સોશિયલ મીડિયા બુલિંગ

બિહાર – ઝારખંડના નંબરો પરથી આવે છે નાણાંકીય ફ્રોડ માટે ના કોલ!!

તમને ફોન કરનાર વ્યક્તિ પોતે ખરેખર બેંક સાથે એટીએમ સેન્ટર સાથે જોડાયેલો હશે તો તમારી નાણાકીય વિગત સ્વભાવિક રીતે બધી જાણતો જ હશે, માટે કોઈપણ વ્યક્તિ તમને ફોન કરીને બેંકની ડિટેલ પૂછે તો તેને કોઈ પણ પ્રકારનો જવાબ આપવો જ નહીં. રાજકોટ સાઇબર ક્રાઇમના એસીપી પલસાણાના  જણાવ્યા અનુસાર નાણાકીય ફ્રોડના કોલ્સ મોટેભાગે બિહાર અને ઝારખંડ ના નંબર પરથી આવતા હોય છે તમારા ફોનમાં ઇનકમિંગ કોલ ના નંબરો પરથી તે નંબરના સર્વિસ પ્રોવાઇડર અને તે નંબર કયા રાજ્યનો છે તે જણાવી શકે તેવા મોબાઇલ ફોન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રાખવી જોઈએ જો આપના કોઈ સગાવ્હાલા રાજ્ય બહાર ન રહેતા હોય અને એવી જગ્યાએ થી કોલ આવે તો ફોન રિસીવ કરવો જ નહીં જેથી આવા ચીટરો થી બચી શકો.

સાયબર ક્રાઇમથી બચવા શું કરવું? શું ન કરવું?

આખી દુનિયામાં ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ મફત કાંઈ આપતું નથી માટે લકી ડ્રો વીનરના મેસેજનો ક્યારેય રીપ્લાય આપવો નહીં કે તેની લીંક ઓપન કરવી નહીં

ક્યારે પણ તમારું યુઝરનેમ તથા પાસવર્ડ સેવ ન રાખવો જ્યારે પણ તમારા ઇમેલ એકાઉન્ટ માં લોગીન થાઓ ત્યારે ધ્યાન રાખો કે તમારા બ્રાઉઝર નું સેવ પાસવર્ડનું ઓપ્શન ડિસેબલ હોય

જ્યારે તમે સાર્વજનિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે સાવચેતી રાખો કોઈ અન્ય વ્યક્તિ તમારી અંગત વિગતો જાણવાને તમારી એક્ટિવિટી પર નજર તો આજુબાજુ નથી રાખી રહેલ ને?

ક્યારેય પણ બ્રાઉઝિંગ દરમિયાન તમારું કોમ્પ્યુટર મૂકી ઉભા ના થાઓ અને જો કોમ્પ્યુટર થોડીવાર માટે છોડવું પડે તો લોગ આઉટ થયા બાદ જ કોમ્પ્યુટર ઉપર થી ઉભા થશો

ઇન્ટરનેટ બ્રાઉઝર તમારા આઈડી અને પાસવર્ડ સ્ટોર કરી શકે છે જેથી જ્યારે પણ લોગઆઉટ થાવ ત્યારે હંમેશા બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ કર્યા બાદ જ લોગઆઉટ કરશો.

તમારી અંગત હાર્ડ ડ્રાઈવ ,પેન ડ્રાઈવ પબ્લિક કોમ્પ્યુટર પર ક્યારેય ઉપયોગ કરવો નહીં હંમેશા આવા કોમ્પ્યુટર ઉપર તેનો ઉપયોગ કર્યા બાદ ફરી વાર તેનો ઉપયોગ કરતા પહેલા એન્ટીવાયરસ સોફ્ટવેરની મદદથી તેને સ્કેન કરી લેવું.

સાર્વજનિક કોમ્પ્યુટર પરથી ક્યારેય બેન્કિંગ કરવું નહીં તેમજ જે વેબસાઈટમાં એકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર માંગે તે વેબસાઇટનો ઉપયોગ તદ્દન ટાળવો.

સમગ્ર દેશના પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ સામે લીંકઅપ થવાથી અનેક ફાયદા, વધતો જતો સાયબર ક્રાઇમ ચિંતાજનક, લોકોમાં જાગૃતતા ખુબ જ જ‚રી: મનોજ અગ્રવાલ

ટેકનોલોજીના માસ્ટર રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશના તમામ પોલીસ સ્ટેશનોને ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સાથે પોલીસ લિંકઅપ કર્યું એ ખૂબ જ સારી બાબત છે. ઓક્ટોબર ૨૦૧૯ થી રાજકોટ શહેરમાં સાયબર ક્રાઈમ પોલિસ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું હતું  જેમ જેમ ઓનલાઇન કામગીરીમાં વધારો થતો જાય છે તેમ તેમ ઓનલાઇન ફ્રોડ માં પણ વધારો થઈ રહ્યો છે .ખાસ કરી ને ઝારખંડ ના જામતારા ગામના લોકો દ્વારા દેશ ના ઘણા લોકો છેતરાયા છે .જ્યારે જામતારા સિવાય પણ અલગ અલગ વિસ્તાર ના માણસો થકી ઓનલાઇન ચેટીંગ મારફત ઓ.ટી.પી. મેળવી લેવાના બહાના હેઠળ તથા બીજા માધ્યમ થી એકાઉન્ટ ના પૈસા ખબર પડ્યા વગર વિડ્રો કરી લેવામા આવે છે. આમ લોકો ની જાણ બહાર ઘણા સાયબર ક્રાઈમ થઈ રહ્યા છે જેથી તમામ રાજકોટ વાસીઓ ને અનુરોધ છે કે પોતાના મોબાઈલ, કોમ્પ્યુટર કે બેંક એકાઉન્ટ કોઈ ને આપવું નહિ અને કોઈ વાર બહાના હેઠળ  બીજા ને માહિતી અપાઈ જાય અને પૈસા ખાતા માંથી ઊપડી જાય તો ચિંતા કરવાની જરૂર નથી.તત્કાલીક ધોરણે સાયબર ક્રાઈમનો સંપર્ક કરવો ખાસ તો ગુજરાત પોલીસે આશ્વત નામની વ્યવસ્થા ગોઠવેલ છે જેમાં તાત્કાલિક ફોન કરવો જોઈએ જો ટૂંકા સમય માં સંપર્ક કરવામાં આવે તો  પૈસા ના ટ્રાન્જેક્શનને અટકાવી દેવામાં આવશે અને

પૈસા પરત મેળવવામાં આવશે.રાજકોટ શહેર માં ઘણા લોકો ના પૈસા ચાલ્યા ગયા છે જેમાં થી ૧ કરોડ ૫૦ લાખ કરતા પણ વધારે જેટલા પૈસા પ્રજાજનો પરત કરવામાં આવ્યા છે.ઓનલાઇન ફ્રોડ કરતી વખતે ફોન મારફતે ઘણી ચર્ચા કરવામાં આવે છે,સ્ક્રીન ને શેર કરવાની કોશિશ પણ કરે છે,કોઈ વસ્તુ ડાઉનલોડ કરાવવા નું પણ પ્રયત્ન કરે છે,મોબાઈલ માં આવેલ ઓ.ટી.પી. ને પણ મેળવવાની કોશિશ કરે છે જેથી લોકોને એમ લાગે કે સામેવાળો વ્યક્તિ સાચું બોલે છે અને ઘણી વાર તો બેંક ના અધિકારી તરીકે ની ઓળખ આપી ને પણ કે.વાય.સી. માગે છે તે સિવાય કોઈ નોકરી આપવાના બહાના હેઠળ પણ છેતરપિંડી કરવાના પ્રયત્નો કરે છે.કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત ન કરવી જોઈએ અને જો ફોન માં વાત થાય તો ફોન નંબર રાખી લેવો જોઈએ અને કોઈ પણ સંજોગે તેના કહેવા પ્રમાણે કોઈ વસ્તુ ની વિગત ન આપવી.જો કોઈ બનાવ બને તો તરત જ સાઇબર ક્રાઈમ નો સંપર્ક સાધવો જેથી સાયબર ક્રાઈમ દ્વારા તત્કાલ ઉકેલ લાવવાનો પ્રયત્ન થશે.