‘તમે મારી કમ્પલેઈન ઉપર કેમ કરી’ કહી બેંક મેનેજર પર હુમલો

વઢવાણ જીઆઇડીસીમાં આવેલી ઇએસઆઈસીની કચેરીમાં જ બ્રાન્ચ મેનેજર પર તમે મારી કમ્પલેન ઉપર કેમ કરેલ છે તેમ કહી આસિસ્ટન્ટે હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત મેનેજરે બી ડિવિઝન પોલીસ મથકે માર મારનાર કર્મી સામે ફરિયાદ નોંધાવી હતી.

મૂળ હરિયાણાના સરસા જિલ્લાના શાહપુર બેગુગામના અને હાલ મેઘાણી રોડ, 17 નં. સ્કૂલ, સુરેન્દ્રનગર ભાડાના મકાનમાં રહેતા 27 વર્ષના વિક્રમકુમાર રમેશલાલ જાટ કેન્દ્ર સરકારના ઇએસઆઈસી (એમ્પ્લોઈ સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન-કર્મચારી રાજ્ય વિમા વિભાગ)માં સાડા ત્રણ વર્ષથી નોકરી કરે છે. અને છેલ્લા 5 મહિનાથી વઢવાણ જીઆઈડીસીની ઇએસઆઈસી ઓફિસમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે.તેમની સાથે ઓફિસમાં જયેન્દ્રભાઈ બરોલી, ચિરાગભાઈ ઠાકોર અને ધવલભાઈ પરમાર, દીપકભાઈ નોકરી કરે છે. તા. 24-5-2022ના રોજ ઇએસઆઈસી ઓફિસમાં આવીને આસિસ્ટન્ટ ચિરાગભાઈ કનુભાઈ ઠાકોરે વિક્રમકુમારને કહ્યું કે મેં કોઇના સાથે ખરાબ વ્યવહાર કરેલ નથી. તો તમે મારી કમ્પલેઈન ઉપર કેમ કરી તેમ કહીને ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ ઉપરાંત ચિરાગભાઇએ બહાર જઇ લાકડાની ઝાડી પટ્ટી લઇ આવીને વિક્રમકુમારને માર મારતા સારવાર માટે ગાંધી બાદ ટીબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં વિક્રમકુમારે મૂળ ભાવનગરના અને હાલ સુરેન્દ્રનગર રહેતા ચિરાગભાઈ કનુભાઈ ઠાકોર સામે તેમજ તપાસમાં નીકળે તે વગેરે સામે સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ આર.જી.ઝાલા ચલાવી રહ્યાં છે.