Abtak Media Google News

અનામતનું ભૂત ‘શાંતિ’ નથી લેવા દેતું

અનામત જેવી સામાજીક સંવેદનશીલ બાબતને વારંવાર ‘રાજકારણ’નું હથિયાર બનાવવાની પરંપરા ભારે અનર્થ સર્જે છે

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં સામાજીક સમરસતા અને સમાજનો કોઈ વર્ગ આગળ-પાછળ અને વિકાસથી વંચિત ન રહે તે માટે પછાત વર્ગના સમુદાયોને અનામત લાભ આપવાની સમયોચિત પરંપરા હવે રાજકીય રીતે વારંવાર આદોલનનો કારણ બને છે. રાજસ્થાનમાં વારંવાર ઉભુ થતું ગુર્જર આંદોલનનું ભૂત ફરીથી ધુણવા લાગતા વહીવટી તંત્ર પડકારજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે.

રાજસ્થાનના ગુર્જરોએ લાંબા સમયથી શરૂ કરેલી અનામતની માંગ ફરીથી બુલંદ બનાવીને રવિવારે ગુર્જર સમાજના લોકો એકાએક ભરતપુર પંથકમાં રેલવે ટ્રેક પર ઉતરી પડ્યા હતા અને ગુર્જરો અને પછાત વર્ગને નોકરી અને શિક્ષણમાં અનામત આપવાની માંગ દોહરાવી હતી.

રવિવારે મોટી સંખ્યામાં લોકો એકાએક ભરતપુર પંથકમાં રેલવે ટ્રેક પર ઉતરી પડ્યા હતા અને ટ્રેનોને થંભાવી દેવા માટે અનેક પાટાઓ ઉથલાવી નાખ્યા હતા. ગુર્જર સમુદાય બે વર્ગમાં વેંચાયેલો છે. ૧ ગુર્જર રીઝર્વેશન કમીટી હિંમતસિંહ ગુર્જર રાજસ્થાન સરકાર સાથે ૧૪ મુદ્દે શનિવારે થયેલી સમજૂતી સાથે સહમત થયા છે જ્યારે ગુર્જર સમાજનો બીજો વિભાગ વિજય બંસલ દ્વારા દેખાવો શરૂ રાખવાની જાહેરાત કરી હતી. દેખાવકારોએ ખેલમંત્રી અશોક ચંદનને મળીને પોતાની માંગ સ્વીકારવા આગ્રહ ર્ક્યો હતો.

દેખાવકારે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે, અમે આંદોલનથી જાહેર સેવાઓને અવરોધરૂપ રાખવા માંગતા નથી. ખેલમંત્રી અશોક ચંદન અમને મળે અને કહે કે, સરકાર ક્યારે અમારી માંગ સંતોષશે તો અમે દેખાવો બંધ કરી દેશું. ભવિષ્યની નીતિ અંગે ગુર્જર નેતા કિરોલીસિંગે જણાવ્યું હતું કે, અશોક ચંદનના જવાબની પ્રતિક્ષા છે અને ત્યારબાદ અમે આગળની રણનીતિ તૈયાર કરશું.  સરકારે આંદોલનકારીઓ સામે નેશનલ ડિઝાસ્ટર એકટ અને રોગચાળા કટોકટી ૨૦૨૦ના ભંગ સબબ ૧૦૦થી વધુ લોકોને અટકાયતમાં લીધા હતા. રાજસ્થાન સરકારે ૨૬ ઓકટોબર ૨૦૧૮ના રોજ અન્ય પછાત વર્ગ ઓબીસીનો અનામત ક્વોટા ૨૧ માંથી વધારી ૨૬ ર્ક્યો હતો. ડિસેમ્બર ૨૦૧૮માં સરકારે ગુર્જરો અને અન્ય ૪ માટે ૧ ટકાનો વધારો મંજૂર કર્યો હતો.  ગુર્જર સમુદાયને ૧ ટકો અનામતનો વધુ લાભ આપવામાં આવે તો અનામતના કુલ પ્રમાણ ૫૦ ટકાથી વધુ થઈ જાય છે. જેનો મતલબ એ થયો કે, ઓબીસીમાં વધુ પ્રમાણમાં લોકોને સમાવેશ કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં અનામતનું ભુત ક્યારેય શાંતિ લેવા દેતુ નથી. વારંવાર રાજસ્થાનમાં ફરી ફરીને અનામતનું આંદોલન ચાલતું રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.