Abtak Media Google News

સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન, કોરોનાના પગલે મતદાનમાં ઘટાડો થવાની સંભાવના: ૧૦મીએ પરિણામ

આવતીકાલે સૌરાષ્ટ્રની પાંચ સહિત કુલ ૮ વિધાનસભા બેઠકોની પેટાચુંટણી યોજાનાર છે આ ચુંટણી બંને પક્ષો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી છે. બંને પક્ષોએ છેલ્લી ઘડી સુધી પ્રચાર-પ્રસારમાં એડીચોટીનું જોર લગાવ્યું હતું. ગઈકાલે પ્રચાર-પડઘમ શાંત થયા બાદ હાલ ડોર ટુ ડોર મતદારોને રીઝવવાના પ્રયાસો હજુ ચાલુ છે. આવતીકાલે મતદાનની પ્રક્રિયા યોજાનાર છે. મતદાનમાં કોરોનાની અસર નડે તેવી શકયતા પણ સેવાઈ રહી છે. બીજી તરફ બંને મુખ્ય પક્ષો પોતપોતાની જીતના દાવા અગાઉથી જ  ચલાવી રહ્યા હતા પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ભાજપ માટે આ પેટાચુંટણીમાં વકરો એટલો નફો છે. આ બેઠકો ઉપર ભાજપના વિજય પતાકા ન લહેરાય તો નુકસાન ઓછુ છે સામે જો વિજય પતાકા લહેરાય તો ફાયદો વધુ છે.

રાજયની ૮ વિધાનસભા બેઠકો મોરબી, ગઢડા, ધારી, લીંબડી, અબડાસા, ડાંગ, કપરાડા, કરજણની પેટાચુંટણી યોજાનાર છે જેમાં સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે ત્યારબાદ ૧૦મીએ મતગણતરી યોજાનાર છે. આ આઠેય બેઠકોમાં મતદારોની સંખ્યા ૧૮,૭૫,૦૩૨ નોંધાઈ છે. ઉપરાંત હાલ કોરોનાની મહામારી હોય તમામ મતદાન મથકો ઉપર પુરતી તકેદારી રાખવામાં આવી છે. આવતીકાલે મતદાન છે તે પૂર્વેની એટલે કે આજની રાત કતલની રાત છે. મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસો ડોર ટુ ડોર પ્રચારમાં થઈ રહ્યા છે. આજનો આ છેલ્લો દિવસ ત્યારબાદ આવતીકાલે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ જનાર છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનાં ૮ ધારાસભ્યએ રાજીનામા ધરી દીધા હતા જેમાં કપરાડામાં જીતુ ચૌધરી, ડાંગમાં મંગળ ગાવીત, લીંબડીમાં સોમા પટેલ, ગઢડામાં પ્રવિણ મારૂ, ધારીમાં જે.વી.કાકડીયા, મોરબીમાં બ્રિજેશ પટેલ, કપરાડામાં અક્ષય પટેલ અને અબાડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપ્યું હતું જેને પગલે પેટાચુંટણી યોજવાની નોબત આવી હતી. આ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ હવે જો આ બેઠકો ભાજપને ન મળે તો ભાજપને કોઈ નુકસાન નથી. ભાજપ માટે વકરો એટલો નફો જેવી આ ચુંટણી સાબિત થઈ છે.

મોરબીમાં ઈત્તર જ્ઞાતિની વોટ બેન્ક અકબંધ રહે તો ભાજપની જીત નિશ્ર્ચિત

મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં ઈતર જ્ઞાતિની વોટ બેન્ક અકબંધ રહે તો ભાજપની જીત નિશ્ર્ચિત રહેશે તેવું દ્રઢપણે માનવામાં આવી રહ્યું છે. આ વિસ્તારની મુખ્ય એક જ્ઞાતિનો ઝુકાવ કઈ બાજુ છે તે હજુ નકકી થઈ શકયું નથી માટે ભાજપને ઈતર જ્ઞાતિની આશ વધુ હોય અને તેની વોટ બેન્ક જ બ્રિજેશભાઈને ફરી ધારાસભ્યપદ પર આરૂઢ કરવામાં મદદરૂપ થનાર છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક ઉપર ભાજપના બ્રિજેશ મેરજા સામે કોંગ્રેસનાં વર્ષો જુના અને પક્ષને વફાદાર એવા જયંતીભાઈ પટેલ મેદાનમાં છે. આ બેઠક ઉપરના બંને ઉમેદવારો સાફ છબી ધરાવતા હોય ચુંટણી ભારે રોચક બની રહેવાની છે.

ગઢડામાં ‘મોહન’ અને ‘રામ’ વચ્ચે ટુંડિયાની પસંદગી કોણ?

ગઢડા વિધાનસભા બેઠકમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર ચુંટણી લડી રહ્યા છે તેમની સામે કોંગ્રેસમાંથી મોહન સોલંકી મેદાનમાં છે. આ બેઠક ઉપર અગ્રણી એવા શંભુપ્રસાદ ટુંડિયા ભારે અસરકર્તા છે. તેઓની વોટ બેન્ક ઉમેદવારને જીતાડવા માટે કાફી છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ટુંડિયા ૩૯,૦૦૦થી વધુ મતો પોતાના તરફેણમાં ધરાવે છે એટલે એવું સ્પષ્ટપણે કહી શકાય કે ટુંડિયાની જે પસંદગી હશે તે ઉમેદવાર આ બેઠક ઉપર બાજી મારી શકશે.

લીંબડી બેઠકમાં ભાજપના કિરીટસિંહ રાણાનો વિજય થશે

લીંબડી વિધાનસભા બેઠકમાં ભાજપના કિરીટસિંહ રાણાની સામે ચેતન ખાચર મેદાનમાં છે. આ વિસ્તારમાં કોળી સમાજની બહુમતી છે છતાં બંને પક્ષો દ્વારા સામ-સામા સક્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કિરીટસિંહ રાણા ભાજપના જુના જોગી છે અને આ બેઠક ઉપરથી તેઓ અગાઉ પણ જીત હાંસલ કરી ચુકયા છે માટે તેઓ આ ચુંટણીમાં પણ જીત હાંસલ કરે તેવી પુરેપુરી શકયતા છે. ઉલ્લેખનીય છે કે કોળી સમાજના ઉમેદવારોને રીઝવવામાં કિરીટસિંહ રાણા મહદઅંશે સફળ રહ્યા છે.

અબડાસા બેઠકમાં પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત નિશ્ર્ચિત

અબડાસા બેઠકમાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાની સામે કોંગ્રેસનાં શાંતીલાલ સંઘાણી મેદાને છે. બંને ઉમેદવારો અને બંને પક્ષો દ્વારા વિજયી હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હાલ આ બેઠક ઉપર પુરજોશમાં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. વર્તમાન સ્થિતિને જોતા ત્યાંના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને ભારે લોકસમર્થન મળી રહ્યું હોય તેઓની જીત નિશ્ર્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ધારીમાં ભાજપના જે.વી. કાકડીયાને જીતાડવા પરસોતમ રૂપાલાનું એડીચોટીનું જોર

ધારી વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાની સામે કોંગ્રેસનાં સુરેશ કોટડીયા મેદાને છે. બંને ઉમેદવારો વચ્ચે કાંટે કી ટકકર રહી છે પરંતુ જે.વી. કાકડીયાને દિગ્ગજોનો સહયોગ પુરો મળી રહ્યો હોય ચુંટણીમાં તેઓ માટે જીતનો રસ્તો સાફ થઈ ગયો છે.

ખાસ કરીને ભારે પ્રભુત્વ ધરાવતા એવા પરસોતમ રૂપાલા જે.વી. કાકડીયાને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ આ વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંના મતદારોનું ભેદી મૌન આશ્ર્ચર્યનો વિષય બન્યો છે. આ મતદારો કોની તરફ ઝુકે છે તે પરિણામ સમયે જ ખબર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.