Abtak Media Google News

આ સેન્ટરમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના મુંબઇ સ્થિત ટ્રસ્ટી દ્વારા ઓકિસજનની વ્યવસ્થા કરાઇ

તાજેતરમાં રાજુલા ખાતે યોજાયેલી રામકથા અંતર્ગત પૂ. મોરારિબાપુએ કોરોના મહામારી સામેની લડત માટે ચાર તાલુકા માટે રૂ. એક કરોડનું અનુદાન જાહેર કર્યું હતું. જે અંતર્ગત ચાર પૈકીના પ્રત્યેક તાલુકાને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે રૂ. 25 લાખ અર્પણ કરવામાં આવ્યા છે.જેમાં તળાજા, રાજુલા, મહુવા અને સાવરકુંડલા તાલુકાનો સમાવેશ થાય છે.

આ માટે સાવરકુંડલામાં તદ્દન નિ:શુલ્ક હોસ્પિટલનું સુપેરે સંચાલન કરી રહેલા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટને આ વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ભંડોળ જાહેર થતાની સાથે જ તરત પ્રાપ્ત થયું અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર(નિ:શુલ્ક હોસ્પિટલ)ના વ્યવસ્થાપનમાં સાવરકુંડલા ખાતે પ.પૂ.ઉષામૈયા ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી હનુમાન ચાલીસાના પાઠ કરી ને અમૃતબેન સૂચક ક્ધયા છાત્રાલયમાં 40 બેડનું કોવિડ કેર સેન્ટરનો તા.1.5.ના રોજ આરંભ થયો છે.

આ કોવિડ કેર સેન્ટર તદ્દન નિ:શુલ્ક રહેશે અને એમાં સારવાર માટે દર્દીએ કોઈપણ પ્રકારનો ચાર્જ આપવાનો રહેશે નહીં. આ સેન્ટરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના મુંબઇ સ્થિત ટ્રસ્ટી ભરતભાઈ શાહ દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. તદ્દન નિ:શુલ્ક હોસ્પિટલ લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની સમગ્ર ટીમ, સર્વે નિષ્ણાત ડોક્ટર, સપોર્ટિંગ સ્ટાફ આ કોવિડ કેર સેન્ટરમાં સેવા આપશે. 24 કલાક નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ રહેશે.

દર્દીની સારવાર તથા બે ટાઈમ ભોજન અને નાસ્તા સહિતની સવલત પ્રસાદભાવથી કરવામાં આવશે. સાવરકુંડલા તાલુકાના નાગરિકોને પ્રવર્તમાન કોરોના મહામારીમાં પડી રહેલી મુશ્કેલીઓમાં આ કોવિડ કેર સેન્ટર વરદાનરૂપ બની રહેશે એ નિ:શંક છે. પ્રારંભે બહુ સિરિયસ ન હોય તેવા કોરોના પીડિત દર્દીઓને લાભ લેવા અનુરોધ છે. આ માટે અમૃતબેન સૂચક ક્ધયા છાત્રાલય, કાપેલી ધાર, પાણીની ટાંકી પાસે – સાવરકુંડલાનો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.