Abtak Media Google News

જે જીવોને અભય આપે છે તેને ભવોભવ અભયની પ્રાપ્તિ થાય છે આવી ઉત્કૃષ્ટ કરુણભાવના ધરાવતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અહંમ યુવા સેવા ગ્રુપના ભગીરથ પ્રયાસે કતલખાને કતલ થવા જઈ રહેલાં 1100થી પણ વધારે જીવોને અભયદાન આપી બચાવી લેવામાં આવ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, પરમ ગુરુદેવ પ્રેરિત અહંમ યુવા સેવા ગ્રુપના યુવાનો દ્વારા જાનના જોખમે દિવસ અને રાતની જહેમત અને મહેનત સાથે સેંકડો જીવોને બચાવીને સલામત સ્થાને પહોંચાડવામાં આવ્યાં છે.

પરમ ગુરુદેવની પ્રેરણાથી ચાલી રહેલાં અભયદાન અભિયાન અંતર્ગત મહાકરુણા અવસરના ઉપક્રમે વાપીની આસપાસના વિસ્તારમાં કતલખાને લઈ જવામાં આવતાં 795 જીવોને બચાવીને વાપીના અજિત સેવા ટ્રસ્ટ પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યાં છે. એ સાથે જ, અમદાવાદની આસપાસના અલગ અલગ વિસ્તારોમાંથી કતલ માટે વેચાઈ રહેલાં 132થી વધારે જીવોને બચાવીને એમને ઈડરની પાંજરાપોળમાં મોકલવા સાથે રાજકોટની આસપાસના ગામોમાં અનેક લોકો દ્વારા વેચાઈ રહેલી 260થી વધારે બકરીઓને બચાવીને 195થી વધારે બકરીઓને રાજકોટ મહાજન પાંજરાપોળમાં મોકલી દેવામાં આવી છે.

આ સાથે જ જ્યાં પણ જીવરક્ષા કરીને જીવોને જે જે પાંજરાપોળને અર્પણ કરવામાં આવ્યા હતા તે દરેક પાંજરાપોળને જીવદીઠ 5 હજાર રૂપિયા અને રાજકોટ મહાજન પાંજરાપોળને 5 લાખ રૂપિયાનું ઘાસ પણ અર્પણ કરવામાં આવ્યું છે.

અડધી રાતના સમયે મૃત્યુના ભયથી ધ્રૂજી રહેલાં જીવોને કસાઈઓના સંકજામાંથી છોડાવીને નવજીવન આપવા આવેલાં અહંમ યુવા સેવા ગ્રુપના નીડર યુવાનો દ્વારા આ જીવોને જ્યારે સલામત સ્થાને મૂકવામાં આવ્યાં ત્યારે જાણે એ અબોલ જીવોની આંખો પરમ ગુરુદેવની કરુણા અને અહંમ ગ્રુપના યુવાનો પ્રત્યે અહોભાવ અને આભાર વ્યક્ત કરી રહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.