પૂ. નમ્રમુનિ મ.સા.ના શ્રીમુખેથી દિક્ષા અંગીકાર કરનારા નૂતન દિક્ષિત પૂ.પરમ અનુજ્ઞાજી મ.સ.એ. કરી અઠ્ઠઇ તપની આરાધના

દિક્ષા ગ્રહણ કર્યા બાદ આઠ-આઠ દિવસ સુધી આહાર ત્યાગ કરનારા નૂતન દિક્ષિત પૂ. મ.સ.નું સાધનાનુ શૂરાતન નિહાળી અનેક ભાવિકો થયાં અહોભાવિત

ગિરનારની ધન્ય ધરા પર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી ગત તા. ૧૪ ફેબ્રુઆરીના દિવસે દીક્ષા અંગીકાર કરનારા નૂતન દીક્ષિત સાધ્વીરત્ના પૂજ્ય પરમ અનુજ્ઞાજી મહાસતીજીએ જાણે સંયમ લેતા જ કર્મો સામે કેસરિયા શરૂ કરી દીધા હોય તેમ,અઠ્ઠાઈ તપની આરાધના કરી અને આઠ દિવસના તેમના આહાર ત્યાગ બાદ, તા. ૨૩ ફેબ્રુઆરીના તેઓના તપના પારણા થયેલ.પૂજ્ય  પરમ અનુજ્ઞાજી મહાસતીજીના તપ પુરુષાર્થ અને શૌર્યની અનુમોદના કરીને અનેક ભાવિકો અહોભાવિત બન્યાં હતાં.

પરમ અનુજ્ઞાજી મહાસતીજીની તપ આરાધનાની પ્રશસ્તિ કરતાં આ અવસરે પરમ ગુરૂદેવે ફરમાવ્યું હતું કે, જેમ એક આત્મા વીર યોદ્ધા બનીને સંયમના પંથે કર્મો સામે યુદ્ધ ખેલવા સૌથી આગળ ગજરત્નને રાખીને કર્મોને મહાત આપતો હોય, એવી જ રીતે પૂજ્ય પરમ અનુજ્ઞાજી મહાસતીજીએ સંયમ ગ્રહણ કરવા સાથે જ તપશ્ચર્યા રૂપી ગજરત્નને આગળ કરીને અનંત કર્મોને મહાત આપી છે.પારણા કરવાની પણ ઈચ્છા નહિ અને ઉપવાસ કરવાનો પણ આગ્રહ નહિ, આવી ઈચ્છા મુક્તિથી જે થાય છે તે જ વાસ્તવિક સાધના હોય છે.

ઉલ્લેખનીય છે કે, પૂજ્ય  પરમ અનુજ્ઞાજી મહાસતીજી સાથે દીક્ષા અંગીકાર કરનારા પૂજ્ય  પરમ સુરમ્યાજી મહાસતીજી તેમ જ પૂજ્ય  પરમ શ્રુતપ્રિયાજી મહાસતીજીએ પણ છઠ્ઠ તપની આરાધના કરીને સંયમ જીવનનો મંગલમય પ્રારંભ કર્યો હતો.

વિશેષમાં, આગામી ગુરૂવાર તા. ૨૫.૦૨.૨૦૨૧ ના દિવસે ગુરૂપુષ્યામૃતના શુભ યોગમાં સવારના ૮:૧૫ કલાકે પારસધામ- ગિરનારના ભૂમિપૂજનનો અવસર આયોજિત કરવામાં આવ્યો છે. ભૂમિ પૂજન બાદ આ અવસરે સંયમ ભક્તિ સ્તવનાનુ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંતમાં આધ્યાત્મયોગિની બાપજી પૂજ્ય  લલિતાબાઈ મહાસતીજીના સુશિષ્યા ડો. પૂજ્ય તરુલતાબાઈ મ. તેમજ ડો. પૂજ્ય  જશુબાઈ મહાસતીજીના શરણમાં કોલકાતાના મુમુક્ષુ  હિતાલીબેન દોશીની દીક્ષા આજ્ઞા અર્પણવિધિનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના બ્રહ્મનાદે ગુરૂપુષ્યામૃત યોગમાં મહાપ્રભાવક  ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના બાદ મુમુક્ષુ આત્માની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિ કરવામાં આવશે.

આ શુભ અવસરે દરેક ભાવિકોને લાઈવનાં માધ્યમે જોડાવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.