Abtak Media Google News

પાલખીના ચઢાવામાં અધધધ રૂા.8 કરોડ રકમ ઉપજી: ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતે ચડાવો બોલાયા બાદ નિકળેલી પાલખી યાત્રામાં જૈન સાધુ-સાધ્વીજી ઉપરાંત શ્રાવકો જોડાયા

પ્રખર જૈન તપસ્વી પૂ. વજ્રસેનવિજયજી મ.સા. ગત સોમવારે રાત્રે કાળધર્મ પામ્યા હતાં. ગઇકાલ બપોર સુધી જૈન અને ઓશવાળ મહાજન સમાજના અનેક લોકોએ તેઓના અંતિમ દર્શન કર્યા હતાં. ગઇકાલે સાંજે તેમની પાલખી યાત્રા નિકળી હતી અને બાદમાં તેઓના અંતિમ સંસ્કાર જૈન શાસ્ત્રોકતવિધીથી કરવામાં આવ્યા હતાં. ગઇકાલે જૈન સમાજમાં મ.સા. અંતિમ સંસ્કાર માટે બોલાયેલ જુદા-જુદા ચડાવાની કુલ રકમના દાનનો પણ રેકર્ડ સર્જાયો હતો અને રૂા.8 કરોડથી વધુ રકમનો ચડાવો થયો હતો.

પંન્યાસપ્રવર વજ્રસેનવિજયજી મહારાજ સાહેબની તબિયત નાદુરસ્ત થતાં ઓશવાળ કોલોનીમાં આવેલ દેરાસર-ઉપાશ્રય ખાતે તેઓની પધરામણી કરાવવામાં આવી હતી. ગત સોમવારે સાંજે તેઓની તબિયત વધુ બગડી હતી. સોમવારે રાત્રે સકળ સંઘના મુખે નમસ્કાર મહામંત્રનું શ્રમણ અને શ્રવણ કરતા કરતા તેઓ 10:25 કલાકે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા હતાં. વજ્રસેનવિજયજી મ.સા. કાળધર્મ પામ્યાના સમાચાર મળતા જૈન સમાજના શ્રેષ્ઠીઓ, શ્રાવકો તેમના અંતિમ દર્શનાર્થે પહોચ્યા હતાં. ઓશવાળ કોલોની દેરાસર-ઉપાશ્રય ખાતે ગઇકાલે બપોરે 2:00 કલાકે ચડાવાની વિધી યોજવામાં આવી હતી.

કોઇપણ જૈન તપસ્વી સાધુ-ભગવંત કાળધર્મ પામ્યા બાદ તેઓના અંતિમ સંસ્કાર માટે થયેલા ચડાવા (દાન)ની રકમમાં પણ ગઇકાલે ઇતિહાસ રચાયો હતો. પૂ.વજ્રસેનવિજયજી મ.સા.ની અંતિમવિધી માટે કરાયેલ ચડાવામાં રૂા.8 કરોડથી વધુ રકમ એકત્ર થઇ હતી. જેમાં મુખ્ય વિધી અગ્ની સંસ્કાર માટે એક ભકત દ્વારા રૂા. 1.45 કરોડની રકમ બોલવામાં આવી હતી અને તેમણે અગ્નિસંસ્કારનો લાભ લીધો હતો. ચડાવાની વિધી સંપન્ન થયા બાદ પૂ.ની પાલખી યાત્રા ઓશવાળ કોલોનીમાં આવેલ ઉપાશ્રય ખાતેથી નિકળી હતી.

આ પાલખી યાત્રા 4 વાગ્યે પ્રસ્થાન થઇ હતીજે ચંપા વિહાર, કામદાર કોલોની, લાલબંગલો, ટાઉન હોલ, પંચેશ્ર્વર ટાવર, બેડી ગેઇટ, રતનબાઇ મસ્જીદ, ચાંદીબજાર, સેન્ટ્રલ બેંક, હવાઇ ચોક, ખંભાળિયા ગેઇટ, દિગ્વીજય પ્લોટ પોલીસ ચોકી, હીરજી મિસ્ત્રી રોડ, રણજીતનગર રોડ ઉપરથી પસાર થઇ રણજીતનગર સામે આવેલ ઓશવાળ કોલોનીના કોર્નર ખાતે પહોંચી હતી. પાલખી યાત્રા દરમિયાન રસ્તામાં અનેક લોકોએ પૂ.ના અંતિમ દર્શન પણ કર્યા હતાં તેઓની પાલખી યાત્રામાં નોંધપાત્ર સંખ્યામાં સાધુ-ભગવંતો તેમજ શ્રધ્ધાળુઓ જોડાયા હતાં.

જૈનમ જયતિ શાસનમના નાદ સાથે પૂ.ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.વજ્રસેનવિજયજી મ.સા. 80 વર્ષની ઉંમરના હતાં અને ઘણાં સમયથી હાલાર પંથકમાં વિહાર કરતા હતાં. ગત વર્ષનો ચાતુર્માસ તેઓએ ચાંદીબજાર દેરાસર-ઉપાશ્રય ખાતે કર્યો હતો અને છેલ્લે તેઓ ખંભાળિયા નજીક આવેલા આરાધનાધામ ખાતે બિરાજતા હતાં. પૂ. વજ્રસેનવિજયજી મહારાજે માત્ર 13 વર્ષની વયે સંસારનો ત્યાગ કરી દિક્ષા અંગિકાર કરી હતી. તેઓનો દિક્ષાપર્યાય 67 વર્ષનો હતો. આમ 80 વર્ષની વયે તેઓ કાળધર્મ પામ્યા હતાં. વજ્રસેનવિજયજી મ.સા.ના સંસારી પિતાએ પણ આજથી લગભગ 13 વર્ષ પહેલા દિક્ષા અંગિકાર કરી હતી જેનું દિક્ષા બાદનું નામ મહાસેન વિજયજી હતું. કુંદકુંદવિજયજી મ.સા. તેઓના સંસારી કાકા હતાં.

પૂ.વજ્રસેનવિજયજીના અગ્નિ સંસ્કારની ભૂમિ દાનમાં અપાઈ: આ જગ્યામાં સમાધિ સ્મારક બનશે

પૂ. વજ્રસેનવિજયજી મ.સા.ની ગઇકાલે સાંજે નિકળેલી પાલખી યાત્રા પૂર્વે ગઇકાલે બોલાયેલ ચડાવામાં સત્ય પૂન:પરિવાર અગ્નિસંસ્કારના આદેશ માટે રૂા.1.45 કરોડ, પાછળની ડાબી બાજુના રૂા.7,02,000, છેલ્લુ વિલેપન રૂા.9,99,999, પાલખીમાં પધરાવવાના રૂા.25,02000, આગળની જમણી બાજુ માટે 24,03,000, પાછળની જમણી બાજુ માટે 8,01,000, આગળની ડાબી બાજુ માટે 22,22,222, છેલ્લુ ગુરૂ પૂજન રૂા.12,06,000, પહેલા નંબરનું ધુપીયુ રૂા.4,50,000, પહેલા નંબરની દીવી રૂા.10,08,000, બીજુ ધુપીયુ રૂા.3,06,000, બીજી દીવી માટે રૂા.8,01,000, દોણી માટે  રૂા.6,51,000નો ચડાવો બોલાયો હતો. આ ઉપરાંત જે સ્થળે પૂ.ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં તે જમીન પણ તાત્કાલીક અસરથી દાનમાં અર્પણ કરવામાં આવી હતી અને તે સ્થળે પૂ.નું સમાધી સ્મારક બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.