Abtak Media Google News

એક લાખથી વધુ રકમના ઇનામની સ્પર્ધામાં ૧૦૮ સ્પર્ધકો વિજેતા જાહેર

પાર્શ્વના-પદ્માવતી સમારાધક, લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૭૫મા જન્મજયંતી વર્ષની ‘અહિંસા અમૃત વર્ષ તરીકે સમસ્ત જૈન સમાજ દ્વારા વિશ્વભરમાં ઉજવણીરૂપે જીવન નિર્માણના સંસ્કારી મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તે માટે વિવિધ પ્રેરક કાર્યક્ર્મોનું આયોજન થયું છે.

આ અંતર્ગત અહિંસા, ભ્રૂણહત્યા વિરોધ, શાકાહાર, પશુબલિ નિવારણ વિષયો પર ગુજરાતીમાં વિશ્વ ‘અહિંસા નિબંધ સ્પર્ધાનું આયોજન ‘અખિલ ભારતીય અહિંસા અમૃત વર્ષ સમિતિ દ્વારા કરાયું હતું. વિશ્વસ્તરની આ પ્રેરક નિબંધ સ્પર્ધાને વ્યાપક પ્રતિસાદ મળતા, સર્વધર્મ (જૈન ઉપરાંત હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સહિત)નાં ૧૫૦૦થી વધુ ભાવિકો તરફથી નિબંધ પ્રાપ્ત થયા છે. ગુજરાતનાં છેવાડાનાં ૨૦૦થી વધુ ગામડાંથી લઈને ગુજરાતની બહાર મહાનગરો મુંબઈ, દિલ્હી, ચૈનઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, પુણેથી ભાવિકોએ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. ૧૦૦ જેટલી શાળા-કોલેજનાં ૫૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ પણ હોંશભેર ભાગ લીધો છે.

વિશ્વ ‘અહિંસા નિબંધ સ્પર્ધાનાં પરિણામની ઘોષણા ૭૪મા સ્વાતંત્ર્ય દિન તથા પર્વાધિરાજ પર્યુષણનાં પાવન અવસરે થાય છે.  પ્રથમ (રૂ. ૨૧૦૦૦) : ડો. જયંતીલાલ ઉમરેઠિયા (વડોદરા), દ્વિતીય (રૂ. ૧૫૦૦૦) : ડો. બોસ્કી અમીન મોરબીયા (મુંબઈ), તૃતીય (રૂ. ૧૧૦૦૦) : ઝલક મિથી (ગાંધીનગર), ૫ વિશેષ પ્રોત્સાહન (દરેકને રૂ. ૧૦૦૦) : ડો. દીક્ષા સાવલા (હિંમતનગર), ગિરિમા ઘારેખાન (અમદાવાદ), જિજ્ઞાસુ દક્ષિણી (અમદાવાદ), મનિષ ભલાળા (રાજકોટ), યોગેશ ભટ્ટ (અમરેલી), ૧૦૦ પ્રોત્સાહન (દરેકને રૂ. ૫૦૦) સમેત એક લાખી વધુ ઈનામી રાશિની આ નિબંધ સ્પર્ધામાં કુલ ૧૦૮ વિજેતા સ્પર્ધકો જાહેર કરવામાં આવ્યા છે. શાળામાં અભ્યાસ કરતાં ૨૨ વિદ્યાર્થી ભાઈઓબહેનો પણ પસંદગી પામ્યા છે.

એક લાખથી વધુ પુરસ્કાર રાશિનું સૌજન્ય જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા. સંસપિત ઇન્ટરનેશનલ અહિંસા ઓગનાઇઝેશનનું છે. સંયોજક તરીકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯) સપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.