પ્રિકોશન ડોઝની નબળી કામગીરી: 7.38 લાખથી વધુ લોકો હજી ડોઝથી વંચિત

 

23 દિવસમાં શહેરમાં માત્ર 11.63 ટકા કામગીરી: હવે તહેવારોની સિઝનમાં કોરોના વધુ વકરવાની ભિતી હોય પ્રિકોશન ડોઝ લેવો જરૂરી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ગત 15 જુલાઇથી 75 દિવસ સુધી દેશમાં 18 થી 59 વર્ષની ઉંમર ધરાવતા લોકોને કોરોના વેક્સિનનો નિ:શુલ્ક ડોઝ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં 8.35 લાખ લોકો આ ડોઝ માટે લાયક છે. જો કે, હાલ ખૂબ જ નબળી કામગીરી ચાલી રહી છે. છેલ્લાં 23 દિવસમાં માત્ર 11.63 ટકા લોકોને જ પ્રિકોસન ડોઝ આપવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાનો સંક્રમણ સતત વધી રહ્યો છે. આવામાં જો પ્રિકોઝન ડોઝ લેવામાં લાપરવાહી દાખવવામાં આવશે તો આગામી દિવસોમાં કોરોના વધુ બેફામ બને તેવી ભીતી પણ ઉભી થવા પામી છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરમાં અગાઉ 21,374 હેલ્થકેર વર્કર અને 14096 ફ્રન્ટલાઇન વર્કર ઉપરાંત 60 વર્ષથી વધુની ઉમંર ધરાવતા 78043 લોકોને કોરોના વેક્સિનનો પ્રિકોસન ડોઝ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 18 થી 59 વર્ષની ઉંમરના લોકોને મફ્તમાં પ્રિકોસન ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટમાં 8,35,822 લોકો પ્રિકોસન ડોઝ મફ્તમાં લેવાની લાયકાત ધરાવે છે. જે પૈકી છેલ્લાં 23 દિવસમાં માત્ર 11.63 ટકા લોકોએ જ પ્રિકોસન ડોઝ લીધો છે. જેની સંખ્યા 97,209 થવા પામે છે. હજી 7.38 લાખ લોકો પ્રિકોસન ડોઝ લેવાથી વંચિત છે. જે રીતે શહેરમાં કોરોનાનો સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જો તકેદારી રાખી પ્રિકોસન ડોઝ લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં કોરોના વધુ ભૂરાયો થશે. સાતમ-આઠમના તહેવારો અને મેળાની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે લોકો શક્ય તેટલી વહેલી તકે પ્રિકોસન ડોઝ લઇ લે તે હિતાવહ છે.