જમીનને ‘ગેરકાયદે’ ઠેરવી પોપ્યુલર બિલ્ડર જોખમમાં મુકાયો

રમણ પટેલ અને તેના ભાગીદારો વિરૂદ્ધ અમદાવાદના વિવિધ પોલીસ મથકમાં કુલ ૫ અલગ અલગ ગુના નોંધાયા

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ તથા તેમના ભાગીદારો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ઘાટલોડિયાની જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાઈ છે. થલતેજની જમીનનો કબજો ધરાવતા માલિકના પુત્રે મનપામાંથી જમીનનો ઉતારો કઢાવતા મામલો પ્રકાશમાં આવ્યો છે.

થલતેજ ગામમાં રહેતા ખોડાજી ઠાકોરની ફરિયાદ અનુસાર ઘાટલોડિયાની સરવે નં. ૩૪૨/૨ ની કુલ ૦-૨૦-૨૪ હે.ચોમી જમીન તેમનાં માતા કંકુબેનનું અવસાન થતા તેમને વારસામાં મળી હતી. ખોડાજીનાં દીકરા ભરત ઠાકોરે કોર્પોરેશનમાંથી જમીનનો ૭/૧૨નો ઉતારો કઢાવતા આ જમીનની માલિકી સોમેશ્વર ખેતી સહકારી મંડળીના નામે બોલાતી હોવાનું જાણવા મળ્યું હતું. આ જમીન મે.પઢાર એન્ડ કું.ના ભાગીદારો પરસોત્તમ રેવનદાસ, પ્રભુદાસ રેવનદાસ, કાનજીભાઈ રેવનદાસ અને રેવનદાસ કહરાભાઈના નામની ૨-૯-૧૯૭૫ના રોજથી રેવન્યુ રેકોર્ડમાં વેચાણની નોંધ બોલાય છે. ખોડાજીના અનુસાર તેમણે આ જમીન કોઈને વેચી નથી.

ખોડાભાઇએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૭૫માં તેમણે જમીન અને મિલકતનો વહેંચણી કરાર કર્યો હતો. જોકે આ દસ્તાવેજની હકીકતથી વાકેફ હોવાથી પરષોત્તમદાસ, પ્રભુદાસ, કાનજીદાસ તેમજ સોમેશ્વર સહકારી ખેતી મંડળીના હોદ્દેદારો રમણલાલ ભોળીદાસ પટેલ અને અન્યોએ ભેગા મળી યોજનાપૂર્વક જમીન લખાવી રાખી હોવાનુ ફરિયાદમાં જણાવાયું છે.

ખોડાભાઇના જણાવ્યા અનુસાર તેમની ખેતીની આશરે ૨૦૦ એકરની જમીનનું વેચાણ રમણ પટેલ અને તેના સાગરીતો દ્વારા વર્ષ ૧૯૭૭માં સહકારી મંડળીને વેચી મારવામાં આવી છે જ્યારે તેમણે આજ સુધી કોઈ પણ જાતના કરાર કે દસ્તાવેજ કર્યો નથી. તેમના મત મુજબ સોમેશ્વર ખેતી સહકારી મંડળી દ્વારા વર્ષ ૧૯૭૭મા અન્ય સહકારી મંડળીને વેચી મારવામાં આવી છે. ખોડાજી ઠાકોરે કહ્યું હતું કે, મેં અથવા મારી પત્નીએ કોઈ પણ જાતનો વેચાણ કરાર કર્યો જ નથી. સોલા પોલીસ મથકના અધિકરીએ આપેલી વિગતો અનુસાર રમણ પટેલનો કબ્જો સાબરમતી જેલમાં લેવામાં આવી છે. પટેલ એક મામલામાં અગાઉથી સાબરમતી જેલ ખાતે ગત ઓગસ્ટ માસથી જેલવટો ભોગવી રહ્યો છે. હાલના તબક્કે રમણ પટેલ તેમજ પોપ્યુલર બિલ્ડરના તમામ ભાગીદારો શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા પાંચ લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં મુખ્ય આરોપીની ભૂમિકામાં પ્રકાશમાં આવ્યા છે.