પોરબંદર: રતનપર પાસે મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, હત્યાનો નોંધાતો ગુનો

એક માસ પૂર્વે છ શખ્સોએ પૈસાની લેતીદેતી મામલે યુવાનને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો’તો: મૃતકના ભાઈએ તપાસ કરતા મર્ડરના મામલે પડદો ઊંચકાયો

અબતક રાજકોટ

પોરબંદર નજીક આવેલા રતનપર ગામે સ્મશાનના દરિયા કિનારેથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે જેમાં એક માસ પહેલા છ શખ્સોએ પૈસાની લેતી દેતી મામલે યુવાને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું છે. જેમાં મૃતકના ભાઈને કંઇક અજુગતું થયું હોવાની ભીતિ સર્જાતા તેને જાત તપાસ કરતા સમગ્ર મામલેથી પડદો ઉંચકાયો હતો.

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર રહેતા અને ડ્રાઈવિંગનું કામકાજ કરતા હર્ષલભાઈ હેમંતભાઈ શાહ નામના 30 વર્ષના યુવાને હાર્બર મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેના નાના ભાઈ રાહુલ શાહની ગત તા.19મી ઓગષ્ટના રોજ પોરબંદરના રતનપર ગામના સ્મશાનના દરિયા કિનારેથી લાશ મળી આવી હતી. જેની ગત તા.30મી ઓગષ્ટના રોજ પોલીસે એક્સિડન્ટલી ડેથની નોંધ કરી હતી.

પરંતુ ફરિયાદી હર્ષલ ભાઈને આ ઘટનામાં કંઇક અજુગતું થયું હોવાની શંકા લાગતા તેઓએ જાતે તપાસ કરી હતી. જેમાં તેઓ મૃતક રાહુલ શાહના મિત્ર હાર્દિક ભરતભાઈ બોખીરીયાને મળ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે પડદો હટ્યો હતો. રાહુલના મિત્ર હાર્દિકે ફરિયાદીને જણાવ્યા મુજબ ગત તા.17મી ઓગષ્ટના રોજ અમિત જેઠવા નામના શખ્સે રાહુલ અને હાર્દિકને પોતાના રૂમ પર બોલાવ્યા હતા. જ્યાં પહોંચ્યા ત્યારે અચાનક રાજુ કારા ઓડેદરા, ભાવિન ઉર્ફે ચક્કરડી, જય બલાટ, રાણો ઉર્ફે રણીયો અને માલદે ઉર્ફે જગીરો સહિત પાચ શખ્સો અમિત જેઠવાના રૂમ પર દોડી આવ્યા હતા.

જ્યાં રાજુ કારાએ રાહુલ સાથે પૈસા બાબતે માથાકૂટ કરી રાહુલ અને તેના મિત્ર હાર્દિકને બાઇકમાં બેસાડી રતનપર સ્મશાન પાસે લઈ ગયા હતા. જ્યાં રાજુ કારા સહિત પાંચેય શખ્સોએ રાહુલને ઢીકાપાટુનો માર મારી સ્મશાનના ઓટલે સુવડાવી રાજુ કારા, રાણો ઉર્ફે રણીયો, ભાવિન ઉર્ફે ચકકરડી સહિતના શખ્સોએ પથ્થરનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાનું જણાવતા હાર્બર મરીન પોલીસે છ શખ્સોએ સામે કાવતરું રચી રાહુલને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.