પોરબંદર: સરકારી કચેરીઓમાં સામાજીક અંતર જાળવી શકાય તેટલી જગ્યા જ નથી !

પોરબંદરમાં સરકારી કચેરીઓમાં સોશ્યલ ડિસ્ટન્સ અંગેના બોર્ડ તો લગાવી દેવામાં આવે છે. પરંતુ કેટલીક કચેરીઓમાં સોશ્યલ ડિસ્ટન્સ મેઈન્ટેઈન થઈ શકે તેટલી જગ્યા જ હોતી નથી. આવું જ જોવા મળે છે અહીંની રજિસ્ટ્રાર કચેરીમાં સામાજિક અંતર જાળવી શકાય તેટલું અંતર જ નથી.

પોરબંદર શહેરમાં સામાજિક અંતર મામલે તંત્ર જાગૃત તો જોવા મળે છે, પરંતુ કેટલીક સરકારી કચેરીઓમાં જ સામાજિક અંતર જળવાતું નથી. જેમાં લોકો દોષ્ાિત નથી પરંતુ આવી કચેરીમાં પૂરતી જગ્યા જ હોતી નથી. જિલ્લા સેવા સદનના બિલ્ડીંગમાં રજિસ્ટ્રાર કચેરી આવેલી છે. આ કચેરીની બહાર આપ જોઈ શકો છો રીતસર સામાજિક અંતર જાળવવા અંગે કડક સૂચનાનું બોર્ડ તો લગાવી દેવામાં આવ્યું છે પરંતુ આ કચેરીઓમાં પૂરતી જગ્યા જ ન હોવાને કારણે અહીંના કર્મચારીઓ કે અહીં આવતા અરજદારો સામાજિક અંતર જાળવી શકે તેવી સ્થિતિ જ નથી. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આ રજિસ્ટ્રાર કચેરી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી અરજદારોમાં માંગ થઈ રહી છે.