સોગંદનામાને બદલે સ્વઘોષણા પધ્ધતિથી કાનૂની આંટીઘુંટીઓ ઉભી થવાની શક્યતા

નોટરી આગેવાન સંજય જોષી, એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા પુનર્વિચારણા કરવા સરકારને અપીલ

હાલ સરકાર દ્વારા કેટલીક સરકારી સેવાઓ મેળવવા સેકસી એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણાની પ્રક્રિયા અમલમાં મૂકવા ચક્રો ગતિમાન થયા છે, ત્યારે  નોટરી ફેડરેશન ચેરમેન સંજય જોષી તથા એડવોકેટ ગજેન્દ્ર જાનીએ ઉભી થનાર સંભવિત વિસંગતતાઓ અંગે  ધ્યાન ખેંચ્યું છે.બંને ધારાશાસ્ત્રીના જણાવવા મુજબ નાગરિકો માટે ઉપલબ્ધ સેવાઓ અંતર્ગત ઝડપી પ્રક્રિયા તથા સરળીકરણ પ્રસ્થાપિત કરવાના હેતુથી સરકાર દ્વારા એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણાની પ્રક્રિયા અમલમાં મુકવાથી કાયદાકીય પ્રક્રિયાઓ સબંધિત વિસંગતતાઓ ઊભી થવાની સંભાવના જણાઈ રહી છે.

જેમાં જો એફિડેવિટ કરવામાં આવે તો એફિડેવિટ કરનાર વ્યક્તિની ઓળખ તથા એફિડેવિટ કરવા માટેની અધિકૃતતાને સાબિત કરી શકાય, પરંતુ જો સ્વઘોષણા કરવામાં આવે તો ઓળખ અને અધિકૃતતાની સાબિતી કાયદાની દ્રષ્ટિએ સુનિશ્ચિત કરવી જટિલ બની રહેશે.

આઈ પી સી તથા પુરાવા અધિનિયમ સબંધિત કાયદાકીય પ્રક્રિયાઓ અંતર્ગત ગૂંચ ઊભી થશે. પુરાવો/તથ્ય/કથન સત્ય હોવા છતા જો કોઈપણ કારણસર ફરિયાદ થાય તો પુરાવાની સાબિતીનો બોજો અરજદાર કે લાભાર્થી ઉપર જ આવે, ત્યારે કાનુની પ્રશ્નો ઉદ્ભવશે અને ભારતીય પુરાવા અધિનિયમ અંતર્ગત સ્વઘોષણાને માન્ય પુરાવા તરીકે ગ્રાહ્ય રાખી શકાશે કે કેમ ?.

સરકારના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે જ્યાં કાયદા કે નિયમથી જરૂરી હોય તે સિવાયના તમામ કિસ્સામાં એફિડેવિટની જરૂરિયાત રદ કરી સ્વઘોષણા પ્રક્રિયા લાગુ પડશે તો એ નોંધવું ઘટે કે જે જે સેવાઓ કે સુવિધાઓ જેમાં જાહેર હિત કે લાભની બાબતો હોય અને પબ્લિક ફંડનો ઉપયોગ થનાર હોય તે તમામ કાયદાકીય સત્તા મર્યાદા તથા કાયદાકીય પ્રબંધોથી બાકાત ગણી શકાય નહીં.

વિશેષત: જોવામા આવે તો સરકારના ઠરાવ સાથે બહાર પાડવામા આવેલ એનેક્ષર-એ નો મુસદ્દો લગભગ એફિડેવિટ જેવો જ છે, માત્ર અરજદાર કે વ્યક્તિની ઓળખ તથા અધિકૃતતા જ બાકી રહે છે. આ અંગે ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો સરકારી યોજના, સેવા કે સુવિધાઓ સંબંધિત કરવાના થતા એફિડેવિટ નજીવા ખર્ચથી થઈ જાય. એફિડેવિટના માધ્યમથી સરકારને મળતી મહેસુલી આવક બંધ થશે અથવા ઘટી જશે.

ખોટી રજૂઆત કાયદા હેઠળ શિક્ષાને પાત્ર રહેશે, એટલું માત્ર લખી દેવાથી વાત કે જવાબદારી પૂર્ણ નથી થતી, પરંતુ આવી બાબત ઉદ્ભવે ત્યારે આઈપીસીની સુસંગત કલમો હેઠળ થનાર ફરિયાદ સાબિત કરવી પણ અનિવાર્ય રહેશે. આમ, પ્રક્રિયાગત રીતે તથા કાયદાકીય રીતે એફિડેવિટની જગ્યાએ સ્વઘોષણાની બાબતે સરકાર પુન:વિચારણા કરે તેવુ સૂચન છે. સરકારનો હેતુ તથા ઠરાવ લોકોપયોગી જણાય છે પરંતુ જ્યાં સુધી કાયદાકીય પ્રક્રિયાઓને લાગેવળગે છે ત્યાં સુધી આ પ્રકારના નિર્ણયો તર્કસંગત હોવા પણ અનિવાર્ય છે.