પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની સંભાવના

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ 15 મહિનાના તળિયે પહોંચ્યા, કેન્દ્ર સરકારે વિન્ડફોલ ટેક્સમાં પણ કર્યો રૂ.900નો ઘટાડો

પેટ્રોલ- ડીઝલના ભાવમાં હવે રાહત મળે તેવી સંભાવના ઉદભવી છે. કારણકે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ 15 મહિનાના તળિયે પહોંચ્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકારે વિન્ડફોલ ટેક્સમાં પણ કર્યો રૂ.900નો ઘટાડો પણ કર્યો છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને 15 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે.  વધતી જતી મંદીની ચિંતા, ઘટતી માંગ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની આશંકાને કારણે પણ ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે.  આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ સોમવારે 2.32 ડોલર ઘટીને 71ડોલરની નીચે 70.65 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું.  ડિસેમ્બર 2021 પછી આ તેનું સૌથી નીચું સ્તર છે.  તે સમયે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 70.56 ડોલર હતું.ગયા અઠવાડિયે, બ્રેન્ટ ક્રૂડમાં 12 ટકા જેટલો ઘટાડો થયો હતો, જે ડિસેમ્બર પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે.   ભાવ ઘટવાના કારણે કેન્દ્ર સરકારે ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે.  તે ઘટાડીને 3500 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે, જે પહેલા 4400 રૂપિયા પ્રતિ ટન હતો.  અગાઉ માર્ચના પ્રથમ સપ્તાહમાં સરકારે ટેક્સમાં વધારો કર્યો હતો. વિન્ડફોલ ટેક્સ એ કોઈ ચોક્કસ કંપની અથવા ઉદ્યોગ દ્વારા થયેલા અચાનક જંગી નફા પર લાદવામાં આવતો ઊંચો કર દર છે.

કેન્દ્ર સરકારે વિન્ડફોલ ટેક્સમાં 900 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો કર્યો છે.  પરંતુ ડીઝલ પરની નિકાસ ડ્યુટી વધારી દેવામાં આવી છે.  તાજેતરના અપડેટ મુજબ, સરકારે ડીઝલ પરની નિકાસ ડ્યુટીમાં 50 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.  એટલે કે હવે ડીઝલ પર નિકાસ ડ્યુટી 1 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જે પહેલા 50 પૈસા હતી.

સરકારે 1 જુલાઈ, 2022 ના રોજ પેટ્રોલિયમ ઉત્પાદનો પર વિન્ડફોલ ટેક્સ લાદવાની જાહેરાત કરી હતી.  તે સમયે આ ટેક્સ પેટ્રોલની સાથે ડીઝલ અને એટીએફ પર લગાવવામાં આવ્યો હતો.  પછીની સમીક્ષામાં, પેટ્રોલને તેની મર્યાદામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.