બટેટાના ભાવ ગગડીને કીલોદીઠ રૂ.15એ પહોચશે

શહેરના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દ્વારા બટેટાની કિમંત અને ગુણવતા અંગે આપી મહત્વની વિગતો

ભારતમાં ડુંગળી-બટેટા સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ખાધ્ય પદાર્થ છે. બટેટા વગર રસોઈની કલ્પના કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં બટેટાના ભાવમાં ચાલુ વર્ષે આવેલો ઉછાળો લોકો માટે કપરો બન્યો છે. અને તેના કારણે મધ્યમ વર્ગનાં બજેટ થોડા અંશે બગડયા છે. ચીપ્સમાં મોટાભાગે બટેટાનો ઉપયોગ થાય છે.

માત્ર ચીપ્સ જ હી પરંતુ દરેક ભારતીય પરિવારોનાં રસોડામાં બટેટા આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતમાંથી ડીસા અને મોડાસામાંથી બટેટા આવતા હોય છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઈન્દોર અને પંજાબમાંથી બટેટા આવતા હોય છે. અત્યારે બજારમાં સ્થાનીક આવક બંધ છે. આગામી દિવસમાં બટેટાની આવક શરૂ થશે અત્યારે બજારમાં બટેટાના ભાવ 40 થી 45 રૂપીયા છે.

જે આગામી દિવસોમાં 15 રૂપીયા સુધી ગગડી શકે તેવી શકયતા બટેટાના હોલસેલ વેપારીઓમાની રહ્યા છે. લોકડાઉનના કારણે બટાટાની માંગમાં ખૂબજ વધારો થયો હતો તેના પરિણામે ભાવ ઉંચકાયા હતા પરંતુ આગામી દિવસોમાં બટેટાની આવક થતા ભાવમાં ધરખમ ઘટાડો થવાની શકયતા સેવાઈ રહી છે.

લોકોના સ્વાસ્થ્યની કાળજી માટે અમે બટેટા ઉપર ખાસ ધ્યાન આપીએ છીએ: બાલાજી વેફરના ચંદુભાઈ વિરાણી (ડિરેકટર)

બાલાજી વેફર્સનાં માલીક ચંદુભાઈ વિરાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે 46 વર્ષ પહેલા અમે ગામડેથી અહી આવ્યા હતા ત્યાર બાદ એસ્ટ્રોન સીનેમામા નોકરી કરી હતી પછી કેન્ટીનને કોન્ટ્રાકટ ઉપર લીધી અને 8 વર્ષ ત્યાંજ વેફર બનાવી ને વેચી ત્યારબાદ લોકો સુધી પહોચાડવા રીક્ષા અને સ્કુટર લઈને નીકળા અને ધંધોધીમે ધીમે વધતો ગયો, અનુભવ થતો ગયો અને વસ્તુ સારી બનવા લાગી અને લોકો અમારી સાથે જોડાવા લાગ્યા ત્યારે બે ટીમ મળી પ્રોફેશનલ અને પ્રેકટીકલ પછી ટીમો વધતી ગઈહવે એક ટીમને એવું જ કરવાનું કે પ્રોડકટને કેમ સારી બનાવી અમે 2000ની સાલ સુધી વેફર જ બનાવતા નમકીન થોડી જ બનાવતા અત્યારે બધી જ પ્રોડકટમાં બટેટા જરૂરી છે. બટેટાના ભાવમાં વધારો થયો હતો. છતા લોકો પાસેથી અમે તે જ ભાવ લેતા અને બાલાજી વેફર 5 રૂપીયામાં હજી પણ મળે છે. અત્યારે ભલે બટેટાના ભાવ વધારે હોય પણ આવતા વર્ષે લોકો સ્ટોક કરશે વધારે વાવેતર કરશે તો ભાવ નીચા જશે અને આ વર્ષે જે નુકશાની ગઈ છે. તે આવતા વર્ષે ફાયદો થશે. અમારે ત્યાં આવતા બટેટા શુગરના હોય છે ગમે તેવું તેલ ઉકળતું હોયતે લાલ નથી પડતા ખાવાના બટેટાનું વાવેતર જુદુ હોય છે. જયારે અમારા બટેટામાં ઓર્ગેનીક ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને વધુ પાક લેવાની કોશીષ નથી કરતા ખાવાના બટેટા સુશુકત થઈ જાય છે. જેથી ડાયાબીટીસ થાય અને અમારા બટેટા 10 ડીગ્રીની આસપાસમાં રખાય છે અને વહેલી સવારની શુધ્ધ હવા એક કલાક આપવી પડે છે. એટલે કે અમારા બટેટા જીવતા બટેટા કહેવાય અમારે દરરોજ એક્હજાર ટન બટેટા જોતા હોય છે. અમે પહેલા એમ.પી. હીમાચલ અને બેંગ્લોરથી બટેટા લેતા પણ હવે ભારતમાં એકમાત્ર ગુજરાત છે. જયાં પ્રોસેસ બટેટા સારા મળે છે. અમારી સાથે ગુજરાતના ખેડુતો જોડાયેલા છે અને તેમની પાસે જમીનમાંથી બટેટા કાઢવાના વિદેશી મશીનો છે.

બટેટાના ભાવ વધારાથી વેફરના પ્રોડકશન  ઉપર અસર: ગોપાલ નમકીનના બીપીનભાઈ હદવાણી (ડિરેકટર)

ગોપાલ નમકીનના માલીક બીપીનભાઈ હદવાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગોપાલ નમકીનની સ્થાપના 1994 રાજકોટમાં નાના પાયે થઈ હતી અને અત્યારે અમારૂ યુનીટ જીઆઈડીસી મેટોડામાં કાર્યરત છે. જેમાં દરરોજનું ચાર લાખ કિલો ફરસાણ બની રહ્યું છે. મસાલાનું યુનીટ પણ અમારા પોતાનું છે આ સીવાય ટ્રાન્સપોર્ટેશન અને પાપડ જેવા યુનીટો પણ અમારા પોતાના જ છે. અમારે ત્યાં દરરોજ 40,000 કિલો બટેટાનો ઉપયોગ થાય છે અને ખાસતો વેફર અને ચેવડામાં બટેટા વપરાય છે. જયારે ખેડુતનો પાક આવે ત્યારે બટેટા લઈને કોલ્ડ સ્ટોરેજમાં રાખતા હોય છીએ હમણા બટેટાની માંગ વધવાને લીધે હોલસેલ 40 રૂપીયા ભાવ થઈ ગયા છે. અને હવે ધીમેધીમે ભાવ ઘટવા લાગ્યો છે. નવા ભાવના બટેટાને લીધે પ્રોડકશન પર અસર થાય છે અને વેફરમાં 1 કિલો પર 40 રૂપીયા જેટલો વધારે ભાવ જોવા મળે છે. અલગ અલગ સમયે જૂદી જગ્યાએથી પાક આવતો હોય છે. પહેલા મહારાષ્ટ્રમાંથી આવતો હવે ઈન્દોરથી આવે છે અને તેમનો તાત્કાલીક વપરાશ કરવો પડે કારણ કે તેમાં પાણીનો ભાગ વધારે હોય છે અને ડીસેમ્બર કે જાન્યુઆરીમાં જે બટેટા આવશે તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય વેફર માટે એલ.આર. નું બટેટુ વપરાય છે. તે લાલ આવે છે અને ચીપ્સ માટે બે જાત આવે છે. ટુંક સમયમાં મકાઈમાંથી બનેલ વસ્તુને જાહેર કરવાના છીએ.

તેલ કંડલા અને કઠોળ મુંબઈથી મંગાવીએ છીએ: ગોપાલ નમકિનના પ્રફુલભાઈ હદવાણી (ડિરેકટર)

ગોપાલ નમકીનના માલીક પ્રફુલભાઈ હદવાણીએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે નમકીનમાં 35 પ્રકારની વસ્તુઓ અમે બનાવીએ છીએ અને ફ્રાઈમ્સમાં 10 પ્રકારની વસ્તુઓ બનાવીએ છીએ અને મોટાભાગનાનું ગુજરાત અમે આવરી લીધેલું છે. દરેક જગ્યાએ અમારા ડીલરો છે. અમારૂ મુખ્ય યુનીટ રાજકોટમાં છે અને બીજુ નાગપૂરમાં છે. ત્યાં દોઢ વર્ષથી અમારૂ પ્રોડકશન ચાલુ છે અને હાલમાં મોડાસામાં યુનીટનું કામ ચાલુ છે. આશરે ચાર મહિનામાં ત્યાં પણ પ્રોડકશન શરૂ થઈ જશે. નમકીન માટે બેસન, તેલ, કઠોળ અને મસાલાનું રો મટીરીયલ જરૂરી છે. બેસનનું અમારૂ પોતાનું યુનીટ છે. તેમાંથી બેસન અમે વાપરી છીએ. જયારે તેલ કંડલાથી લેવામાં આવે છે અને કઠોળ મુંબઈથી મંગાવવામાં આવે છે. અમારી સાથે કામ કરતા લોકોને અમારૂ પરિવાર સમજીને તેમના રહેવા માટે બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલની સુવિધાઓ આપી છે તેમને જમવાથી લઈને બધી સુવિધાઓ અહીથી આપીએ છીએ અને પગાર આવે તે પોતાના ઘરે મોકલી આપે છે.

આવકના કારણે બટેટાના ભાવ 20 રૂપીયા સસ્તા થશે: વેપારી દિલીપભાઈ

જૂના માર્કેટીંગ યાર્ડના વેપારી દીલીપભાઈએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે હું 30 વર્ષથી અહીં વેપાર કરૂ છું અત્યારે ડીસાના જૂના બટેટાના ભાવ 400થી 600 રૂપીયા સુધી પહોચ્યા છે. નવા બટેટાની આવક પણ ચાલુ થઈ ચૂકી છે અને હવે ભાવ સસ્તા થશે જેને 20 દિવસ જેટલો સમયલાગશે. બટેટામાં બાદશાહ સારામા સારા કહેવાય છે. જૂના બટેટા ઝડપથી ચડી જાય છે જયારે નવા બટેટા ઝડપથી ચડતા નથી નવા બટેટામાં શુગર નથી હોતી અને જૂના બટેટા બીજા કે ત્રીજા મહિનાનાં હોય છે અને અત્યારે બારમાં મહિનામાં વહેચાય છે જેમાં શુગર આવી ગઈ હોય છે. જેથી ડાયાબીટીસ થઈ શકે છે. ડીસા, વિજયાપૂર અને આણંદ બાજુ બટેટા થાય છે. ગુજરાતનું પ્રોડકશન વધી ગયું છે.જેથી બહારના રાજયોનાં બટેટાની જરૂર પડતી નથી આપણા ગુજરાતનાં બટેટા સાઉથ અને મહારાષ્ટ્રમાં પણ જાય છે. કારણ કે બટેટાની ગુણવતા સારી છે. અત્યારે હોલસેલમાં બટેટા કિલો દીઠ 21 થી 35 રૂપીયા સુધી વહેચાય છે અને આગામી દિવસોમા 15 રૂપીયા આશરે થઈ જશે.