Abtak Media Google News

 

ચાહત, મહોબ્બત, ઇશ્ક, રોમાન્સ:, પ્યાર, ઇશ્ક અને લવ જેવા નામ ગમે તે આપો પણ હૃદયનો ભાવ અને તેની ભીનાશ સાથે એક મેકનું હૈયાનું બન્ને અનુભવે ત્યારે પ્રેમ ખીલી ઉઠે છે. આવા સમયે પ્રેમને ભાષાનું બંધન નડતું નથી. બન્ને પ્રેમીઓ શબ્દો બોલ્યા વગર જ એકબીજાની વાત સમજી થાય છે.

 

અગાઉનો પ્રેમ, આજનો લવ !

આજના યુગમાં પ્રેમમાં વફાદારી ઘટી રહી છે, એક બીજાને દગો કે બેવફાઇ આપી રહી છે. આજના લગ્નો બાદ પણ બેવફાઇ જેવા શબ્દો નવી સદીમાં સામાન્ય થયા છે. છૂટાછેડાના વધતા બનાવોમાં પ્રેમની અધુરપ સાથે એકબીજા વચ્ચેની સમજણનો અને સહન શીલતાનો અભાવ જોવા મળે છે. અગાઉનો પ્રેમ હતો જે આજે લવ બની ગયો છે. આજે પ્રેમલગ્ન ટકે કે ગોઠવેલા લગ્ન ? આ પ્રશ્ર્ન સૌથી વધુ ચર્ચાય છે. લગ્ન જીવનની સફળતામાં એકબીજા વચ્ચેનો સ્નેહ અને સમજ સૌથી વિશેષ ભાગ ભજવે છે. આજના ઝડપથી બદલાતા યુગે જીવન જીવવા અને સંસ્કૃતિની અસર તળે આકર્ષણ ની દુનિયામાં પ્રેમ શબ્દને છિછરો બનાવી દીધો છે. આજે તો લગ્નની સપ્તપદીના સાત ફેરામાં આપેલા વચનો પણ ભૂલી જઇને એકબીજા સામે કોર્ટે ચડે છે. પ્રથમ નજરનો પ્રેમએ કવિઓએ કરેલી કલ્પના છે. આજના યુવાનોના પ્રેમમાં ડર, અસલામતિની ભાવના અને છૂટા પડી જવાની બીક હોય છે એટલે જ તે એક બીજાને બાંધી રાખીને બંધનમાં જ પ્રેમ કરે છે. જે પ્રેમ એકબીજાની સતત કાળજી લે તે જ સાચો પ્રેમ કે લવ ??

આજના પવર્તમાન યુગમાં પ્રેમની સાચી પરિભાષા સૌએ સમજવાની જરૂર છે. અઢી અક્ષરના પ્રેમ શબ્દ માટે કવિ-લેખકોએ ઘણું લખ્યું છે. પ્રેમ અંગે સંત કબીરના દોહામાં થોડા શબ્દોમાં ઘણી ઊંડી વાતો સમજાવી છે. ‘ઢાઇ અક્ષર પ્રેમકા, પઢેસો પંડિત હોય’ ઉમાશંકર જોશી સહિતના કવિઓએ પણ ઘણા પ્રેમ કાવ્યો લખ્યા છે. ‘કોઇ જો ડે, કોઇ તોડે પ્રીતડી’ જેવા આજના યુગને અનુરૂપ લાગે છે. ભગવાન સાથેના સંવાદની ભાષા પણ પ્રેમરૂપી શ્રઘ્ધા છે. ભકતજન પરમાત્માના પ્રેમમાં ડૂબીને આનંદ અનુભૂતિ કરે છે. બધાએ પ્રેમનો મહિમા ગાયો છે. કેબીરના દોહાનો અર્થ અનેક ગ્રંથોનું વાંચન અને શિક્ષણની વિવિધ ઉપાધિઓ મેળવ્યા બાદ પણ સાચા અર્થનું જ્ઞાન દૂર રહે છે પણ જયારે પ્રેમ જેવી ઉચ્ચત્તમ ભાવના ઉરમાં પ્રગટે ત્યારે જ સાચા જ્ઞાનનો આવિષ્કાર થાય છે. શુઘ્ધ ભકિતમય પ્રેમ વિના શ્રીકૃષ્ણ કાયરેય પ્રસન્ન થતાં નથી.

“કબીરા, બાદલ પ્રેમકા, હમ પર વર્ષા છાયી

અંતર ભીગી આત્મા હરિ ભરી વનરાઇ”

અઢી અક્ષરનો શબ્દ એટલે પ્રેમ આલકાલના યુવાવર્ગ પ્રેમનો પોતાની રીતે અર્થ કરે છે, જો કે એમાં આકર્ષણ વિશેષ ભાગ ભજવે છે. કોલેજમાંસાથે ભણતા છોકરા-છોકરી કે હોસ્ટેલ લાઇફ જીવતા યુવા ધનો ઘણીવાર એવા પગલા ભરે છે કે મા-બાપે શરમથી માથુ નીચે કરવું પડે છે. પ્રેમ શું એ વિષય જ બહું મોટો છે. આજના યુવા વર્ગને તેની પરિભાષા જ ખબર નથી તેથી તેનો પ્રેમ ક્ષણ ભંગુર બને છે. તરૂણો, કિશોરોના વિજાતીય આકર્ષણને પ્રેમ ન કહેવાયપણ આજનાો યુવા વર્ગ તેને પ્રેમ સમજી બેસે છે. આજના યુગમાં છોકરા કરતાં છોકરીએ વિશેષ સાવચેત રહેવાની જરૂર છે. જે દેખાય છે તે સાચુ હોતું નથી. ને જે સાચુ છે તે તેને દેખાતું નથી જેને કારણે મુશ્કેલી ઉભી થાય છે.

ફિલ્મોમાં જોવા મળતા પ્રેમથી પ્રેરિત આજનો યુવાન વાસ્તવિક જીંદગીમાં પણ એ જ રીતના સપનાઓ જાુવે છે. પ્રેમ અને વાસના આ બન્ને શબ્દો પવર્તમાન સમયમાં ભેગા જોવા મળતા યુવા વર્ગ મુશ્કેલીમાં મુકાય છે. નવા કાયદા મુજબ 21 વર્ષ છોકરા-છોકરી વય કક્ષા નકકી કરે છે પણ પ્રેમ ગમે ત્યારે, ગમે ત્યાંથી અને ગમે તેને થઇ શકે છે. પ્રેમ વગર માનવી જીવી જ ન શકે, માતા-પિતા, ભાઇ-બહેન જેવા પરિવારના સભ્યો વચ્ચે પણ હોય છે જ પણ બે વિજાતીય પાત્રો વચ્ચેનું આકર્ષણ સાથે જીવવાના ઓરતા પેદા કરતાં બન્ને એક થવા સમાજના તમામ નીતિ નિયમો નેવે મુકીને ગંભીર પગલા ભરીલે છે. આજનો પ્રેમ ફકત રોમાન્સ પાછળ પાગલ છે. પ્રેમમાં એક ન થવાને કારણે નાની ઉમરમાં આપઘાતનું પ્રમાણ દિનપ્રતિદિન વધવા લાગ્યું છે. સમાજ માટે લાલબત્તી સમાન છે.

આજનો યુવાન અને ઘરના વડિલો વચ્ચેનો ગેપ ઘણીવાર મુશ્કેલી સર્જે છે. પ્રાચિન કાળથી લેલા મજનુ, શિરી ફરહાદ, રોમીયો જાુલીયર જેવા અમર પાત્રો પણ એક થવાના પ્રયાસો વચ્ચે સમાજ રચનાની આડશો તેને સફળ થવા ન દીધાનું ઇતિહાસ સાક્ષી છે. એક બીજાને પ્રેમ થાય ને લવમેરેજ પણ થાય પરંતુ તે પૈકી કેટલા ટકે છે તે આપણે સૌ જોઇએ છીએ. પ્રેમના દિવસો અને લગ્ન બાદના વાસ્તવિક દિવસો વચ્ચે જમીન આસમાનનો ફરક છે જે આજના યુવાનોને ઘણી મોડી ખબર પડે છે.

આજના યુવા ધનમાં સહન શકિતની કમી જોવા મળે છે. તરૂણો – કિશોરોમાંથી થતા શારિરીક-માનસિક અને સામાજીક ફેરફારોને કારણે ભયંકર પરિણામો આવે છે. આજે બળાત્કાર અને અને જાતિય સતામણી જેવી ઘટના વિશેષ જોવા મળી રહી છે. ત્યારે સમાજે હવે જાગવાની જરુર છે. સાથે મા-બાપે સંતાનોના ઉછેરમાં વિશેષ ઘ્યાન કે દરકાર લેવી પડશે.

તરૂણાવસ્થા અને કિશોરાવસ્થા કે જે પોતાની જાતને સમજવાની ઉંમર છે ત્યાં તેઓ પ્રેમ કરીને પોતાનું જીવન બરબાદ કરી નાંખે છે. પ્રેમ અને આકર્ષણ વચ્ચે બહુ જ તફાવત ન હોવાથી આજનો યુવાન ભૂલ કરી બેસે છે. હોર્મોન પરિવર્તનને કારણે વિજાતીય આકર્ષણ થવું એક સામાન્ય ઘટના છે. હોર્મોન પરિવર્તન સ્થિતિમાં પ્રેમને સમજી ન શકવાને કારણે ગર્લફ્રેન્ડ – બોયફ્રેન્ડ કે આઇ લવ યુ જેવા શબ્દોમાં પોતાનું ભાવિ જોવે છે. આજનો પ્રેમ સ્વાર્થ જાય છે જે ટકે જ નહી, પ્રેમ તો નિસ્વાર્થ હોય શકે ને એક બીજાના વિચારો સમજ સાથે લાંબી દ્રષ્ટિવાળો હોય શકે.આજનો યુવા પ્રેમ પિંજરામાં પૂરાયેલા પંખી જેવો છે. બેમાંથી એક પણ પ્રેમની સાચી વ્યાખ્યા સમજી શકતો ન હોવાથી સમસ્યાને કારણે બ્રેકઅપ થતાં વાર નથી લાગતી. પ્રેમમાં બંધન નહી પણ મુકત વાતાવરણ હોવું જરુરી છે, તેમાં વિવશતા કે મજબૂરી ના હોય શકે, પ્રેમ માનવીને દેવતા બનાવે છે. પ્રેમને આંધળો કહેવાય છે પણ ભાન ભૂલાવે તે પ્રેમ ના હોય શકે, પ્રેમ એકમેકને નવજીવન આપે ને નિર્ભયતા પણ આપે છે. આગામી માસ ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન ડે સાથે આખુ વીક દરરોજ અલગ અલગ દિવસો ઉજવાશે ને ખરી હકિકત તો વર્ષોથી ઉજવાતા આ દિવસોમાં કેટલા તેનો સાચો અર્થ જાણે છે.

દે દે પ્યાર દે, પ્યાર દે પ્યાર દે…. ઇશ્ક, રોમાન્સ, લવ જેવા શબ્દો વચ્ચેનો ઉન્માદ આજકાલ સ્માર્ટ ફોન કે સોશિયલ મીડીયાના કારણે આંગળીના ટેરવે ઉપલબ્ધ થયો છે. હજારો માઇલ દૂર બેઠેલા પ્રેમી પંખીડા લાઇવ વિડીયો ચેટ કરીને હુંફ મેળવે છે પણ જીવનની વાસ્તવિકતાથી એ દૂર છે. દરેક યુગમાં ઇશ્ક સતત બદલાતો રહયો છે. ટેકનોલોજીએ આજે લોકોના સંબંધો ઉપર સૌથી મોટી અસરકારી છે. ડિજિટલ યુગમાં આજે પ્રેમે પોતાનો આત્મા ગુમાવી દીધો છે. આજના યુગમાં તે માત્ર જૈવિક જરૂરિયાત બની ગયો છે.

પ્રેમને તમે કોઇ ચોકકસ વ્યાખ્યામાં બાંધી ન શકો કારણ કે તે સુંદર અને મનમોહક અને ગમતો શબ્દ છે. આજના યુવાનો માટે તો પ્રેમ એટલે સહવાસ કે શારિરીક આકર્ષણ છે જે ઉપર છલ્લો પ્રેમ છે. પ્રેમની અભિવ્યકત ન થઇ શકે તેવી લાગણી છે જેમાં મૌનની ભાષાા હોય છે શબ્દો નહી અનુભૂતિ હોય છે, તેનો વિસ્તાર અનંત હોય છે. પ્રેમ એટલે પામવું નહી પણ તેનો ત્યાગ કરીને પણ ચાહતા હશે એ વાત છે.

પ્રેમાં પાગલ થવાની કે દિવાની થવાની વાતો આજે યુવાધનમાં વિશેષ જોવા મળે છે. માન હોય તેના પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી પણ પ્રેમ હોય એના પ્રત્યે માન હોવું જરૂરી છે. રાધા-કૃષ્ણના પ્રેમ જેવી સગાઇ જ સાચો પ્રેમ કહેવાય. ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં બધુ જ ઝડપથી મેળવવા ઇચ્છતો યુવાન પોત ભરેલા ઉતાવળા પગાલથી મુશ્કેલીમાં પડે ત્યારે કુટુંબ પરિવાર જ તેને હેલ્પ કરે છે એ વાત તેણે ભૂલવી ન જોઇએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.