Abtak Media Google News

વરસાદ ખેંચાય અને જળાશયોમાં પાણીની આવક ન થાય તો રાજકોટવાસીઓએ હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશનની આગોતરૂ આયોજન: 6 જુલાઈથી ડેમમાં પાણી ઠાલવવાની કરી માંગણી

વરસાદ ખેંચાય અને જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક ન થાય તેવા સંજોગોમાં રાજકોટવાસીઓએ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં હવે માત્ર 20 દિવસ ચાલે તેટલું પાણી બચ્યું છે. આવામાં રાજકોટને સૌની યોજના અંતર્ગત વધુ 180 એમસીએફટી નર્મદાના નીર આપવા માટે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા રાજ્ય સરકારમાં પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 6 જુલાઇથી આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી છે.

આ અંગે ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ 29 ફૂટે ઓવરફ્લોય થતાં આજી ડેમની સપાટી હાલ 18.17 ફૂટ છે અને ડેમમાં 333 એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ડેમમાંથી રોજ 6 એમસીએફટી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. હાલ આજીમાં 5 જુલાઇ સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે. જો સમયસર અને પૂરતો વરસાદ ન પડે તો જળાશયોમાં પાણીની આવક ન થાય આવા સંજોગોમાં જુલાઇ મહિનામાં રાજકોટ વાસીઓએ પીવાની પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે.

જેમાં શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયોની વર્તમાન સ્થિતિ અંગે જાણ કરવામાં આવી છે. વરસાદ ખેંચાય તેવા સંજોગોમાં એક મહિના સુધી ચાલે તેટલું પાણી સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 180 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા વિકલ્પરૂપે નર્મદા કેનાલ યોજના આધારિત પાઇપલાઇન પ્રોજેક્ટની એનસી-12 (હડાળા-કોઠારીયા ફિલ્ટર પ્લાન્ટ) પરના આજી ફિલ્ટર ખાતે ઓફ ટેક મારફત દૈનિક જેટલું પાણી ઘટતુ હોય તેટલું પાણી આપવાની માંગણી કરવામાં આવી છે. આ બે વિકલ્પ સરકાર સમક્ષ હાલ રજૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ ન્યારી ડેમમાં હાલ 447 એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે. જે 31 જુલાઇ સુધી ચાલે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.