Abtak Media Google News

જિલ્લાના ૧૬૩ ગામોમાં ભારે વરસાદને લીધે ખોરવાયેલો વીજપુરવઠો પૂર્વવત કરવાની સરાહનીય કામગીરી

પીજીવીસીએલ અને સંલગ્ન ૪૧ ટીમોએ ૨૪ કલાકમાં વીજ પુરવઠો ચાલુ કર્યો

રાજકોટ જિલ્લાના લોધીકા- જામ કંડોરણા સહિતના તાલુકાઓમાં ૧૫ થી ૨૦ ઇંચ જેટલો ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ વીજપોલ, ફિડર તથા ટ્રાન્સીમીટરને નુકસાન પહોંચ્યુ હતું. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ વિભાગે વીજળી વેગે કામ કરીને ૧૬૩ ગામોમાં પુનઃ વીજપુરવઠો શરૂ કરી દીધો છે. અમુક ગામોમાં તો માત્ર ગણતરીની કલાકોમાં મોટા પાયે કામગીરી કરવામાં આવી છે.

અત્યારે રાજકોટ જિલ્લાનું એક પણ ગામ એવું નથી કે જયા ભારે પૂર વરસાદને લીધે અસરગ્રસ્ત થયેલ લાઇનને લીધે વીજ પુરવઠો બંધ હોય. આમ પીજીવીસીએલ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ટીમોનું ગઠન કરીને કામગીરી કરવામાં આવી છે. પીજીવીસીએલના એમ.ડી ધીમંતકુમાર વ્યાસના માર્ગદર્શન હેઠળ તેમજ ચીફ એન્જિનિયર જે.જે. ગાંધીના સંકલન અને સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર પી.સી. કાલરીયાની દેખરેખ હેઠળ રાજકોટ જિલ્લામાં ૧૬૩ ગામોમાં ૪૧ ટીમો બનાવવામાં આવી હતી.

લોધીકા સહિતના તાલુકાના ગામોમાં વીજ થાંભલા પડી ગયા હોય કે નુકસાનગ્રસ્ત થયા હોય ત્યાં ૨૬ ટીમોએ ફાઉન્ડેશન કામ કર્યું હતું. જ્યારે ડિપાર્ટમેન્ટની ૧૫ ટીમોએ વીજ લાઇન પુન: સ્થાપિત કરી રિસ્ટોરેશન ની કામગીરી કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા માં તા.૧૩ ના રોજ વિજ સેવાથી પ્રભાવિત થયેલા ૧૬૩ ગામોમાંથી મોટાભાગના ગામોમાં ૬ થી ૧૨ કલાકમાં કામગીરી કરવામાં આવી હતી. જ્યારે બાકી રહેલા ત્રણ ગામમાં વધારે નુકસાન હોવાથી ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાના ઉપલેટા, જામકંડોરણા, લોધીકાના ગ્રામ્ય વિસ્તારમાં વધારે અસર થઈ હતી એમ પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ સંકલન કરીને કામગીરી કરવામાં આવી હતી. જે બદલ વિવિધ ગામોના ગ્રામજનોએ પણ કર્મચારીઓની કામગીરી આવકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.