આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન

‘પ્રભાત ફેરી’ આ નામ આધુનિક પેઢી માટે નવું છે પરંતુ ભારતીય સંસ્કૃતિમાં પ્રભાત ફેરીનું અનેરું મહત્વ હતું. આજકાલ તે વિસરી ગયાં છીએ.

અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા

પ્રભાત ફેરી પાછળ ખૂબ જ ગહન વિજ્ઞાન છુપાયેલું છે.

પહેલાના જમાનામાં લોકો વહેલી સવારે વહેલા ઉઠીને શેરીના ચોકમાં ભેગા થતા અને ત્યાંથી તબલા, ઢોલક, મંઝીરા ઝાલર વગેરેના નાદ સાથે ભગવાનનું નામ અને ધૂન ગાતા ગાતા શેરીઓમાં ફરતા આને પ્રભાત ફેરી કહેવાય. પોતે સવારના બ્રહ્મ મુહૂર્તમાં હરિનું નામ લે અને શેરીના અને ગામના અન્ય લોકો

પણ પોતાની સવારની શરૂઆત આમ પ્રભુ નામ સાંભળીને કરતા.

ઉપલેટાની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આખુ સપ્તાહ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવનાર છે. જેના ભાગરૂપે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ‘આઝાદીના અજવાળે પ્રભાત ફેરી’નું અનોખું આયોજને ઉપલેટાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે.

આ પ્રભાત ફેરીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટ્સ આવનાર આખા સપ્તાહમાં સવારમાં વહેલા 5 થી 6 દરમ્યાન ઉપલેટાના વિવિધ માર્ગો અને શેરીઓમાં ફરશે. આ પ્રભાત ફેરી રાષ્ટ્ર ચેતનાની જ્યોત સદા પ્રજ્વલિત રહે તે મુખ્ય હેતુ છે. પ્રભાત ફેરીમાં આઝાદીના ગીતો અને નારાઓ લગાવવામાં આવશે. સ્કૂલના ડિરેકટર રાજેન્દ્રસિંહ ઝાલાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે આ પ્રભાત ફેરીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતાની સાથે સાથે આપણી વિસરાતી જતી વૈજ્ઞાનિક સંસ્કૃતિને નવી પેઢીમાં ફરી સ્થાપિત કરવો. તેમને વધુમાં સમગ્ર ઉપલેટાના નાગરિકોને અપીલ કરી હતી કે જ્યારે તમારા ઘર પાસેથી આ પ્રભાત ફેરી લઈને અમારા વિદ્યાર્થીઓ નીકળે ત્યારે પુષ્પ વર્ષા કરીને આઝાદીના નારા બોલીને તેમનો ઉત્સાહ વધારશો.

આ પ્રસંગે સ્કૂલના ચેરમેન શક્તિસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીયતાના ભાવ સાથેની પ્રભાત ફેરીમાં જોડાનાર તમામ વિદ્યાર્થીઓ, ટીચર્સ, અને પેરેન્ટ્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.