Abtak Media Google News

આજકાલ કાઠિયાવાડના આભૂષણ ગણાતા રાસ-ગરબાની રંગત જામી છે ત્યારે કોરોના મહામારીના પગલે અર્વાચીન દાંડીયા રાસ બંધ થવાથી પ્રાચીન ગરબીની ફરી બોલબાલા થઇ ગઇ

ઇતિહાસમાં પ્રથમવાર ચાચર ચોકના આયોજનને રાજકોટવાસીઓ માણી રહ્યા છે: શણગારના વેચાણમાં મંદી જોવા મળી છે: ઉત્સવ પ્રિય રંગીલા રાજકોટવાસીઓ ગાઇડલાઇન વચ્ચે પણ આનંદોત્સવ માણી રહી છે

રાજકોટની આન-બાન અને શાન એટલે કાઠિયાવાડની સંસ્કૃતિના આભૂષણ સમા દાંડીયા રાસ. વિશ્ર્વનો સૌથી મોટો અને સળંગ તહેવાર એટલે ઘણી લત્તાની ગરબીઓ બંધ થઇ ગઇ હતી. છેલ્લાં દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે ગત વર્ષે તો સદંતર આયોજન બંધ હતા પણ આ વર્ષે કોરોનાનું પ્રમાણ ઘટતા શેરી-ગલ્લી કે સોસાયટીની ગરબી યોજવા છૂટ મળતા શેરી, ગલ્લીના ચોક ‘ચાચર ચોક’ બની ગયા હતાં. અર્વાચીન યુગમાં પણ પ્રાચીન ગરબાઓ ઓલટાઇમ ફેવરિટ ગણાતા આવ્યા છે. અર્વાચીન રાસોત્સવમાં યુવાધન ઉત્સાહભેર જોડાતું હોય પણ આ વર્ષે આયોજન જ બંધ થતાં યુવા વર્ગ શેરી ગરબી જોવા જાય છે. ઇતિહાસમાં પ્રથમવાર કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષથી અર્વાચીન દાંડીયા રાસ બંધ થયા છે.

જૂના જમાનાથી ચાલી આવતી પ્રાચીન ગરબીઓ આજે પણ ઓલ ટાઇમ ફેવરીટ હોય છે. ઘણા શહેરો-ગામડાંઓમાં છેલ્લાં 100 કે 150 વર્ષથી ગરબી યોજાતી હોવાનું પણ જાણવા મળે છે. રાજકોટની ગરૂડની ગરબી જોવા તો લોકો બહાર ગામથી પણ આવે છે. આપણાં પ્રાચીન ગરબાઓ ગાયક વૃંદો સંગીતના તાલે અદ્યતન સાઉન્ડ સિસ્ટમમાં યોજાતી હોયને નયનરમ્ય લાઇટીંગ નઝારો પણ ગરબીની શોભાને ચાર ચાંદ લગાવતો હોય છે.

ગુજરાતી આસો મહિનામાં આવનાર શરદ ઋતુની શરદીય નવરાત્રી આપણાં હિન્દુ ધર્મમાં અનોખું મહત્વ ધરાવે છે. 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આપણાં પૌરાણિક શાસ્ત્રો મુજબ પ્રચતિલ કથા મુજબ દુર્ગા માતાના મહિસાસુરનો વધ કરવાની છે. નવ દિવસ પૂર્ણ થાય તે દિવસે ચાચર ચોકમાં હવન કરાય છે અને બીજા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસની પૂજામાં શૈલપુત્રી, બ્રહ્મચારીણી, ચંદ્રઘટા, કુશમંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિધ્ધી દાત્રી જેવા સ્વરૂપોની પુજા કરવામાં આવે છે.

નવરાત્રી કે નવરાત્ર કે નવરાત્રા એ હિન્દુઓનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે, જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામાં આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત એટલે નવરાત્રી. નવરાત અને દશ દિવસ દરમ્યાન મા શક્તિ દેવીના વિવિધ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ નવરાત્રી દરમ્યાન ગરબા-પૂજા, ઉ5વાસ, પ્રાર્થના કરાય છે. આસો સુદ એકમ (પડવા)થી શરૂ કરીને નોમ સુધી આ તહેવાર ચાલે છે. આ દિવસોમાં હિન્દુ લોકો નવદુર્ગાનું વ્રત-સ્થાપના અને દેવીનું આહવાન તથા પૂજન કરે છે. મા દુર્ગાના વિવિધ નવ સ્વરૂપોના દર્શન કરવાની પરંપરા આદીકાળથી ચાલી આવી છે. આ દિવસોમાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત સાથે સૂર્યનો પ્રભાવ રહે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતિક છે. દશેરા એટલે દશ દિવસ તેથી જ નવરાત્રી બાદ દશેરા આવે છે તે દિવસે મીઠાઇ ખાવાનું ચલણ આપણી પરંપરા છે.

આપણાં પૌરાણિક શાસ્ત્રો મુજબ વર્ષમાં ચાર વાર નવરાત્રી આવે છે જેમાં વસંત, શરદ, પુષ્ય અને અષાઢ નવરાત્રી હોય છે જેમાં આસો મહિનાની શરદ નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. વસંત કાળમાં વસંત નવરાત્રીનું પણ મહત્વ સવિશેષ છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરા પર આધારિત હોય છે. દુર્ગા જે અપ્રાપ્ય છે તે ભદ્રકાલી, અન્નપૂર્ણા, સર્વ મંગલા, ભૈરવી, ચંદ્રિકા કે ચંડી, લલીતા, ભવાની અને મોકામ્બિકા જેવા દેવીઓ હોય છે. તામિલનાડુંમાં નવરાત્રીના દિવસોમાં દુર્ગાના વિવિધ સ્વરૂપો દર્શાવાય છે. સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ નવરાત્રી ઉજવણી ગુજરાતમાં થાય છે અને તેમાં સૌરાષ્ટ્રના કાઠિયાવાડની નવરાત્રી, ગરબા, દાંડીયા રાસ સમગ્ર વિશ્ર્વમાં જાણિતા છે.

શરદ નવરાત્રિ ઉત્સવ માટે અને ચૈત્રી નવરાત્રી વ્રત-તપ માટે વધુ જાણિતી છે. ઉત્તર ભારમાં તમામ ત્રણ નવરાત્રીઓમાં નવ દિવસોના ઉપવાસ અને દેવી દેવતાઓના વિવિધ સ્વરૂપોની પૂજા થાય છે. હિમાચલ પ્રદેશમાં કુલુનો દશેરા ખૂબ જ પ્રખ્યાત છે. પૂર્વ ભારતમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને બંગાળના રાજ્યમાં વિશેષ  રીતે ઉજવવામાં આવે છે. દુર્ગા માતાની મોટી મૂર્તિઓ કે જેમાં મહિસાસૂરનો વધ કરતાં દર્શાવાય છે. આપણે ત્યાં ગરબી કે દાંડીયા રાસ સાથે લોકનૃત્ય પણ આ દિવસોમાં થાય છે. વિદેશથી પણ ગુજરાતની નવરાત્રી માણવા વિદેશીઓ આવે છે.

કેરળમાં અંતિમ ત્રણ દિવસોની ઉજવણીનું મહત્વ છે. વિજયા દશમીનો તહેવાર બાળકોને જ્ઞાન આરંભ કરવાનો દિવસ હોવાથી તેને વિદ્યા આરંભ પણ કહેવાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં નવ દિવસના તહેવારને બથુકામ્મા નામનો ઉત્સવ કરે છે. આઠમા કે નવમાં દિવસે ક્ધયા પૂજામાં કુમારીકાઓની પૂજા કરાય છે. નવરાત્રી સુધી અખંડ દિવાનું નવરાત્રીમાં અનેરૂ મહત્વ છે. દક્ષિણ ભારતમાં શિક્ષકો શાળાઓમાં બાળકોને વિજયા દશમીથી ભણાવવાનું શરૂ કરે છે.

મહિષાસુર વધ ઉપરાંત રામ-રાવણના નવ દિવસ ચાલેલા યુધ્ધના વિજય બાદ રાવણના વધની ખુશીરૂપે દશેરાની ઉજવણી કરાય છે. આ દિવસે રાવણના પૂતળાનું દહન પણ કરવામાં આવે છે. નવરાત્રી એક ઉપાસના, આરાધનાનો તહેવાર છે. નવરાત્રી શબ્દ સાંભળતા આપણે ગોળ રાઉન્ડમાં ગરબે ઘુમતી ક્ધયાઓનું દ્રશ્ય આંખો સમક્ષ દેખાય છે. ગરબા રમવા એ જ દુર્ગા માતા પ્રત્યે આપણી શ્રધ્ધાનું એકરૂપ છે. નવરાત્રીમાં જ્યાં ગરબી સ્થાપના કરાય ત્યાં પાંચ ગરબા તો રમવા જ પડે છે.

ચાર નવરાત્રી પૈકી બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે. જે મહા અને અષાઢ માસમાં આવે છે. ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે કારણ કે હિન્દુ પંચાગ અનુસાર ચૈત્રી નોરતાના પ્રથમ દિવસથી જ હિન્દુ નવ વર્ષ એટલે કે નવ સંવત્સરનો પ્રારંભ થાય છે.

“ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં,
રઢિયાળી રાતડીનો જો જે રંગ જાયના”

ગરબો લોક સંસ્કૃતિનું પ્રતિક

ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય અને આનંદના દિવસો આવે ત્યારે ગ્રામ્ય પ્રજા ભેગી થઇને દેવી દેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતાં હતા. આમાંથી જ લોક સંગીતનો પ્રકાર ઉભો થયો જેને ગરબો કહેવાયો. આનું આધુનિક સ્વરૂપ એટલે આજના ગરબા, નૃત્ય, જૂની પરંપરામાં રાસ, દાંડીયા રાસ, ગોફ, મટકી, ટીપ્પણી વિગેરે પ્રકારો આવ્યા હતાં. જુદા-જુદા પ્રદેશોમાં જુદી-જુદી રીતે ગરબા લેવાતા થયાને એમાં જુદા તાલ અને પગલાના થડકારા લેવાતા ગયા. ગરબા બે જ હોય એક પ્રાચીન અને બીજો આજનો અર્વાચીન. 1721માં ભાણદાસજીએ રચેલી ગરબી અને ઇ.સ.1780માં વલ્લભ મેવાડાએ ગરબો રચેલો હતો. કાણાવાળી મટકીની અંદર જ્યોત મુકીને દિવાઓને પણ ગરબો કહે અને નવરાત્રી માં માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબો કહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.