Abtak Media Google News

એડવોકેટ કમલેશ શાહના નિવાસ સ્થાને પગલાં કરી ધર્મ લાભ આપ્યો

અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.ડો. પ્રકાશચંદ્રજી મ.સા.આદિ સાત ગુરુવર્યો તથા સાધ્વી રત્ના પૂ.ઝરણાકુમારીજી મ.સ.આદિ આઠ મહાસતિજીઓ કુલ પંદર સંત – સતિજીઓએ ધર્મ નગરી રાજકોટને અપૂર્વ લાભ આપી ચોટીલા તરફ વિહાર કરેલ છે.

પૂ.ગુરુવર્યોએ રાજકોટ અજરામર સંઘ,શ્રમજીવી સંઘ,વિરાણી પૌષધશાળા – મોટા સંઘ,સરદાર નગર સંઘ,રોયલ પાર્ક મોટા સંઘ,શેઠ ઉપાશ્રય, મહાવીર નગર સંઘ,જંકશન સંઘ વગેરે સંઘો તથા જીતુભાઈ બેનાણી, વીણાબેન શેઠ,એડવોકેટ કમલેશભાઈ શાહના નિવાસ સ્થાને પાવન પગલાં કરી લાભ આપેલ.

રાજકોટ શેષકાળનો અનુભવ વર્ણવતા આચાર્યએ જણાવેલ કે રાજકોટ ખરેખર ધર્મ નગરી છે.રાજકોટ ગોંડલ સંપ્રદાયનું મુખ્ય ક્ષેત્ર છે પરંતુ ચતુર્વિધ સંઘ દરેક સાધુ – સાધ્વીજીઓ સાથે આદર અને પ્રેમ ભર્યો વ્યવહાર કરે છે.

Screenshot 3 4

ગોંડલ સંપ્રદાયના ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ.ની 28/2 ના રોજ પાલખી યાત્રા નીકળ્યા બાદ કાઉસગ્ગ વિધી સમયે આચાર્ય ભગવંતે ચતુર્વિધ સંઘને આયંબિલ તપ વગેરેના પચ્ચખાણ કરાવેલ.

રાજકોટ શેષકાળ દરમ્યાન આચાર્ય ભગવંતે જૈન શાસ્ત્રોના ગૂઢ રહસ્યો સરળ શૈલીમાં સમજાવી સદ્દબોધ આપેલ.તેઓએ સંયતિ રાજાની કથાના માધ્યમથી સુંદર ધર્મ સંદેશ આપેલ કે રાજાએ જંગલમાં મંગલ કરી આત્મ કલ્યાણ કર્યું . આપણે સૌ મહાવીરના સંતાનોએ વિશેષ પ્રમાણમાં જ્ઞાન, દર્શન,ચારિત્ર અને તપની આરાધના કરવી જોઈએ.વધુમાં તેઓએ હિતશિક્ષા આપતાં ફરમાવેલ કે અનંત તીર્થંકર પરમાત્માઓની અનંતી કૃપાથી આ પંચમ કાળમાં પણ પ્રભુની વાણી આગમરૂપે ઉપલબ્ધ છે.જિનવાણીનુ  પઠન કરજો.પરમાત્માની અંતિમ ધર્મ દેશના ઉત્તરાધ્યયનજી સૂત્ર તથા ઉપાસક દશાંગ સૂત્રનુ અવશ્ય વાંચન કરજો જેથી ખ્યાલ આવે કે સમાચારી એટલે શું ? આઠ પ્રહરમાં સાધુઓને શું કરવાનું હોય ? શ્રાવકોનું જીવન કેવું હોય ? શ્રમણોપાસકનું કર્તવ્ય અને ફરજ શું હોય ?

પૂ.ગુરુદેવ નૈતિકચંદ્રજી મ.સાહેબ કે જેઓએ બત્રીસ આગમ કંઠસ્થ કરેલ છે તેઓએ જ્ઞાન વર્ધક  પ્રશ્ન મંચનું સુંદર આયોજન કરી જિજ્ઞાસુઓને ભાવિત કરેલ. સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્દસ્ય કમલેશભાઈ શાહ તથા એડવોકેટ જીગ્નેશભાઈ શાહના નિવાસ સ્થાને લાભ આપી ધર્મ સંદેશ તથા માંગલિક ફરમાવેલ.

અત્રે નોંધનીય છે કે આચાર્ય ભગવંત ડો. પ્રકાશચંદ્રજી મ.સા.આદિ ગુરુ ભગવંતો ચૈત્ર માસની આયંબિલ ઓળી તથા વર્ષી તપ પારણા અવસરે જોરાવર નગર સંઘને તથા આગામી ચાતુર્માસ કચ્છ સમાઘોઘા સંઘમાં લાભ આપશે.2/3/2023 ના સવારે રાજકોટ જંકશન પ્લોટ સંઘથી ચોટીલા તરફ વિહાર કરેલ છે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.