પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાશે

14 ડિસેમ્બર મહંત સ્વામી મહારાજની નિશ્રામાં મહોત્સવ શરૂ થશે

છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ચરમસીમારૂપ મહોત્સવ અમદાવાદમાં 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી ઉજવાશે.

અમદાવાદમાં નિર્મિત પ્રમુખસ્વામી નગરમાં 30 દિવસ સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘાટન મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં   પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તારીખ 14 ડિસેમ્બરના રોજ સાંજે 5.00 કલાકે થશે. આ પ્રસંગે સમગ્ર વિશ્વ અને ભારતનાં અનેક પ્રાંતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહેશે.

આજે જયારે સમગ્ર વિશ્ર્વમાં પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લાખોની સંખ્યામાં ભકતો ઉમટી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીએ પણ અનેક વાર ફોન અને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તદુપરાંત પ્રમુખસ્વામી મહારાજના આ મહોત્સવમાં ઉદ્ઘાટન પ્રસંગે તેઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સ્વામીને આદરાંજલિ અર્પણ કરશે.  બીએપીએસ સંસ્થાના અનેક સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક પ્રકલ્પોમાં અને અનેકવિધ રાહતકાર્યો અને સામાજિક સેવાઓના અનુસંધાનમાં નરેન્દ્રભાઈ ચાર દાયકાઓ સુધી નિરંતર પ્રમુખસ્વામી મહારાજના નિકટ સંપર્કમાં આવ્યા હતા. તેઓએ અનેક પ્રસંગોમાં પ્રત્યક્ષરૂપે પ્રમુખસ્વામી મહારાજનું વાત્સલ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.