વેરાવળમાં વ્યાજખોરના ત્રાસથી પ્રૌઢનો આપઘાત

વેરાવળના ભાલપરાના એક શખ્સે   વ્યાજે આપેલા રૂપિયા પરત આપી દીધા હોવા છતાં, વ્યાજે લેનાર પાસેથી રૂ. 66 લાખની વધુ ઉઘરાણી કરી જમીન મેળવવા યુવકના પિતાને ધાક ધમકી આપતા યુવકના પિતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધા હોવાની ઘટના માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આ વ્યાજખોર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામે રહેતા વિપુલગીરી મનોજગીરી અપારનાથીને આરોપી વિરાભાઇ ચાવડા એ નાણા ધીરધારનાં લાયસન્સ વગર રૂપીયા માસીક પાંચ ટકાનાં ઉચા વ્યાજે આપ્યા હતા જે રૂપિયા ફરીયાદી વિપુલગીરી એ આપી દીધા હોવા છતા, વિરાભાઇ ચાવડા એ વ્યાજ સહીત રૂ. 66 લાખની બળજબરી પુર્વક ઉઘરાણી કરી, વિપુલગીરી.તથા તેનાં બાપુજીને રૂબરૂ તથા ફોન ઉપર અવાર-નવાર ગાળો કાઢી, મારી નાખવાની ધાક-ધમકી આપી, બળજબરીથી રૂપીયાનાં બદલામાં વિપુલગીરીનાં બાપુજી પાસેથી જમીન પડાવી લેવા બળજબરી કરી, વિપુલગીરીનાં બાપુજી મનોજગીરી  અપારનાથીને સતામણી કરી, ત્રાસ આપી, મરી જવા મજબુર કરી, આત્મહત્યાનું દુષ્પ્રેરણ કરતા વિપુલગીરીના પિતા મનોજગીરી કેશવગીરી અપારનાથી (ઉ.વ.55)  એ આરોપી વિરાભાઇ ચાવડાનાં ત્રાસથી કંટાળી જઇ, પોતાની મેળે ઝેરી દવાનાં ટીકડા પી લેતા, સારવાર દરમ્યાન તેનું મોત નીપજેલ હોય. જે અંગેની વિપુલગીરી મનોજગીરી અપારનાથી એ માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરાભાઇ ચાવડા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.