પહેલાના લગ્ન સમારોહ: કેટરર્સ વગરનું જમણ, નાતની પંગત

આજની જેમ પહેલા બુફે ન હતું: પંગત પ્રમાણે વારો આવે છેલ્લે લેડીઝ-બાળકોનો વારો આવે પંગત સિસ્ટમમાં પિરસણીયાની પસંદગી થતી હતી, જે ચાલુ પંગતે પણ કટક-બટક કરી લેતા

પહેલાની જીવનશૈલી અને અત્યારની જીવનશૈલીમાં બદલાવ છે. સારાનરસા પ્રસંગો ત્યારે પણ આવતાને અત્યારે પણ માનવ જીવન સાથે જોડાયેલ છે. તફાવત ફક્ત એટલો કે ત્યારે ટીમ વર્કથી બધુ કામ પાર પડી જતું. કામ કરનાર કે પીરસણીયાને પરિવારવાળા બહું સાચવતા પણ હોયને તેને પહેલા જમવા પણ બેસાડી દેતા. જગ્યા પ્રમાણે એક-બે કે ત્રણ ચાર લાઇનની પંગતોમાં હજારો માણસ બે વાગ્યા પહેલા જમી લેતા હતાં. લોકો એટલા બધા ભણેલા ન હોવા છતાં આયોજનનાં માસ્ટર હતા. અમુક તો વરાના આયોજનમાં પાયા હોય જેની ઘેર પ્રસંગ હોય તે તેને જ જવાબદારી સોંપી દેતા હતા.

સગાઇ, લગ્ન કે દાડા-ઢગ જેવા તમામ પ્રસંગે તથા તેના આયોજનમાં જુવાનિયા એકમેકના સથવારો વિશાળ આયોજન સાંગોપાંગ પાર પડી દેતા. મોટી જગ્યામાં કે વાડીમાં પ્રસંગો થતાં. કેટરર્સ વગરનું જમણ એટલે નાતની પંગત કહેવાતી આજના જમાનાના જુવાનિયાને તો પંગત એટલે શું તે પણ ખબર નથી. અત્યારનો યુવાન ભલે મેનેજમેન્ટનું ભણતો હોય પણ એ જમાનાના આયોજન તેને ન આવડે ન સમજાયએ સો ટકા સત્ય છે. જુનું એટલે સોનુંએ વાત સાથે સંમત થાય છે. અનુભવે બધા પેઢી દર પેઢી જવાબદારી આવે તેમને શીખવા લાગતા.

બુફેનો જમાનો આવ્યો, નથી બેસતી હવે પંગત.

સંગતમાં તો હર કોઇ છે, પણ કોને કહેવું અંગત?

લગ્ન હોય ત્યારે જાનનું સ્વાગત, ચા-પાણી, બીડી, પાન, મુખવાસ કે ઉતારાની વ્યવસ્થાની ટુકડી વાઇઝ જવાબદારી સોંપાઇ ગઇ હોય. ઘરધણીને ખબર પણ ન પડે તે રીતે તમામ કામ થઇ જાય. ઉતારાની તમામ એ ટુ ઝેડ સજાવટ-વ્યવસ્થા સાથે એક ટીમ ચા-પાણીને નાસ્તો લઇને સતત ફરતાં જ હોય, ક્યારેય કોઇને હાકલ નહોતી કરવી પડતી. બધા પોતાની રીતે ખંતથી કામ કરતાં. આજના જુવાનિયાને ખબર જ હોય કે કેટરર્સ વગર પણ હજારો માણસનો જમણવાર થઇ શકે. જો કે પહેલાના મેનું અને અત્યારના મેનુંમાં ઘણો તફાવત છે. આજે 32 જાતના ભાત-ભાતના ભોજનીયા હોય પહેલા આવું ન હતું. લાડવા મહત્વની મીઠાઇ ગણાતી તેમાં બરફી કે મોહનથાળ ઉમેરાયા હતાં.

પહેલાના જમણ-પંગત સિસ્ટમમાં હતા, તેમાં સ્ટાટર્ર કે ડેઝર્ટ આવતા જ નહી. પાણી બધાને જગથી સ્થળ પર મળી જતું જો કે પંગતમાં જ બધી આઇટમો આવી જતી. ત્રણ-ચાર જણા પંગત ઉપર સતત નજર રાખેને ઘટતું કરતું ત્યાં જ ઇશારાથી મેનેજ કરતું. આઇટમ લઇ જનારાને જેવું ખાલી થાય કે તુરંત જ ભરેલો થાળ આપી દેવાય. જેટલી આઇટમો હોય તેટલા પીરસણીયા હોય જેની સામે એટલા જ વસ્તુ ભરવાવાળા પણ હોય. એક ટીમ રસોડામાં કાર્યરત હોય શું વધ-ઘટ છે. તેની ચકાસણી કરતાં રહેતા હોય. જમણમાં બધાને ગરમ વસ્તું જ મળતીને આગ્રહ પણ રખાતો. પીરસણીયા વાકા વળીને લાંબી પંગતને પીરસે તોય થાકતા નહી. ગ્રામ્ય સંસ્કૃતિની આ સીસ્ટમ શહેરોમાં પણ ચાલતી પણ 1982 પછી તે ધીરેધીરે લુપ્ત થઇને થાળી લેખે રસોયાને તૈયાર ઓર્ડર અપાવી દેવાની શરૂઆત થઇ ગઇ હતી.

આ પંગત જમણમાં બધા નીચે બેસીને જ જમતાં આપણાં શાસ્ત્રોમાં બેસીને જમવાનું મહત્વ આયુર્વેદની દ્રષ્ટિએ પણ સારૂ કહેલ છે. આજે તો વાંકા વળીને પીરસવું પડે તો કેડના દુ:ખાવા થઇ જાયને બેસીને જમાડો કેટલાય ઉભા જ ન થઇ શકે કે ખાલી ચડી જાય. વાડીનો જમણ પુરો થાય એટલે ઠામ-વાસણ ગણીને ગોઠવવા પડતા હતા. આજે કેટરર્સ વાળા કેટલી થાળી ઉપડી તે ગણે છે.

આગલી રાત્રે જમણવારની તમામ તૈયારી થઇ જતી. શાક સુધારીને કમ્પલીટ કરી નખાતું. પંગતમાં શ્રીમંત કે ગરીબ બધા જ બેસીને જ જમતા હતા. જમતી વખતે ઘરધણી મીઠાઇની થાળી લઇને તાણ કરવા આવે ત્યારે લાડવા ખાનારને પરાણે મોઢામાં ઠોંસી ઠોંસીને ખવડાવતા. વાત-ચિતો સાથે સૌ આનંદથી પંગત સીસ્ટમમાં જમતાં. એ સમયે મીઠાઇ પણ રસોયા બનાવીને ચોકી ભરી રાખતા, ચોસલા પાડીને બટકા થાળીઓમાં ગોઠવાઇ જતાં. સમગ્ર કાર્ય ગણતરીની કલાકોમાં પૂર્ણ થઇ જતું. હિસાબમાં હોશિંયારને ચાંદલો લખવા ટેબલ, ખુરશી, મુખવાસની સજાવટ કરીને બેસાડતા હતાં.

જાનનાં ઉતારે સૌથી વિશેષ કેર લેવાતી હતી. લાલ પાથરણા પાથરીને થાળી, ગ્લાસ, બે વાટકા, ચમચી બધુ ગોઠવીને તૈયાર થાય પછી પંગત બેસાડાતી. જમણવારમાં બધી આઇટમનાં ત્રણ-ચાર રાઉન્ડ આવેને પછી છેલ્લે ભાત આવતા સાથે ગરમ દાળને પાપડ પણ રીપીટ થતાં હતાં. અમુક પરિવારના લોકો ભોજનની ટીકા પણ કરતાં જોવા મળતાં હોય પણ બધાએ સાંભળી લેતા હતાં. જમણવાર પુરો થાય એટલે એક વ્યક્તિ ખાલી થાળી લઇને નીકળતાને વધેલી સારી વસ્તું એકત્ર પણ કરી લેતા હતા જેથી અન્નનો બગાડ થતો જ નહીં. લગ્ન પ્રસંગ કે કોઇપણ પ્રસંગહોય બધા ઘરની જેમ કામ કરતાં હતા.

બધુ જ પુરૂ થયા બાદ વાડી ચોખ્ખી ચણાક કરી લેતા હતા. જેથી બીજા આવે તેને તકલીફ ના પડે. પંગત સીસ્ટમ અને જુની શૈલીમાં ઘણી સારી બાબતો હતી જે આજે સાવ લુપ્ત થઇ ગઇ છે. જુવાનીયાની ટીમ પણ કામ કરતાં કરતાં આનંદ માણતા જોવા મળતા હતા. કદાચ એટલે જ એને થાક નહીં લાગતો હોય. જમણવાર પૂર્ણ બાદ વધ્યું ઘટ્યું ગરીબ-ગુરબાને આપી દેતા હતા.

એ વખતનાં આયોજન એટલા પરફેક્ટ હતા કે કોઇ વસ્તુનો બગાડ થતો જ નહી. આજની પેઢીને કેટરર્સ વગરના જમણવારની વાત ગળે જ ના ઉતરે. બુફેની જમણવાર કરતાં ઘણી જુની અને વિસરાયેલી પરંપરા એટલે પંગત. પંગતમાં જમણવાર જામતો અને મોજથી બધા જમતાં. સમુહમાં કતાર બંધ જમવા બેસવું તેને પંગત કહેવાય છે. આ જમણવાર પહેલાની તૈયારી પણ ગજબની થતી. આજે કેટરર્સની ફોજ આવે તેવું ના બનતું ફક્ત રસોયો તેના ઓજારો લઇને આવી જતોને તેની મદદમાં ફેમીલી મેમ્બરો-પાડોશીઓ રહેતા. બધા ભેગા મળીને પ્રસંગ ઉકેલી નાંખતા. રાત પડેને ચુલા સળગેને લાકડા જાડા કે હવાય ગયેલા હોય તો ધુમાડાના ગોટેગોટા નીકળતાને આંખો ચોળતાં પણ અડગ થઇને કામ કરતાં. આ બધું જોઇને બાળકો પણ ઉત્સાહમાં આવીને વાસણો સાફ કરીને ગોઠવતા જોવા મળતા હતાં. નાસ્તામાં જલેબી-ગાંઠીયાને તળેલા મરચા તો હોય જ. મિક્સર ન હતા તેથી મોગરીથી ખાંડીને જ બધાનો ભૂક્કો કરાતો હતો.

વાડીમાં રાત્રે ગરમાગરમ ભજીયાનો નાસ્તો બનતો જેવી સુગંધ આવે તુરંત જ આઘાપાછા બેઠેલા કામ ચોર ભજીયા ખાવા આવી જતાં હતાં. પંગત સીસ્ટમમાં માણસ જોઇને તેને આઇટમો અપાતી હતી. એકબીજા પંગતમાં જમવા આવે એટલે એકબીજાને રામ-રામ કરતાં પણ જોવા મળતાં, પીરસણીયા ખૂબ જ હોશિંયાર હતા તે મોઢુ જોઇને જ કોન્ટીટી આપે છોકરા મોટાભાગે પાણી-છાશમાં જ ગોઠવાતા હતા.

  • પીરસણીયાની પીરસવાની ઝડપ પણ ગજબની હતી !!

“અલ્યા દાળ આવવા દો આ ખુણામાં” આવા શબ્દો પંગત જમણવારમાં સંભળાતા આપણી જીવન શૈલીની વિસરાયેલી પરંપરા એટલે પંગત. આગલા દિવસે મહોલ્લો કે વાડીની મોટી જગ્યામાં તૈયારી શરૂ કરાયને સીધુ સમાન પહોંચી જતા. સાંજથી ચહલ-પહલ વધેને રસોયાભાઇ આવે એટલે કામ શરૂ થાય. આ સીસ્ટમમાં કામ કરવા વાળા જુવાનીયાની મોટી ફોજ હોય છે. અલગ-અલગ ટુકડી પાડીને કામની વહેંચણી કરાતી હતી. આ ગાળા દરમ્યાન એક ખુણામાં ભાભલાઓની સભા જામેને ચા-પાણી સાથે બીડીઓના દમ લેવાતા હતા. અગાઉના પ્રસંગોની ખાટી-મીઠી વાતોની પણ ચર્ચા કરતાં. પીરસણીયા પીરસવાની ઝડપ પણ ગજબની હોય છે.

આજે પણ વિરપુર જેવા વિવિધ ધાર્મિક સ્થળોએ પંગત સીસ્ટમ ચાલુ જ છે, જ્યાં તમે ઝડપ જોઇ હશે જ. પંગતમાં દરેક આઇટમના બે-ત્રણ કે ચાર રાઉન્ડ બાદ ભાત આવે છે. જેને ઘેર પ્રસંગ હોય તે મીઠાઇ લઇને તાણ કરવા પણ નીકળતા હતાં. સમ દઇને યજમાન પ્રેમથી, આગ્રહથી સૌને ભાવ સાથે જમાડતાં હતાં. આવી જમણવારની પંગતમાં ભાઇચારો, સહકાર, આત્મિયતા, પ્રેમ, આનંદ, સત્કાર અને આદર જેવી બાબતો વણાયેલી હતી. એકબીજા સાથે હોંશથી જમવાની મોજ હતી. જેનું શબ્દોમાં વર્ણન જ શક્ય નથી. આજના બુફે યુગમાં પંગત એક ઇતિહાસ બની ગઇ છે. આજે આઇટમો ઘણી હોય છે. જમણવારમાં પણ પહેલા જેવો સંતોષ હોતો નથી.