સગર્ભા મહિલાઓએ કોરોનાની વેક્સિન લઈ રાજકોટ તંત્રનો માન્યો આભાર, સાંભળો શું કહ્યું

કોરોનાને નાથવા માટે દેશમાં ગત 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની નવી ગાઈડ લાઈન મુજબ હવે સગર્ભા મહિલાઓને પણ કોરોના વેક્સિનના બન્ને ડોઝ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. દરમિયાન આજથી કોર્પોરેશન દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભાઓને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં પ્રથમ દિવસે બપોર સુધીમાં 78 ગર્ભવતી મહિલાને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. બીજી તરફ આજથી રસીકરણની કામગીરી પણ 50 ટકા સુધી વધારવામાં આવશે.

તમામ આરોગ્ય કેન્દ્રો પર સગર્ભા મહિલાઓને લાઈનમાં ઉભા રાખ્યા વિના જ કોરોનાની વેક્સિન આપી દેવાશે: પ્રથમ દિવસે 78 ગર્ભવતી મહિલાઓને અપાઈ રસી

આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, 18 વર્ષથી વધુ ઉંમરની તમામ સગર્ભા બહેનોને કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જેના પગલે આજે મહાપાલિકા દ્વારા શહેરના તમામ આરોગ્ય કેન્દ્રો પર સગર્ભા મહિલાઓને વેક્સિન આપવા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સગર્ભાઓને વેક્સિન માટે લાઈનમાં ઉભુ રહેવાની આવશ્યકતા નથી.

આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તેમને વેક્સિનેશન અંગેનું કાઉન્સેલીંગ પણ કરી દેવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ ગર્ભધારણના કોઈપણ સમયગાળા દરમિયાન કોરોનાની વેક્સિન લઈ શકશે. આ ઉપરાંત બન્ને ડોઝ લેવા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલા કોરોનાની વેક્સિન લે તો તેની સલામતિ ખુબજ વધી જાય છે અને આવનાર બાળક પર પણ કોરોનાનું જોખમ ઘટી જાય છે. ખાસ કરીને ફ્રન્ટલાઈન વર્કર, હેલ્થ વર્કર કે હેલ્થકેર સર્વિસ સાથે જોડાયેલી મહિલાઓ જે સગર્ભા છે તે કોરોનાની વેક્સિન લે તે વધુ આવશ્યક છે.

આજે બપોર સુધીમાં આરોગ્ય કેન્દ્રમાં 78 મહિલા સગર્ભા મહિલાને વેક્સિન આપી સુરક્ષીત કરવામાં આવી છે. આજથી રાજ્ય સરકાર દ્વારા રાજકોટને 12000 વેક્સિનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 11600 કોવિશિલ્ડ અને 400 કો-વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. અત્યાર સુધી દિવસ દરમિયાન માત્ર 8000 જેટલા લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવતી હતી હવે રસીકરણની કામગીરીમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે અને દૈનિક 12000 લોકોને વેક્સિન આપી કોરોના સામે સુરક્ષીત કરવામાં આવશે.

વેપારીઓ માટે વેક્સિન લેવાની મુદત 31મી જુલાઈ સુધી નિયત કરવામાં આવી છે. આ સમયગાળામાં જો કોઈ વેપારીએ કોરોનાની વેક્સિન લીધી નહીં હોય તો તેને દુકાન ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં અને જો વેક્સિન ન લેનાર વેપારી દુકાન  ખોલશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે 31મી જુલાઈ સુધીમાં મોટાભાગના વેપારી અને વ્યવસાયીક એકમોના સંચાલકો તથા સ્ટાફ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લે તે માટે વેક્સિનેશનની કામગીરી 50 ટકા સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે બપોર સુધીમાં શહેરમાં 4678 લોકોને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી હતી.