Abtak Media Google News

લોધિકા તાલુકામાં 25 ઇંચ વરસાદ પડ્યો હોય, ખેતીવાડી સર્વે માટે ગાંધીનગરથી મંજૂરી મંગાઈ : તમામ સર્વે ચારથી પાંચ દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક 

રોડ- રસ્તાને સૌથી વધુ નુકસાન : ઘર વખરી અને ખેતીવાડીને પણ નુકસાન પહોંચ્યું : સર્વે બાદ રિપોર્ટ સરકારમાં મોકલાશે 

અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે આવેલા પુરથી મોટુ નુકસાન સર્જાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 100 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે. આ નુકસાનીનો સાચો આંકડો મેળવવા માટે 225 ટિમો દ્વારા પુરજોશમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયું હતું. જેના કારણે પુરની સ્થિતિ નિર્માણ પામી હતી. જેથી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ગઈકાલે નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી પણ રાજકોટ આવ્યા હતા. ત્યારે તેઓએ સર્વેની કામગીરી ઝડપથી કરવા માટે સૂચનો પણ આપ્યા હતા. જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુની સૂચનાથી જિલ્લામાં પુરથી થયેલી નુકસાનીનો તાગ મેળવવા 225 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટિમો દ્વારા પુરજોશમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. 225 પૈકી 86 ટિમો ખેતીવાડીમાં થયેલા નુકસાનનો સર્વે કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર પુરથી જિલ્લામાં 100 કરોડથી પણ વધુનું નુકસાન થયુ હોવાનો વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે. વધુમાં હજુ મોટાભાગના તાલુકામાં ખેતીવાડીની નુક્સાનીનો સર્વે હાથ ધરવામાં ન આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હજુ મોટાભાગના ખેતરોમાં પાણી ભરાયેલા હોય ખેતીવાડીનો સર્વે આવતીકાલથી શરૂ થવાનો હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ લોધિકા તાલુકામાં 25 ઇંચ વરસાદ પડ્યો હોય ખેતીવાડી સર્વે માટે ગાંધીનગરથી મંજૂરી મંગાઈ છે. વધુમાં સર્વેને ચારથી પાંચ દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં જિલ્લા કલેકટર તંત્રમાંથી મળતી વિગત અનુસાર રોડ- રસ્તાને સૌથી વધુ નુકસાન થયું છે. સાથે ઘર વખરી અને ખેતીવાડીને પણ નુકસાન પહોંચ્યું છે.  સર્વે બાદ રિપોર્ટ સરકારમાં મોકલાશે.

લોધિકા તાલુકામાં ખેતીવાડીને થયેલા નુકસાન માટે સરકાર સમક્ષ સહાયની દરખાસ્ત

લોધિકા તાલુકામાં વરસાદે વ્યાપક નુકસાન સર્જ્યું હતું. મોટાભાગના ખેતરો નદીમાં ફેરવાઈ ગયા હતા. જેથી પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ તાલુકામાં ખેતીવાડીને થયેલા નુકસાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકાર સમક્ષ સહાયની દરખાસ્ત પણ કરવામાં આવી છે. આ માટે સર્વેની મંજૂરી પણ માંગવામાં આવી હોય, જે મળી ગયા બાદ સર્વે શરૂ કરી ખેતીવાડીને થયેલી નુક્સાનીનો રિપોર્ટ સરકારમાં સોંપવામાં આવશે. ત્યારબાદ સરકાર સહાયની જાહેરાત કરે તેવી પ્રબળ શકયતા જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.