મનોવિજ્ઞાનને સારી રીતે સમજતા સર્જક મહાન સાહિત્યકાર પ્રેમચંદ મુનશી

નીતાબેન મહેતા, અબતક


મહાન સાહિત્યકાર મુનશી: પ્રેમચંદ માણસના મનોવિજ્ઞાનને સારી રીતે સમજતા સર્જક હતા. આઝાદી મળી એ પહેલાના ભારતનું વાસ્તવિક ચિત્રણ જેવું પ્રેમચંદે કર્યું છે તેવું બીજા કોઈ લેખકે કર્યું નથી.

 

પ્રેમચંદ નો જન્મ બનારસથી ચાર માઈલ દૂર આવેલા લમહી ગામમાં 31 જુલાઈ 1880 ના રોજ થયો હતો. તેમનું બાળપણનું નામ ધનપતરાય હતું. તેઓ 15 વર્ષના થયા ત્યારે તેમના લગ્ન થઈ ગયા હતા. ધનપતરાય બાળપણથી જ ઉર્દુ ભાષા જાણતા હતા. તેઓ 13 વર્ષના હતા ત્યારથી જ લેખનની શરૂઆત કરી હતી. ધનપતરાય માંથી પ્રેમચંદ બન્યા તેની પાછળ નું કારણ અત્યંત રોચક છે.

પ્રેમચંદ જે પ્રકારના સાહિત્યનું સર્જન કરતા હતા તેનું કારણ તેમની પોતાની પૃષ્ઠભૂમિ અને દેશમાં અંગ્રેજોનું શાસન હતું. પ્રેમચંદની પાંચ વાર્તાઓનો સંગ્રહ “સોજે વતન”પ્રકાશિત થયો હતો. “સોજે વતન”માં પ્રેમચંદે દેશપ્રેમ અને દેશવાસીઓના દર્દની વાતો લખી હતી. અંગ્રેજ શાસકોને તેમાંથી બળવાખોરીની ગંધ આવી, પ્રેમચંદ એ સમયે નવાબરાય ના નામે લખતા હતા. નવાબરાય ને સરકારે પકડી લીધા અને “સોજે વતન”વાર્તા સંગ્રહને અંગ્રેજો એ તેમની આંખોની સામે જ સળગાવી દીધો. એ ઉપરાંત સરકારની પરવાનગી વિના કશું લખવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો.

ધનપતરાય એ ઘટના પછી નવાબરાય નહીં પણ પ્રેમચંદ બની ને લખતા રહ્યા અને ધનપતરાય ને પ્રેમચંદ નામ અપનાવવાનું સૂચન તેમના નજીકના સ્નેહી મુનશી દયા નારાયણ નિગમે કર્યું હતું. 30 વર્ષ પછી ગુજરાતી ભાષાના ધુરંધર લેખક અને શિક્ષણવિદ કનૈયાલાલ મુનશી પ્રેમચંદજીને મળ્યા અને તેમણે “મુનશી”અટક આપી. આમ એક મુનશી એ પ્રેમચંદ નામ આપ્યું અને બીજાએ “મુનશી” અટક આપી. ત્યારપછી તેઓ આજીવન મુનશી પ્રેમચંદ બનીને લખતા રહ્યા.

મુનશી દયા નારાયણ નિગમ 20 મી સદીની શરૂઆતમાં કાનપુર થી પ્રકાશિત થતાં ઉર્દુ સામાયિક “જમાના”ના તંત્રી હતા. પ્રેમચંદજીની પહેલી વાર્તા “દુનિયા કા સબસે અનમોલ રતન”તેમણે જ પ્રકાશિત કરી હતી.

પ્રેમચંદની રચનાઓમાં દલિતો, ખેડૂતો, ગરીબી તથા શોષણની દાસ્તાન છે. તેથી લોકોને એવું લાગ્યું કે પ્રેમચંદની રચનાઓમાં ડાબેરી વિચારધારા તરફી ઝુકાવ છે. પ્રેમચંદ ની જીવન કથા “કલમ કે સિપાહી”ના લેખક અને એમના પુત્ર અમૃતરાયે કહ્યું હતું કે, પ્રેમચંદે 1919 માં દયાનારાયણ મિશ્રાને લખ્યું હતું કે તેઓ બોલ્શેવિક મૂલ્યમાં માનવા લાગ્યા છે. તેનો અર્થ એ છે કે શોષણ વિરુદ્ધ ની જે ક્રાંતિનું આગમન આ ધરતી પર થયું છે તેને તેઓ આવકારી રહ્યા છે, તેનો અર્થ એ નથી કે પ્રેમચંદ ડાબેરી થઈ ગયા છે.

પ્રેમચંદે સામાન્ય લોકોની ભાષામાં ભારતના ગ્રામીણ જીવનનું બયાન કર્યું હતું. ગૌદાન, ગબન, નિર્મલા, કર્મભૂમિ, સેવાસદન, કાયાકલ્પ અને પ્રતિજ્ઞા જેવી નવલકથાઓ અને કફન, પૂર કી રાત, નમક કા દારોગા, બડે ઘર કી બેટી અને ઘાસવાલી જેવી નવલિકાઓમાં એ જીવનને શબ્દ દેહ આપ્યો હતો.

પ્રેમચંદજીની અનેક વાર્તાઓ અને નવલકથાઓ પરથી ફિલ્મો બની હતી. 1977 માં બનેલી ફિલ્મ “શતરંજ કે ખિલાડી” ને ખૂબ સફળતા મળી હતી, એ ફિલ્મના દિગ્દર્શક હતા સત્યજીત રે. આને ત્રણ ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. આ સિવાય સદગતિ, કફન, ગૌદાન, ગબન અને હીરા મોતી જેવી ફિલ્મો પણ બની હતી.

વડાપ્રધાન કહે છે કે કેન્દ્ર સરકારની ઉજ્વલા રસોઈ ગેસ યોજના પાછળ મુનશી પ્રેમચંદ પ્રેરણા સ્ત્રોત છે. કારણ કે પ્રેમચંદે 1933 માં મશહૂર વાર્તા “ઈદગાહ”લખી હતી. જેમાં મુખ્ય પાત્ર ચાર વર્ષનો હમીદ મેળામાં મીઠાઈ ખાવાના બદલે એના દાદી અમીના માટે એક ચીમટો ખરીદી લાવે છે જેથી રાંધતી વખતે દાદીએ ચૂલામાં હાથ બાળવા ના પડે. આ કામ જો એક હમીદ કરી શકતો હોય તો દેશનો વડાપ્રધાન કેમ ન કરી શકે, એમ મોદીજી એ કહ્યું હતું.

આજના જમાનામાં પ્રેમચંદ જેવા કોઈ લેખક કે વિચારક નથી. પ્રેમચંદજી બહુ મહાન હતા, તેમની પ્રતિભાનો પડછાયો ખૂબ મોટો હતો. હિન્દી સાહિત્યમાં પ્રેમચંદ પછી તેમના જેવા કોઈ લેખક આવ્યા નથી.