ગુજરાતમાં કડક નિયંત્રણોની તૈયારી

ઓફલાઇન શિક્ષણ બંધ થાય તેવી સંભાવના

 

અબતક, રાજકોટ

ગુજરાતમાં કડક નિયંત્રણોની તૈયારી થઈ રહી હોવાનું ટોચના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પ્રથમ તો ઓફલાઇન શિક્ષણ બંધ કરવાની સાથે નાઈટ કરફ્યુના સમયમાં વધારો થવાની ટૂંક સમયમાં જાહેરાત થાય તેવું જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સરકાર અત્યારે એલર્ટ મોડમાં આવી ગઈ છે. વધુમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. વેકસીન માત્ર 15થી 18 વર્ષના બાળકોને જ આપવામાં આવી રહી હોય, પ્રાથમિક શાળાઓના બાળકો ઉપર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકાર અત્યારે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવાની વિચારણા કરી રહ્યું હોય તેવું માલુમ પડી રહ્યું છે. વધુમાં મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યારે જે નાઈટ કરફ્યુ ચાલી રહ્યો છે તેના સમયમાં પણ વધારો કરવામાં આવે તેવી શકયતા છે.

કોરોનાના કેસ વધતા સરકાર એલર્ટ,સંક્રમણ હદ બહાર જાય તે પૂર્વે સાવચેતીના પગલાં લેવા વિચારણા

હાલ રાજયમાં કોરોનાનો ગ્રાફ ઉપર ચડી રહ્યો છે. તેવામાં સરકાર પહેલાથી જ તકેદારીના ભાગરૂપે કડક નિયંત્રણ અમલમાં મૂકવા તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં સુત્રોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે રાજ્યમાં સ્પા, ગાર્ડન, જિમ, થિયેટર સહિતના સ્થળો ફરી પહેલાની જેમ બંધ કરી દયે તેવી પણ શકયતા જોવા મળી રહી છે.

વિક એન્ડ કરફ્યુ નહિ આવે

સુત્રોમાંથી એવી માહિતી મળી રહી છે કે રાજ્યમાં કડક નિયંત્રણ આવી શકે છે. પણ અન્ય રાજ્યની જેમ શનિ- રવીમાં લોકડાઉન મુકવામાં આવશે નહિ. સરકાર વિક એન્ડ કરફ્યુ અમલમાં હજુ મુકવાની નથી. રાજ્યમાં કેસ હજુ બીજા રાજ્યોની સાપેક્ષે ઓછા છે. કડક નિયંત્રણ તકેદારીના ભાગરૂપે લેવામાં આવનાર છે એટલે વિક એન્ડ કરફ્યુનું નિયંત્રણ મુકવામાં નહિ આવે જેથી મોટા પ્રમાણમાં લોકોની રોજગારીને અસર પહોંચે.

નાઈટ કરફ્યુના સમયમાં વધારો તેમજ જિમ-સ્પા-ગાર્ડન-થિયેટર સહિતના સ્થળો પહેલાની જેમ જ બંધ કરવાના તોળાતા પગલાં