- લાલવાડી વિસ્તારમાં 1 કીલોમીટરના વોકીંગ પાથ સાથેના પાર્કમાં બાળ મનોરંજન ના સાધનો પણ ગોઠવાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા અપાયેલી 1 હેક્ટર જગ્યામાં એક-દોઢ વર્ષમાં જ વન વિભાગે 10,000 વૃક્ષો વાવીને સર્જી આપેલું ’વન કવચ’ હવે માણેકનગર રોડ, લાલવાડી વિસ્તાર, એડ્રસપીર ની દરગાહ નજીક આવેલી સોસાયટીઓ તેમજ નૂરી ચોકડી નજીક આવેલી સોસાયટીઓના રહીશો માટે વોકીંગ પાર્ક તરીકે ખુલ્લું મુકવા માટે તૈયાર થઇ ચુક્યું છે. આ સ્થળે બાળકોના મનોરંજનના સાધનો પણ ગોઠવાયા છે.
ગત વર્ષ 2023-24માં જામનગર-દ્વારકા જીલ્લા વન તંત્રના સામાજિક વનીકરણ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા સુભાષ બ્રિઝ નજીક થી અન્નપુર્ણા ચોકડી વચ્ચે ના માર્ગ પર એડ્રસપીર ની દરગાહ નજીક ના વિસ્તારમાં 1 હેક્ટર નો ટી.પી.સ્કીમ નં.01 ના અંતિમ ખંડ નો વિશાળ પ્લોટ વન કવચ તરીકે ડેવલપ કરવામાંટે આપ્યો હતો. વન વિભાગ ના કર્મચારીઓઓ અને ખાસ કરીને ફોરેસ્ટર વિભાગ ની જહેમત થી દોઢ વર્ષ જેવા સમયગાળામાં આ પ્લોટમાં 38 પ્રકાર ના 10,000 જેટલા વૃક્ષોને ઉછેરવામાં આવ્યા છે.
’વન કવચ’ માં વન તંત્ર દ્વારા બાળકો માટે લપસીયા, મેરીગો રાઉન્ડ રાઇડ, હિંચકા તથા ઉંચક-નીચક રાઇડ જેવા સાધનો ગોઠવ્યા છે. તેમજ વન કવચ ફરતે 1 કીલોમીટર જેટલો વોકીંગ પાથ પણ રચવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક વિસ્તારના નાગરિકો ફીટનેસ માટે આવી શકશે. લોકોના વિસામા માટે અહીં વન વિભાગ ની ઓળખ સમાન એક હટ પણ બનાવવામાં આવી છે. આમ સરકારી તંત્રો ના સંકલન થી જામનગર શહેરના એક વિસ્તારમાં 10,000 વૃક્ષો સફળતા પૂર્વક ઉગી શક્યા છે. જે ઓક્સિજન પાર્કની સુવિધા બન્યા છે. વન વિભાગે સ્થાનિક પક્ષીઓને ધ્યાનમાં રાખીને દાડમ, જામફળ, સેતુર, કરમદા, સીંદુરી ઉપરાંત લીંબુ, પારિજાત, નગોળ, અરડુસી, લીમડા સહિતના 38 પ્રકારના વૃક્ષો વાવ્યા છે. આ ’વન કવચ’ જામનગર શહેરમાંથી લુપ્ત થયેલી ચકલી જેવા પક્ષીઓના વસવાટ નો આશરો પણ બની રહેશે.