- સ્ટેડિયમ પ્રકારના બનાવેલા ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 1600થી વધુ કલાકારોની સાંસ્કૃતિક કૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર
- માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે. વર્ષ 2025નો માધવપુર ઘેડ નો મેળો આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ધરોહરોને તેની મૂળ ગરીમાને જાળવી રાખીને ઉજાગર કરવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત માધવપુરના મેળામાં આ વખતે ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કુલ 1600 કલાકારો એક સાથે રંગમંચ પર પ્રસ્તુતિ કરવાના છે. માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ તા. 6 એપ્રિલ 2025 ના રોજ સાંજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે.
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સાંસ્કૃતિકૃતિઓના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી માધવપુર ઘેડના મેળામાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.જિલ્લા કલેકટર એસ. ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતનાં વિવિધ સમિતિઓના શીર્ષ અધિકારીઓએ માધવપુર મેળા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.
કલેકટર સહિતના અધિકારીઓએ મેળા ગ્રાઉન્ડમાં તૈયાર થતાં પાર્કિંગ,સ્ટોલ, પાણી, આરોગ્ય અંતગર્ત સ્ટેજ બેઠક વ્યવસ્થા તેમજ આવનાર મહાનુભવો,કલાકારો વિવિધ વ્યવસ્થાઓ સહિતના આયોજન અંતર્ગત સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ચોરી માયરા માધવપુર ખાતે જિલ્લા કલેકટર એસ.ડી ધાનાણીએ અધિકારીઓએ સાથે બેઠક કરી હતી અને જુદી જુદી સમિતિઓના આયોજન રીવ્યુ
કરવામાં આવ્યું હતું. વધુમાં કલેક્ટરએ મેળામાં યોગ્ય વ્યવસ્થાઓ અને વધુ સારી રીતે લોકમેળો યોજાય તે માટે શીર્ષ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પાર્કિંગ સ્થળનું દિશા નિર્દેશ કરતાં બાર્ડ અને યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની બાબતે સૂચનો કર્યા હતાં. અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી ચર્ચા કરી હતી. ઉલ્લેખની છે. કે, આ વખતે લોકમેળા પરિસરમાં સ્ટેડિયમ પ્રકારના બનાવેલા ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 1600થી વધુ કલાકારો સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરશે. આજની મુલાકાત દરમિયાન અધિક નિવાસી કલેકટર જે. બી.વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા,સંયુક્ત માહિતી નિયામક એમ.ડી .મોડાસીયા, પ્રાંત અધિકારી સંદિપ જાદવ,કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા,જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક જાખડ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
માધવરાયજી મંદિર ખાતે 25 દિવસ સુધી ગવાય છે લગ્ન ગીત
પોરબંદરના માધવપુરમાં શ્રી માધવરાયજી મંદિર ખાતે 25 દિવસ સુધી ભગવાનના લગ્ન ઉત્સવને લઈને લગ્ન ગીત ગવાઈ છે. દરરોજ સાંજે બહેનો ભગવાન માધવરાયજીના લગ્ન ગીતમાં અનેરા ઉત્સાહ સાથે જોડાય છે. સદીઓથી અહીં ભગવાન માધવરાયજીના વિવાહનો ઉત્સવ અનેરા આનંદ સાથે ઉજવવામાં આવે છે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માધવરાયજીના મંદિરમાં વિવાહનો પ્રસંગ નજીક આવી રહ્યો છે ત્યારે લગ્ન ગીતો ગુંજી ઉઠ્યા છે. સદીઓથી અહીં રામનવમી પર્વોમાં ભગવાન માધવરાયજીના લગ્નને લઈને અનેરા ઉત્સાહ સાથે 25 દિવસ સુધી બહેનો દ્વારા લગ્ન ગીતો ગાવામાં આવે છે. ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુરના લોકમેળાને લઈને છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, માધવપુર વાસીઓમાં મેળાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માધવપુર ખાતે સમુદ્રના કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી મંદિર ખાતે લગ્નની તૈયારીને લઈને દરરોજ લગ્ન ગીતો ગુંજે છે. બહેનોના જણાવ્યા મુજબ માધવરાયજીના લગ્ન ઉત્સવ દરમિયાન 25 દિવસ સુધી આ લગ્ન ગીતનું આયોજન થતું હોય છે.