ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખપદનું કોકળુ ફરી ગુંચવાયુ

rajkot | chember of commerce
rajkot | chember of commerce

ચૂંટણી દરમિયાન બંને પેનલ વચ્ચે સમાધાન બાદ જીતુભાઈ અદાણીને પ્રમુખ બનાવવાનું ટલ્લે ચડયું: પ્રમુખ નહીં બનાવાય તો આવતીકાલની ખાસ બેઠકમાં પેનલ સાથે બહિષ્કાર કરવાની ચિમકી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી માંડ માંડ સમરસ થયા બાદ હવે પ્રમુખપદ માટેનું કોકડુ ગુંચવાયું છે. ચૂંટણી દરમિયાન સમાધાન કર્યા બાદ જે-તે સમયે જીતુભાઈ અદાણીને પ્રમુખ બનાવવાની વાત થઈ હતી પરંતુ હવે આ બાબત ટલ્લે ચડતા આવતીકાલે પ્રમુખપદ માટેની મળનારી ખાસ બેઠકમાં જીતુભાઈ અદાણી પેનલ સાથે બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં એકિટવ પેનલ અને નવસર્જન પેનલ વચ્ચે ચૂંટણી પહેલા સમાધાન થઈ જતા એકિટવ પેનલના ૧૬ સભ્યો અને નવસર્જન પેનલમાં ૮ સભ્યો મળીને ૨૪ સભ્યોની કારોબારી સમિતિ બનાવવાનું કરાયું હતું. સમાધાન વેળાએ નવસર્જન પેનલના જીતુભાઈ અદાણીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું પ્રમુખપદ આપવાની જે-તે સમયે બાંહેધરી પણ આપવામાં આવી હતી.

પરંતુ હવે જયારે આવતીકાલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદ માટેની મહત્વની બેઠક મળવાની છે ત્યારે તેના એક દિવસ અગાઉ જીતુભાઈ અદાણીને પ્રમુખપદ સોંપવાની બાબત ટલ્લે ચડતા આખી પેનલમાં અસંતોષ ફેલાયો છે અને એક તબકકે પ્રમુખપદ માટેની ચૂંટણી કરી જીતુભાઈ અદાણીને જીતાડવાનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ આજે સાંજ સુધીમાં ચૂંટણી વગર સર્વાનુમતે જીતુભાઈ અદાણીને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું પ્રમુખપદ નહીં સોંપાય તો જીતુભાઈ અદાણી સહિત પેનલના તમામ સભ્યો આવતીકાલની પ્રમુખપદની માટેની મહત્વની બેઠકનો બહિષ્કાર કરશે.

ચેમ્બરની ચૂંટણી માંડ માંડ સમરસ થયા બાદ હવે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદનું કોકડુ ગુંચવાયું છે. ચેમ્બરના નવા પ્રમુખ કોન બનશે? તે વાતની ચર્ચાએ જોર પકડયું છે.