- વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત 151માં ક્રમે તો અમેરિકા 57માં ક્રમે
- પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર્સ દ્વારા રીપોર્ટ જાહેર
પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય NGO રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (RWB) દ્વારા 2025 ના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારત 180 દેશોમાંથી 151મા ક્રમે છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનો ક્રમ ૧૫૯મો હતો. આ સૂચકાંકમાં એરિટ્રિયા સૌથી નીચે છે અને નોર્વે ટોચ પર છે. ભૂટાન, પાકિસ્તાન, તુર્કી, પેલેસ્ટાઇન, ચીન, રશિયા, અફઘાનિસ્તાન, સીરિયા અને ઉત્તર કોરિયાને ભારતથી નીચે મૂકવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સૂચક વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકના ઇતિહાસમાં તેના સૌથી નીચલા સ્તરે છે. વિશ્વભરના મીડિયા ભંડોળ કાપનો સામનો કરી રહ્યા છે. માહિતી સંસાધનો પર ગૂગલ, એપલ, ફેસબુક, એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓના વર્ચસ્વને કારણે, મીડિયા વધુ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. અગાઉ મીડિયા આઉટલેટ્સમાં જતી જાહેરાતોનો મોટો હિસ્સો હવે આ ટેક પ્લેટફોર્મ્સ પર જઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણા દેશોમાં મીડિયા રાજકીય નેતાઓ દ્વારા નિયંત્રિત છે.
લેબનોન, ભારત, આર્મેનિયા અને બલ્ગેરિયા જેવા દેશોમાં, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ તરફથી શરતી ભંડોળને કારણે મીડિયા આઉટલેટ્સ ટકી રહે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકામાં પ્રેસની સ્થિતિ કથળી ગઈ છે. અમેરિકા આ સૂચકાંકમાં 57મા ક્રમે છે, જ્યારે ગયા વર્ષે તેનું રેન્કિંગ ૫૫મું હતું. રિપોર્ટમાં, લગભગ 18 મહિનાથી યુદ્ધ સામે ઝઝૂમી રહેલા પેલેસ્ટાઇનને 163મા સ્થાને રાખવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલી સેનાએ ગાઝામાં ઘણા ન્યૂઝરૂમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. 2023 માં લડાઈ શરૂ થઈ ત્યારથી ગાઝામાં 200 થી વધુ પત્રકારો માર્યા ગયા છે. બીજી બાજુ, ચીન અને વિયેતનામ જેવા દેશોમાં, મીડિયા સરકાર અથવા સરકાર સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા નિયંત્રિત છે. સ્વતંત્ર પત્રકારત્વ કરનારાઓને સતત ધમકીઓનો સામનો કરવો પડે છે. બીજી બાજુ, વિદેશી મીડિયા સંસ્થાઓને ગમે ત્યારે બ્લેકલિસ્ટ કરી શકાય છે.
મુખ્ય દેશોનું રેટિંગ
દેશ રેટિંગ
- નોર્વેજીયન 1
- બ્રિટન 20
- યુએસએ 57
- ઇઝરાયલ 112
- ભારત 151
- પાકિસ્તાન 158
- રશિયા 171
- અફઘાનિસ્તાન 175
- ચીન 178
- એરિટ્રિયા 180