સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટી પાસે 50 ફૂટના રોડ પર ભૂમાફિયાઓનું દબાણ

ચોક્કસ તત્વોએ પાઇપ અને ફેન્સિંગ નાખી દબાણ ખડકી દીધુ: કોર્પોરેશનમાં બે વખત કરાયેલી રજૂઆતનું પરિણામ શૂન્ય

અબતક, રાજકોટ

શહેરના યુનિવર્સિટી રોડથી પાટીદાર ચોકને જોડતા મહત્વના ટીપી સ્કીમ નં.16ના 50 ફૂટ રોડ પર પાઇપ સહિતનો સામાન રાખી તેમજ તારની ફેન્સિંગ કરી લઇ આ રોડ બંધ કરી દીધો છે. આ દબાણ હટાવવા માટે અહીંના જાગૃત નાગરિકે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી હોવા છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા નથી અને અહીં દબાણ જેમનું તેમ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીનો આ રોડ યુનિવર્સિટી રોડથી પાટીદાર ચોકને જોડતો મહત્વનો રોડ છે. અહીં લોકોની વસાહત દિનપ્રતિદિન વધી રહી છે. જેથી કરીને આ રોડ અહીંના રહેવાસીઓ માટે ખૂબ જ મહત્વનો બની રહે તેવો છે. પણ અફસોસની વાત એ છે, આ રોડનો ઉપયોગ હજુ સુધી અહીંના રહેવાસીઓ કરી શકતા નથી અને તેની પાછળનું કારણ એ નથી કે અહીં રોડ બનાવવાનું કામ નથી થઇ શક્યું કે અહીં રોડ બનાવવો મુશ્કેલ છે. અહીં રોડનો ઉપયોગ ન કરી શકવાનું કારણ એ છે, અહીં કેટલાક ચોક્કસ તત્વોએ દબાણ કરી લીધું છે અને દબાણ રહેણાંક મકાનનું નથી, અહીં પાઇ સહિતનો સામાન રાખી રીતસર રોડ ચાલુ નહી થવા દેવાનું થાની લીધુ હોય તેમ દબાણ કરવામાં આવ્યું છે.

અહીં ટીપી રોડ પરના દબાણ બાબતે કોર્પોરેશનના સંબંધિત અધિકારીને એકથી વધુ વખત રજૂઆત કરવામાં આવી છે. જેમાં સૌપ્રથમ રજૂઆત તા.9/2/2022ના રોજ કરવામાં આવી હતી. બાદમાં તા.16/2/2022ના રોજ ફરી રજૂઆત કરવામાં આવી હતી. બે વખતની રજૂઆત બાદ પણ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓએ માત્ર દબાણ દૂર કરવાની ધરપત જ આપી જેથી દબાણકર્તાઓની હિંમત વધી અને તેમણે અહીં પાઇપ તો આડા નાખ્યા જ હતાં અને તેમાં વધારો કરી તારની ફેન્સિંગ પણ કરી નાખી. ત્યારબાદ ફરી એક વખત તા.21/2/2022ના ફરી રજૂઆત કરવામાં આવી પણ તેમ છતાં કોઇ પગલાં લેવાયા નથી અને આજદિન સુધી અહીં રોડ પરનું દબાણ જેમનું તેમ છે. વારંવારની રજૂઆત બાદ પણ અહીં 50 ફૂટના ટીપી રોડ પર થઇ ગયેલા દબાણ અંગે કોઇ પગલાં લેવામાં ન આવતા આ અંગે કોઇ નોટિસ કે દબાણ દૂર કરવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોય કોર્પોરેશનનું આ વલણ પણ શંકા જગાવી રહ્યું છે. કોર્પોરેશનના કેટલાક અધિકારી કે કર્મચારીઓનું હિત જોખમનું હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.