Abtak Media Google News

કાલાવડ રોડ, યુનિ.રોડ અને સૌરાષ્ટ્ર યુનિ. આસપાસના વિસ્તારોમાં જઇ સ્થળ તપાસ અને રેવન્યુ દફ્તરની ચકાસણી કરવાની કોંગી અગ્રણી ગાયત્રીબા વાઘેલાની મામલતદારને સલાહ

રાજકોટ શહેર પશ્ર્ચિમ વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં સરકારી જમીનો ઉપર થયેલા દબાણો મામલે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા પશ્ચિમ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે.

આવેદનમાં જણાવાયું હતું કે આપના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં સરકારી ખાલી જમીનો તેમજ કાયદાકીય પ્રક્રિયામાં હોય તેવી સરકારી માલીકીની વાદગ્રસ્ત જગ્યાઓ બાબતે સમયાન્તરે જાત તપાસ કરાવવી અને નામદાર કોર્ટ કે સરકારના વિભાગો દ્વારા આ બાબતે સમયાન્તરે થતા નિર્ણયો અને હુકમોની અમલવારી કરવાની અને કરાવવાની જવાબદારી અને ફરજ વિભાગના વડા તરીકે આપની હોય છે. પરંતુ આ વિષયે આપના અધિકાર ક્ષેત્રમાં આવતી આવી કોઈ જ નિયમ અનુસારની સરકારી ફરજો આપના વિભાગ દ્વારા અદા કરવામાં આવી રહી નથી. જેના પરિણામ સ્વરૂપ નાના-મોટા અનેક બીલ્ડરોથી લઈ જમીન માફીયાઓ અને મોટી રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા તંત્રની ઉદાસીનતાનો સીધો જ લાભ લઈ મોટા પાયે સરકારી જમીનોમાં પેશકદમીઓ કરવામાં આવી છે.

કાલાવાડ રોડ બેબીલેન્ડ હોસ્ટેલ પાસે જયમલ પરમાર માર્ગ ઉપર ક્રિકેટ એકેડમીની બાજુમાં આવેલ જગ્યા બાબતે રેવન્યુ દફતરની ચકાસણી કરી લેન્ડ ગ્રેબીંગ સહીતના કાયદાઓ મુજબ અમલવારી કરવામાં આવે. યુનિ. રોડ તેમજ સાધુવાસવાણી રોડ, આકાશવાણી રોડ ઉપર મોટા પાયે થયેલ પેશકદમીઓ બાબતની ચકાસણી કરવામાં આવે અને આ પૈકીની કોઈ જગ્યાઓ કોઈ ઈસમો દ્વારા ભાડેથી આપવામાં આવેલ હોય તો તેની પણ તપાસ કરી નિયમ અનુસાર સરકારી રેવન્યુની વસુલાત કરી આવા દબાણો ખુલ્લા કરવામાં આવે. પ્રેમમંદિરથી સૌરાષ્ટ્ર યુનિ. તરફ જતા રસ્તા ઉપર સરિતા વિહાર પાસે આવેલ નદીની બાજુમાં આવેલ જગ્યા ‘પ્રાઈડ યુનિવર્સલ’ નામથી આકાર લઈ રહેલ બીલ્ડીંગના સમગ્ર રેવન્યુ રેકોર્ડની ચકાસણી કરવામાં આવે અને તેમાં કોઈ વાંધાજનક જણાય તો તપાસનાં અંતે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે.

આ આવેદનમાં સંજયભાઇ અજુડીયા, મનસુખભાઇ કાલરીયા, ડી.બી.ગોહીલ, મુકુંદભાઇ ટાંક, મયુરસિંહ પરમાર, ભાવેશભાઇ રાજપુત અને દીપ્તીબેન સોલંકી જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.