કિડનીની બિમારીથી બચવા ‘લોકજાગૃતિ’ એક માત્ર સારવાર…

b.t. sawani kindy hospital | doctors |
b.t. sawani kindy hospital | doctors |

સૌરાષ્ટ્રમાં કિડનીના દર્દીઓનું વધતુ પ્રમાણ: નિયમિત ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેક કરાવો: તબીબીની સલાહ વિના આડેધડ દવાનો ઉપયોગ ટાળો

વિશ્ર્વની સાથે સૌરાષ્ટ્રમાં કિડનીની બિમારી વિકટ રીતે વધી રહી છે. ત્યારે લોકજાગૃતિ એક એવુ હથિયાર છે. જેના દ્વારા લોકોને આ મુશ્કેલી પહેલા ચેતવી અને બચાવી શકાય તેમ છે ત્યારે આજે વિશ્ર્વ કિડની ડે નિમિતે ‘અબતક’ એ ખાસ અહેવાલ તૈયાર કર્યો છે.

 બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ મુખ્ય કારણ: ડો.હર્ષિત પટેલ

બી.ટી.સવાણીમાં નેફ્રોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડો.હર્ષિત પટેલે જણાવ્યું હતું કે, કિડનીની બિમારી ભારતમાં ઘણી હદે વધી રહી છે. તેના મુખ્ય કારણ બ્લડ પ્રેશર અને ડાયાબીટીશ છે. અમારી પાસે જે ડાયાલીસીસના દર્દીઓ આવે છે. તેમાં ૭૦ થી ૮૦ ટકા ને બ્લડપ્રેશર અને ડાયાબીટીશના લીધે જ કિડની બગડેલી હોય છે. કિડનીની બિમારીઓથી બચવા પહેલા તો બ્લડપ્રેશર અને ડાયાબીટીશની દવાઓ લેવી. તેમાં જરાય બાંધછોડ કરવી નહીં. ડાયાબીટીશના દર્દીઓએ દર ૧૦-૧૫ દિવસે રિપોર્ટ કરાવવો આવશ્યક છે. તેનું ભુખ્યા પેટનું સુગર ૧૨૦ થી નીચે અને જમ્યા પછીનું ૧૬૦ થી નીચેનું હોવું જ‚રી છે. આ કાળજી રાખવામાં આવે તો કીડનીને લાંબા સમય સુધી બિમારીઓથી બચાવી શકાય છે.

‘વા’ના દર્દીઓ તેમજ અન્ય દુખાવાના દર્દીઓ વારંવાર પોતાની રીતે મેડિકલ સ્ટોર્સથી દવાઓ લઈ લે છે. જે નુકસાનકારક છે. ‘વા’ના દર્દીઓ, શ્ર્વાસની અને હૃદયની બિમારી હોય તેવા દર્દીઓએ દર વર્ષે કીડનીની તપાસ કરાવવી જ‚રી છે. કિડનીની બિમારીનું પ્રમાણ ૩૦ વર્ષથી ઉપરની ઉંમરના દર્દીઓમાં વધુ જોવા મળે છે. તેમાથી પણ વધુ પ્રમાણ ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના દર્દીઓમાં જોવા મળે છે. ૪૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યકિતએ દર બે-ત્રણ વર્ષે કિડનીનો ટેસ્ટ કરાવવો જોઈએ. કારણકે જયાં સુધી કિડની ૫૦ ટકા ખરાબ થઈ જતી નથી ત્યાં સુધી રોગનો એક લક્ષ્ણ પણ દેખાતા નથી. એટલા માટે જ કોઈ પણ રોગ ન હોય. કિડનીનો ટેસ્ટ કરાવવો જ જોઈએ. પહેલાના સમયમાં ડાયાલીસીસની પ્રક્રિયા પ્રાયમરી સ્ટેજમાં હતી. ત્યારે ડાયાલીસીસ સફળ રીતે ન થતું પરંતુ અત્યારે મશીનો એટલા એડવાન્સ થઈ ગયા છે કે કોઈ પણ ઉંમરે સફળ ડાયાલીસીસ કરી શકાય છે. અત્યારે દવાઓ પણ એડવાન્સ થઈ ગઈ છે. જો કિડનીના ડિસિસ જો પ્રાથમિક સ્ટેજમાં પકડી શકીએ તો દવાથી સુધારી શકીએ છીએ. એકવાર જો કીડનીની બિમારી આગળ વધીને ૭૦ થી ૮૦ ટકા થઈ જાય તો દવાઓ કામ લાગતી નથી. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે વધારે પડતુ મીઠું, તેલ, ઘી, જંક ફુડ, કોલ્ડ્રીંકસ આરોગવાનું ટાળવું, નિયમિત રીતે ચાલવુ, બીએમઆઈ ૨૩થી વધુ હોય એને વજન ઘટાડવું જોઈએ.

 કીડનીના રોગ પ્રત્યે જાગૃતતા જરી: ડો.સંદીપ પટેલ

બી.ટી.સવાણી હોસ્પિટલના સીઈઓ ડો.સંદિપ પટેલે જણાવ્યું હતું કે બી.ટી.સવાણી હોસ્પિટલ નેફ્રોલોજી અને યુરોલોજી કિડનીના રોગો માટે સ્પેશ્યાલીટી ધરાવે છે. ૧૬૦ બેડની આ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છની એક માત્ર હોસ્પિટલ છે. જયા ૪૫ મશીનોનું ડાયાલીસીસ સેન્ટર છે. અહીં રોજના ૧૧૦થી વધુ અને દર મહિને અંદાજે ૩૫૦૦ જેટલા દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં એક માત્ર અમારે ત્યાં બાળકોના કીડનીના રોગનો વિભાગ છે. જેમાં મહિપાલ ખંડેલવાલની ટીમ કાર્યરત છે.

નેફ્રોલોજીના વિભાગમાં જેમા નેફ્રોલોજીના નિષ્ણાંતો ડો.હર્ષિત પટેલ, ડો.દિવ્યેશ વિરોજા અને ડો.પ્રફુલ ગજ્જર કાર્યરત છે. કિડનીના નિષ્ણાંત ડોકટરોમાં સમગ્ર રાજકોટમાં ચાર જ ડોકટરો છે. જેમાના ત્રણ ડોકટરો તો બી.ટી.સવાણી હોસ્પિટલમાં કાર્યરત છે. કિડનીની સર્જરી, પથરી કિડનીનું કેન્સર માટે યુરોલોજીનો વિભાગ છે. જેમાં સાત યુરોલોજી નિષ્ણાંતો અહીં ઉપલબ્ધ છે. રોજની અંદાજે ૧૮ થી ૨૦ કિડનીની સર્જરીઓ અહી થાય છે. ગુજરાત સરકારની માં અમૃતમ યોજના સાથે બી.ટી.સવાણી હોસ્પિટલ સંલગ્ન છે. વર્લ્ડ કિડની દિવસ અંગે તેઓએ અંતમાં જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી દ્વારા આ વર્ષની થીમ છે. ‘કિડની ડિસીસ અને ઓબેસીટી’ કિડનીના રોગ પ્રત્યે લોકોને જાગૃત થવાની જ‚ર છે. કિડનીના રોગથી દર્દી પોતે તો પીડાય છે સાથે પરીવારને પણ ભોગવવુ પડે છે. લોકોમાં કીડનીના રોગ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આજે બી.ટી.સવાણી હોસ્પિટલ ખાતે પોસ્ટર એકઝીબીશન રેલીનું આયોજન કર્યું છે.

 દર ૧૦ માંથી ૧ વ્યકિતને કિડનીની બિમારી: ડો.મહિપાલ ખંડેલવાલ

બાળકોની કિડની રોગોના નિષ્ણાંત ડો.મહિપાલ ખંડેલવાલે જણાવ્યું હતું કે આજે વિશ્ર્વમાં ૧૦ માંથી ૧ વ્યકિતને કિડનીની બિમારી છે. ૨૦૧૪ના વર્ષમાં મેદસ્વીતાના કારણે કિડનીના રોગો થવાના ૪૦૦ મીલીયન કેસો હતા. જેમાના ૨૨૦ મીલીયન કેસો તો બાળકોના હતા. ગુજરાતમાં ઓબેસીટી સંબંધિત તકલીફો પુરુષોમાં ૧૫ ટકા અને મહિલાઓમાં ૧૭ ટકા જોવા મળે છે.ઓબેસીટી પાછળ ડાયાબીટીશ, બ્લડ પ્રેશર વધવુ, હાયપર ટેન્શન, પિતાશયના રોગ, અસ્થિર પણુ જેવા રોગો જવાબદાર છે. સૌરાષ્ટ્રમાં કિડનીની પથરીના રોગ, કિડનીના ચેપના રોગ, કિડની ફેઈલ થવાના રોગ, કિડની ઈન્જરી, કિડનીનું કેન્સર જેવા રોગ જોવા મળે છે.

જો કિડની લાંબાગાળા માટે ફેઈલ થઈ જાય તો તેનો શ્રેષ્ઠ ઉપાય કિડની પ્રત્યારોપણ છે. કિડનીના રોગોના ખુબ જ નજીવા લક્ષણો હોય છે. થાક લાગવો, ઉબકા આવવા, પગમાં સોજા આવવા, મોઢા પર સોજા આવવા, પેશાબ લાલ આવવો જેવા લક્ષણો કિડનીના રોગો હોવાનો નિર્દેશ કરે છે.