Abtak Media Google News

અબતક, અમદાવાદ

આવતા વર્ષે માર્ચમાં અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલોમાં  વર્તમાન સરેરાશ દૈનિક દરના છ થી દસ ગણા વધુ ભાવમાં અપાય તેવી ધારણા છે.  અમદાવાદમાં 11 થી 15 માર્ચ દરમિયાન ડિફેન્સ એક્સ્પોનું આયોજન થવાનું છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં 3500 રૂમ જરૂરી હોવાનો અંદાજ છે જેનો સીધો લાભ અમદાવાદની 5 સ્ટાર હોટેલને મળનાર છે.

નોવોટેલ અમદાવાદના જનરલ મેનેજર જય સુધાકરણે જણાવ્યું હતું કે, મહામારી બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાનારી આ પહેલી મોટી ઇવેન્ટ છે અને તે શહેરના હોસ્પિટાલિટી સેક્ટરને ખૂબ જ પ્રોત્સાહન આપશે. ડિફેન્સ એક્સ્પોના પ્રતિનિધિઓ સાથે પૂછપરછ અને વાટાઘાટો શરૂ થઈ ચૂકી છે. ગોવા અને લખનૌમાં એક્સ્પોની અગાઉની આવૃત્તિઓ દરમિયાન એડીઆર પ્રતિ રૂમ દીઠ રૂ. 30 હજાર સુધી પહોંચ્યો હતો.

મોટા હોટેલ સંચાલકએ કહ્યું હતું કે, આ તારીખો દરમિયાન રૂમ ટેરિફ રૂ. 20 હજારથી 40 હજાર રૂપિયા પ્રતિ 24 કલાક રહેવાની ધારણા છે.  હકીકતમાં કેટલાક સ્થળોથી અમદાવાદ સાથે સીધી આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણની ગેરહાજરીમાં હોટેલિયરો 9 માર્ચથી ઇવેન્ટના થોડા દિવસો પહેલા રૂમ ભરવાનું શરૂ કરે તેવી અપેક્ષા રાખે છે.

રામદેવનગર મેરિયોટ કોર્ટયાર્ડના જનરલ મેનેજર દીપ પ્રીત બિન્દ્રાએ જણાવ્યું હતું કે, માંગમાં આટલા ઉછાળા સાથે શહેરની હોટલો એક્સ્પોની તારીખો પર સંપૂર્ણપણે ભરાઈ જાય તેવી અપેક્ષા છે. આ શહેરની હોટલોને મોટું પ્રોત્સાહન પૂરું પાડશે. આ સમિટમાં મુખ્ય પ્રતિનિધિ મંડળો હાજરી આપે તેવી અપેક્ષા છે અને આ તારીખો દરમિયાન શહેરની હોટલો રૂમ માટેની પૂછપરછથી છલકાઇ છે.

હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન- ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું કે, અમને આશા છે કે આનાથી મોટો બિઝનેસ થશે પરંતુ કોવિડ-19 ની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, પૂછપરછ ઇન્કવાયરી સારી છે અને અમે આ દિવસોમાં સારા વ્યવસાયની અપેક્ષા રાખીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.