વડાપ્રધાન ફરી બુધ-ગુરૂ ગુજરાતમાં? 28મીએ રાજકોટ પણ આવશે

ચૂંટણીનો માહોલ ન બંધાતા હવે નરેન્દ્રભાઇ મોદીએ પોતે જ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી લીધી મહેસાણા, દાહોદ, વડોદરા, પાલનપુર, દહેગામ અને અમદાવાદમાં ચૂંટણી સભાનો ગોઠવાતો તખ્તો

ગુજરાતમાં ભાજપને રતિભારનું નુકશાન થાય તે નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહને પાલવે તેમ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે માત્ર 10 દિવસ જ બાકી રહ્યા હોવા છતા ચૂંટણી જેવો માહોલ દેખાતો નથી. ત્યારે ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હવે પ્રચાર-પ્રસારની કમાન સંભાળી લીધી છે. પીએમ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં છે. આજે તેઓનો ગુજરાતમાં અંતિમ દિવસ છે. દરમિયાન મોદી એક દિવસના બ્રેક બાદ ફરી આગામી બુધવાર અને ગુરૂવારે બે દિવસ માટે ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અલગ-અલગ છ ચૂંટણી સભાઓ સંબોધશે.

દરમિયાન આગામી 28મી નવેમ્બરના રોજ વડાપ્રધાન રાજકોટની મૂલાકાતે આવશે તેવી સંભાવના જણાય રહી છે. આજે ગુજરાત પ્રવાસના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં ચૂંટણીસભા સંબોધી હતી. આવતીકાલે મંગળવારે એક દિવસના વિરામ બાદ પીએમ ફરી બે દિવસ માટે ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. 23મી નવેમ્બરના રોજ વડાપ્રધાન મહેસાણા, દાહોદ અને વડોદરા ખાતે જ્યારે 24મી નવેમ્બરના રોજ પાલનપુર, દહેગામ અને અમદાવાદ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ચૂંટણી સભા સંબોધશે.

ગત 19મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટની મૂલાકાતે આવ્યા હતા. તેઓએ રાજકોટમાં વિશાળ રોડ-શો યોજ્યો હતો અને રેસકોર્સમાં જંગી જાહેરસભા સંબોધી હતી. રાજકોટ શહેર-જિલ્લા અને મોરબી જિલ્લાના 7000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યું હતું. દરમિયાન આગામી 28મી નવેમ્બરના રોજ વડાપ્રધાન ફરી એકવાર રાજકોટની મૂલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટની ચારેય વિધાનસભા બેઠક પરથી કમળના પ્રતિક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ચારેય ઉમેદવારોના સમર્થનમાં રેસકોર્સ ખાતે જંગી ચૂંટણી સભા સંબોધશે. આ અંગે શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે હરિફો પાસે કોઇ મુદ્ો નથી. ભાજપ માટે અનુકુળ વાતાવરણ છે. છતા મતદારો પોતાનું મન કળવા દેતા નથી. આવામાં પરિણામ અપેક્ષાથી વિતરિત ન આવે તેવા ભયના કારણે મોદી અને શાહની જોડીએ ગુજરાતની કમાન સંપૂર્ણ પણે પોતાના હાથમાં લઇ લીધી હોય તેવું લાગી રહ્યું છે.